સુપ્રીમનો ઐતિહાસિક ચૂકાદોઃ જાણો કેવું હશે અયોધ્યામાં બનનારું ભવ્ય રામ મંદિર
રામલલાના મુખ્ય પુજારી આચાર્ય સતેન્દ્ર દાસના અનુસાર, અયોધ્યામાં બનનારા શ્રીરામનું મંદિર બે માળનું હશે. આ ભવ્ય મંદિરની લંબાઈ 268 ફૂટ, પહોળાઈ 140 ફૂટ અને ઊંચાઈ 128 ફુટ હશે. રામ મંદિરમાં કુલ 212 થાંભલા હશે. પ્રથમ માળે 106 થાંભલા હશે.
નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ જન્મભૂમિ જમીન વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટે શનિવારે પોતાનો ચૂકાદો આપી દીધો છે. આ ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે વિવાદિત 2.77 એકર જમીન હિન્દુ પક્ષને આપીને રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો કર્યો છે. સાથે જ મુસ્લિમ પક્ષને મસ્જિદના નિર્માણ માટે 5 એકર જમીન અલગથી આપવાનો પણ આદેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે, મુસ્લિમ પક્ષ એ સાબિત કરી શક્યા નથી કે આ વિવાદિત જમીન પર તેમનો એકાધિકાર હતો. સાથે જ કોર્ટે જણાવ્યું કે, અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા અપાયેલો વિવાદિત જમીનના ભાગલા પાડવાનો ચૂકાદો ખોટો હતો.
કેવી રીતે બનશે રામ મંદિર
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને રામ મંદિરના નિર્માણ માટે 3 મહિનામાં એક ટ્રસ્ટની રચના કરવાનો આદેશ આપ્યો છે. ટ્રસ્ટની રચના થયા પછી મંદિરના નિર્માણ માટે તેને આ વિવાદિત જમીનનો કબજો સોંપવામાં આવશે. મંદિર કેવું બનાવવું તેનો નિર્ણય ટ્રસ્ટ લેશે.
સુપ્રીમ કોર્ટનો ચૂકાદો વિવિધતામાં એક્તાનું દર્શન કરાવે છે : પીએમ મોદી
કેવું હશે રામ મંદિરનું સ્વરૂપ
રામલલાના મુખ્ય પુજારી આચાર્ય સતેન્દ્ર દાસના અનુસાર, અયોધ્યામાં બનનારા શ્રીરામનું મંદિર બે માળનું હશે. આ ભવ્ય મંદિરની લંબાઈ 268 ફૂટ, પહોળાઈ 140 ફૂટ અને ઊંચાઈ 128 ફુટ હશે. રામ મંદિરમાં કુલ 212 થાંભલા હશે. પ્રથમ માળે 106 થાંભલા હશે.
રામ મંદિરમાં સિંહ દ્વારા, નૃત્ય મંડલ, રંગ મંડપ, કોલી, ગર્ભગૃહ અને પરિક્રમા માર્ગ પણ બનાવાશે. આ સાથે જ ગર્ભગૃહની ચારે તરફ બનનારા પરિક્રમા માર્ગની પહોળાઈ 10 ફૂટ રાખવામાં આવશે. આ મંદિરના જમીન પર ભગવાન રામ બાળ સ્વરૂપમાં એટલે કે 'રામલલા'ના સ્વરૂપમાં બિરાજમાન થશે. મંદિરના પ્રથમ માળે રામ દરબાર બનાવાશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube