Aryan Khan જેલમાં હતો ત્યારે રાહુલ ગાંધીએ શાહરૂખ ખાનને લખ્યો હતો પત્ર, કહી હતી આ વાત
આર્યન ખાન કેસ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અભિનેતા શાહરૂખ ખાનને પત્ર લખ્યો હતો.
નવી દિલ્હી: મુંબઈની ડ્રગ્સ પાર્ટી મામલે એનસીબીએ જ્યારે બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત અનેક લોકો પર સકંજો કસ્યો તે એપિસોડ સંલગ્ન આરોપીઓની ધરપકડ બાદ કેસ સાથે જોડાયેલા આરોપીઓના જામીન માટે ખુબ જદ્દોજહેમત કરવી પડી હતી. આ બધા વચ્ચે એક જાણકારી સામે આવી છે કે આર્યન ખાન કેસ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અભિનેતા શાહરૂખ ખાનને પત્ર લખ્યો હતો.
દેશ તમારી સાથે- રાહુલ ગાંધી
આ પત્રમાં રાહુલ ગાંધીએ શાહરૂખ ખાનને સાંત્વના આપતા કહ્યું હતું કે દેશ તમારી સાથે છે. હિન્દુસ્તાન ટાઈમ્સમાં પ્રકાશિત ખબર મુજબ આ પત્ર આર્યનની ધરપકડ દરમિયાન લખાયો હતો. નોંધનીય છે કે ગત ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાનના જામીન મંજૂર કર્યા હતા.
NCB ની તપાસ ચાલુ
2 ઓક્ટોબરના રોજ જ્યારે એનસીબીએ પોતાની મોટી કાર્યવાહીમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન, આર્યનના મિત્ર અરબાઝ અને મુનમુન ધામેચાની ધરપકડ કરી હતી. સેશન્સ કોર્ટે બે વાર આર્યન ખાનના જામીન ફગાવ્યા હતા. આ મામલે સેન્ટ્રલ એજન્સીની તપાસ ચાલુ છે. નોંધનીય છે કે અનેક કોશિશો બાદ આર્યન ખાનના વકીલ તેના જામીન કરાવવામાં સફળ થયા હતા.
મામલે રાજકારણ રમાયું
ડ્રગ્સ કેસમાં આર્યન ખાનનું નામ આવ્યા બાદ જ્યાં બોલીવુડના નામી દિગ્ગજો આર્યન ખાનના સમર્થનમાં ઊભા રહી ગયા હતા. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિક અને પ્રદેશના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે આ મામલે નિવેદનબાજી પણ થઈ. નવાબ મલિકના આરોપો બાદ એનસીબીના ઝોનલ અધિકારીના પત્ની ક્રાંતિએ પલટવાર પણ કર્યો.
અત્રે જણાવવાનું કે જ્યારે આર્યન ખાન 30 ઓક્ટોબરના રોજ જામીન પર છૂટીને મન્નત પહોંચ્યો ત્યારે ફેન્સે ખુબ ઉજવણી કરી. શાહરૂખ ખાન પોતાના કાફલા સાથે આર્યન ખાનને લેવા માટે પોતે આર્થર રોડ જેલ પહોંચ્યો. આર્યન ખાન મુંબઈની આર્થર રોડ જેલમાં 22 દિવસ રહ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube