નવી દિલ્હીઃ નાગરિક્તા સંશોધન કાયદાની(Citizenship Amendment Act) સાથે-સાથે દેશમાં અનેક સ્થળે NRC એટલે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ(National Register of Citizens) સામે પણ વિરોધ થઈ રહ્યો છે. NRCને સુપ્રીમ કોર્ટ તરફથી આસામમાં લાગુ કરાયું હતું. જેના અંતર્ગત ઓગસ્ટ મહિનામાં અહીંના નાગરિકોનું(Citizens) એક રજિસ્ટર બહાર પડાયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NRCની આ ફાઈનલ યાદીમાં રાજ્યના 3.29 કરોડ લોકોમાંથી 3.11 કરોડ લોકોને ભારતના કાયદેસરના નાગરિક જાહેર કરાયા હતા, જ્યારે લગભગ 19 લાખ લોકોને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. ફાઈનલ NRCમાં એ લોકોના નામ સામેલ કરવામાં આવ્યા હતા, જે 25 માર્ચ, 1971થી પહેલા આસામના નાગિરક(Citizen) છે કે તેમના પૂર્વજો આ રાજ્યમાં રહેતા આવ્યા છે. આ અંગેની ખરાઈ સરકારી દસ્તાવેજો દ્વારા કરાઈ હતી. 


Citizenship Amendment Act : જાણો શું છે નાગરિક્તા સુધારા કાયદો-2019?


શું છે NRC ?
નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન(National Register of Citizen-NRC) કોઈ પણ રાજ્યમાં રહેતા લોકો માટે એક કાયદેસરનો રેકોર્ડ છે. વર્ષ 1951માં પ્રથમ વખત તેને તૈયાર કરવામાં આવ્યો હતો. જેનો ઉદ્દેશ્ય નાગરિકોની ગણતરી કરવી અને તેમના ઘરની સાથે-સાથે અચલ સંપત્તિની પણ વિગતો રાખવાનો હતો. ઉદાહરણ તરીકે, નામ, ઉંમર, પિતાનું નામ, પતિનું નામ, વિસ્તાર, ઘર અને અન્ય જરૂરી વસ્તુઓ. આ સમગ્ર ડેટા વર્ષ 1951ની વસતી ગણતરી અનુસાર તૈયાર થયો હતો. 


NRC એટલે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સથી એ જાણવા મળે છે કે, કોણ ભારતીય નાગરિક છે અને કોણ નથી? જે વ્યક્તિનું સિટિઝનશિપ રજિસ્ટરમાં નામ નહીં હોય તેને ગેરકાયદે નાગરિક માનવામાં આવશે. દેશમાં આસામ એકમાત્ર રાજ્ય છે, જ્યાં સિટિઝનશિપ રજિસ્ટરની વ્યવસ્થા લાગુ કરાઈ છે. 


ગમે તેટલો વિરોધ કરો, શરણાર્થીઓને નાગરિક્તા આપીને જ રહીશું: અમિત શાહ


આસામમાં NRC લાગુ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં ગેરકાયદે રીતે રહેતા સ્થળાંતરકારો અને તેમાં પણ બાંગ્લાદેશના ઘુસણખોરોની ઓળખ કરવાનો છે. આ સમગ્ર પ્રક્રિયા સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ ચાલી રહી હતી. આ પ્રક્રિયા માટે 1986માં નાગરિક્તા કાયદામાં સુધારો કરીને આસામ માટે એક વિશેષ જોગવાઈ ઉમેરવામાં આવી હતી. 


આસામમાં NRC અપડેટ કરવાની શા માટે જરૂર પડી?
વર્ષ 1951માં NRC તૈયાર કરી દેવાયા પછી આસામના લોકોના આવવાની સંખ્યામાં વધારો થઈ ગયો. વર્ષ 1971માં જ્યાં સુધી બાંગ્લાદેશ પાકિસ્તાનમાંથી વિખુટું ન પડ્યું ત્યાં સુધી પૂર્વ પાકિસ્તાનમાંથી પણ મોટી સંખ્યામાં લોકોએ આસામમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 1972માં બાંગ્લાદેશની આઝાદી પછી પણ આ સંખ્યા વધતી રહી. જેના કારણે આસામમાં વર્ષોથી રહેતા મુળ આસામના લોકો અને બહારથી ઘુસણખોરી કરીને આવેલા લોકો વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો હતો. આ વિવાદ વધતો જોતાં આસામના વિદ્યાર્થીઓ સક્રિય થઈ ગયા અને 'ઓલ આસામ સ્ટૂડન્ટ્સ યુનિયન' નામથી એક સંગઠન બનાવીને આ ઘુસણખોરી રોકવા માટે પ્રદર્શન શરૂ કરી દીધું હતું. 


જામિયા-AMU હિંસા: સુપ્રીમમાં દોડી આવેલા અરજીકર્તાઓની CJIએ બરાબર ઝાટકણી કાઢી, જાણો શું કહ્યું? 


આસામના નાગરિક કોણ? 
આસામમાં ઘુસણખોરી બાબતે પ્રદર્શન કર્યા પછી વર્ષ 1985માં ભારત સરકાર, ઓલ અસમ સ્ટૂડન્ટ્સ યુનિયન વચ્ચે એક કરાર થયો. જેના અનુસાર સિટિઝનશિપ એક્ટ, 1955માં સંશોધન કરવામાં આવ્યું. આ કાયદા અનુસાર, ભારતમાં જન્મેલો કોઈ પણ વ્યક્તિ, જેમાં 1 જાન્યુઆરી, 1966 સુધી બાંગ્લાદેશથી ભારતમાં આવેલા લોકોને પણ નાગરિક માનવામાં આવ્યા. જ્યારે 1 જાન્યુઆરી, 1966થી 25 માર્ચ, 1971ની વચ્ચે આવેલા લોકો પોતાનું નામ રજિસ્ટર કરાવીને ભારતની નાગરિક્તા મેળવી શક્તા હતા. 


ઘુસણખોરી રોકવા ક્યાં પહોંચ્યા સ્ટૂડન્ટ્સ? 
ઓલ આસામ સ્ટૂડન્ટ્સ યુનિયને પોતાના રાજ્ય સ્તરે લગભગ 8 વર્ષ સુધી પ્રદર્શન કર્યું. જોકે, તેમને ઘુસણખોરી રોકવા માટે સફળતા મળી નહીં. આથી વિદ્યાર્થીઓનું એક જૂથ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને મળવા પહોંચ્યું અને આ સમગ્ર બાબતે સંજ્ઞાન લેવા જણાવ્યુ. ઈન્દિરા ગાંધીએ આ મુદ્દાને ગંભીર ગણ્યો અને વર્ષ 1983માં આસામ માટે સંસદમાં 'ગેરકાયદે પ્રવાસી એક્ટ' પસાર કરવામાં આવ્યો. 


નાગરિકતા કાયદા પર ઘમાસાણ, PM મોદીએ ઝારખંડની ધરતી પરથી કોંગ્રેસને ફેંક્યો પડકાર, જાણો શું કહ્યું?


NRC અંતર્ગત રજિસ્ટરમાં એ લોકોનાં નામ સામેલ કરાયા છે, જે 25 માર્ચ, 1971થી પહેલા આસામના નાગરિક કે તેમના પૂર્વજો રાજ્યમાં રહેતા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા પછી કેટલાક લોકો આસામમાંથી પૂર્વ પાકિસ્તાનમાં જતા રહ્યા હતા, પરંતુ તેમની જમીન આસામમાં હતી. ભાગલા બાદ પણ આ લોકો ભારતમાં આવતા રહ્યા હતા અને જમીન પર પોતાનો અધિકાર જાળવી રાખ્યો હતો. 


ઓગસ્ટ, 2019માં નવું NRC લાગુ
આસામમાં વર્ષ 1972માં બાંગ્લાદેશ બન્યા પછી મોટી સંખ્યામાં શરણાર્થીઓનું આગમન ચાલુ રહ્યું હતું. જેના કારણે રાજ્યની વસતીમાં વધારો થવા લાગ્યો હતો. આથી, કેન્દ્ર સરકારે ઓગસ્ટ, 2019માં આસામમાં નવું NRC લાગુ કર્યું હતું. હવે, કેન્દ્ર સરકાર દેશના અન્ય રાજ્યમાં પણ NRC લાગુ કરવાનું વિચારી રહી છે, જેના કારણે તેનો વિરોધ થઈ રહ્યો છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...