સાઉથ બ્લોકની ગલી અપશુકનિયાળ હોવાની ચર્ચાએ વેગ પડક્યું, દરેક મંત્રી ફસાયા છે વિવાદોમાં
1931માં રાયસીના હિલ પર સાઉથ બ્લોક વસારનાર બ્રિટિશ શિલ્પકાર હર્બર્ટ બેકરે વિચાર્યું પણ નહિ હોય કે આ બ્લોકની ગલીઓ એક દિવસે વિવાદિત મંત્રીનું કેન્દ્ર બની જશે. આ ગલી છે વિદેશ મંત્રાલયની. સાઉથ બ્લોકમાં ત્રણ મહત્ત્વના સરનામા છે. એક વડાપ્રધાનની ઓફિસ પીએમઓ, બીજું રક્ષા મંત્રાલય અને ત્રીજું વિદેશ મંત્રાલય. પરંતુ સાઉથ બ્લોકમાં જ્યાં વિદેશ મંત્રાલય છે, તે હંમેશાથી વિવાદાસ્પદ રહ્યું છે. અહીં જે પણ મંત્રી બનીને આવે છે, તે વિવાદોમાં ફસાઈ જાય છે. કેટલાક નેતા મંત્રી બન્યા બાદ વિવાદોમાં ફસાય છે, તો કેટલાત તેના પહેલા જ. હાલનો જ તાજો કિસ્સો એમજે અકબરનો છે. ક્યારેક પત્રકારિતાના ‘અકબર’ કહેવાતા એમજે અકબર હાલ મહિલા પત્રકારોના યૌન ઉત્પીડનમાં ફસાયેલા છે. #MeToo અભિયાન અંતર્ગત અડધા ડઝન મહિલા પત્રકારોએ તેમના પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. સાઉથ બ્લોકમાં છેલ્લા બે દાયકાની વચ્ચે વિદેશ મંત્રી અને રાજ્ય મંત્રી સ્તરના બે નેતાઓના રાજીનામા પણ થઈ ચૂક્યા છે. તો જાણી લો કે, અહીંથી કેવા વિવાદિત નામ નીકળ્યાં છે.
નટવર સિંહ
યુપીએ-1ની સરકરના સમયની વાત છે, જ્યારે મનમોહન સિંહની કેબિનેટમાં નટવર સિંહ વિદેશ મંત્રી હતા. ઈરાકમાં તેલના બદલે અનાજ કાર્યક્રમમાં તેમનું કૌભાંડ સામે આવ્યું હતું. કૌભાંડમાં લાભ અપાવવાના મામલે નટવર અને તેમના દીકરા પર આરોપ લાગ્યા હતા. હકીકતમાં સદ્દામ હુસૈનના કાર્યકાળમાં ઈરાકમાં તેલના બદલે અનાજ કાર્યક્રમમાં પોલ વોલ્કરે પોતાની તપાસ રિપોર્ટમાં કોંગ્રેસ નેતા નટવર સિંહ અને તેમનો દીકરો જગત સિંહ પર ફાયદા ઉઠાવવાની વાત કહી હતી. આ મુદ્દા પર ન્યાયમૂર્તિ આરએસ પાઠકીન અધ્યક્ષતાવાળી સમિતિએ તપાસમાં નટવર અને તેમના દીકરાની ભૂમિકા સાબિત થઈ હતી. જેના બાદ ડિસેમ્બર 2005માં વિદેશ મંત્રીનું પદ તેમને છોડવું પડ્યું હતું.
શશી થરુર
શશીર થરુર સોનિયા ગાંધીના અત્યંત અંગત માનવામાં આવતા હતા. 2009માં તિરુવનંતપુરમથી કોંગ્રેસની ટિકીટ પર 53 વર્ષની ઉંમરમાં લોકસભા ઈલેક્શન જીતવામાં તેઓ સફળ રહ્યા હતા. પહેલીવાર મંત્રી બન્યા હતા. 28 મે, 2009ના રોજ મનમોહન સરકારમાં તેમણે વિદેશ રાજ્યમંત્રીના શપથ લીધા હતા. સાઉથ બ્લોક શરીર થરુર માટે ક્યારેય લકી સાબિત ન થયું. તે સમયે આઈપીએલ ચર્ચામાં હતા, ચારેતરફ તેની ધૂમ હતી, દેશના મોટા વેપારીઓ ટીમ ખરીદવામાં લાગી પડ્યા હતા. આ વચ્ચે આઈપીએલના કમિશનર લલિત મોદીએ આરોપ લગાવ્યો હતો કે, શશી થરુરે કોચ્ચીની ટીમ માટે તેમના પર દબાણ નાખ્યું હતું. આ ટીમ સાથે શશી થરુરની પત્ની સુનંદા પુષ્કર જોડાયેલી હતી. આઈપીએલ ફ્રેન્ચાઈઝી વિવાદને પગલે 19 એપ્રિલ 2010ના રોજ તેમણે વિદેશ રાજ્યમંત્રીના પદ પરથી રાજીનામુ આપવું પડ્યું હતું. જોકે, બે વર્ષ બાદ જ તેમણે માનવ સંશાધન વિકાસ મંત્રાલયમાં રાજ્યમંત્રીના રુપમાં વાપસી કરી હતી. આ પહેલા સપ્ટેમ્બર, 2009માં થરુર સરકારી ઘરમાં રહેવાને બદલે ફાઈવ સ્ટાર હોટલમાં રહેવાને લઈને વિવાદમાં ફસાયા હતા. તેમણે કહ્યું હતું કે, રોજના 40 હજાર રૂપિયાનું ભાડુ તેઓ પોતાના ખિસ્સામાંથી ચૂકવે છે. વિવાદ બાદ તેમને હોટલ છોડવી પડી હતી. શશી થરુરને મનમોહન અને સોનિયા બંનેના અંગત માનવામાં આવે છે.
સલમાન ખુર્શીદ
કોંગ્રેસના કદાવર નેતા સલમાન ખુર્શીદ યુપીએ-2માં જ્યારે કાયદા મંત્રી હતા, તે સમયે ઓપરેશન ધૃતરાષ્ટ્રમાં ફસાયા હતા. મીડિયા સ્ટીંગમાં તેમની પત્નીની તરફથી ચલાવવામાં આવેલ એનજીઓ દિવ્યાંગ મશીન સ્કેમમાં ફસાયા હતા. વિવાદો બાદ 28 ઓક્ટોબર, 2012માં તેમને કાયદા તેમજ ન્યાયની જગ્યાએ વિદેશ મંત્રી બનાવાયા હતા. આ પહેલ મનમોહન સરકારમાં 29 મે, 2009ના રોજ તે કોર્પોરેટ અફેર મિનિસ્ટર રહ્યા હતા. તો 12 જુલાઈ 2011ના રોજ કેબિનેટમાં ફેરબદલ હોવા પર કાયદા તેમજ ન્યાયમંત્રી બન્યા હતા. વર્ષ 2009માં સલમાન ઈસ્લામિક કલ્ચરલ સેન્ટરના ઈલેક્શન સમયે પણ વિવાદોમાં ફસાયા હતા.
સુષ્મા સ્વરાજ
જૂન, 2015માં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ભાગેડુ લલિત મોદીની મદદ મામલે ફસાયા હતા. આ ચર્ચિત વાતને તે સમયે લલિતગેટ નામ અપાયું હતું. આઈપીએલમાં કૌભાંડ બાદ લલિત મોદી લંડન ફરાર થઈ ગયા હતા. જેના બાદ મીડિયા રિપોર્ટસમાં કહેવાયું હતું કે, સુષ્મા સ્વરાજે નિયમોથી વિપરીત જઈને બ્રિટિશ મુસાપરી દસ્તાવેજ આપવા માટે બ્રિટનના ઓફિસરો પર દબાણ નાખ્યું હતં. જેના પર બાદમાં સુષ્માએ સફાઈ આપી હતી. તેમણે માનવીય આધાર પર આ નિર્ણય લીધો હતો.