નવી દિલ્હી છ ધનતેરસનો તહેવાર આજે 5 નવેમ્બરના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી એટલે કે 13મા દિવસે ધનતેરસનો પર્વ ઉજવવામાં આવ્યો છે. આ મા લક્ષ્મી, ભગવાન ગણેશ, કુબેર દેવતા અને ધન્વન્તરી ભગવાનની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ દિવસે ભગવાન ધન્વન્તરિનો જન્મ થયો હતો. તેથી તેને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. ધનતેરસ સંબંધી અનેક કથાઓ પ્રચલિત છે. તેમાં એક વાર્તા એમ પણ છે કે ભગવાન વિષ્ણુએ મા લક્ષ્મીને શ્રાપ આપ્યો હતો અને આ કારણે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ લક્ષ્મી શ્રાપ કેમ આપ્યો તે પાછળ એક રસપ્રદ વાર્તા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક વાર ભગવાન વિષ્ણુના મનમાં વિચાર આવ્યો કે, તેમણે મૃત્યુ લોકમાં એકવાર ભ્રમણ કરવું જોઈએ. આ વિચાર આવતા જ તેમણે મા લક્ષ્મી કહ્યું. મા લક્ષ્મીએ કહ્યું કે, મારે પણ તમારી સાથે આવવું છે. આ વિશે ભગવાન વિષ્ણુએ કહ્યું કે, તેમાં મને કોઈ વાંધો નથી. પરંતુ તમારે મારા કહ્યા અનુસાર ચાલવુ પડશે. મા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુની વાત માની. 


ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી બંને મૃત્યુ લોક એટલે કે ધરતી પર પહોંચી ગયા. થોડે દૂર ગયા બાદ ભગવાન વિષ્ણુએ મા લક્ષ્મીને કહ્યું કે, તમે અહીં મારી રાહ જુઓ. જ્યાં સુધી હું પાછો ફરીને ન આવું, ત્યાં સુધી તમારે અહીંથી ક્યાંય ન જવું. મા લક્ષ્મીએ ત્યારે હા તો પાડી, પણ થોડો સમય રોકાયા બાદ તે પણ ભગવાન વિષ્ણુની પાછળ ચાલી નીકળ્યા. 


ભગવાન વિષ્ણુની દિશાની તરફ તેઓ નીકળ્યા. ત્યારે રસ્તામાં તેમને પીળા રંગના સરસવના ખેતરો લહેરાતા દેખાયા. આ જોઈ મા લક્ષ્મી અતિપ્રસન્ન થઈ ગઈ અને તેમણે સરસવના ફૂલથી પોતાનો શણગાર કર્યો. તેના બાદ તેઓ શેરડીના ખેતરમાં ગયા, અને ત્યાં શેરડી તોડીને ખાવા લાગ્યા. બસ, ત્યારે જ વિષ્ણુ આવી ગયા. 



તેમણે મા લક્ષ્મીને કહ્યું કે, તમે મારી આજ્ઞાનું પાલન નથી કર્યું અને ખેડૂતના ખેતરમાંથી ચોરી કરી છે. તેથી હું તમને શ્રાપ આપું છું કે, તે તમારે આ ખેડૂતના ઘરે 12 વર્ષ રોકાઈને તેની સેવા કરવી પડશે. આવુ કહીને તેઓ ક્ષીરસાગર જતા રહ્યાં. 12 વર્ષ સુધી મા લક્ષ્મીએ ખેડૂતના ઘરમાં રોકાઈને તેની સેવા કરી. જેથી ખેડૂતનું ગર ધનધાન્યથી ભરાઈ ગયું. 13મા વર્ષે જ્યારે ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને લેવા આવ્યા, તો ખેડૂતો લક્ષ્મીજીને વિદાય કરવાની ના પાડી દીધી. 


આ પર ભગવાન વિષ્ણુએ તેને સમજાવ્યું કે, મા લક્ષ્મી ક્યારેય પણ એક જગ્યાએ રોકાતા નથી. તે ચંચળતા છે. તેમ છતાં ખેડૂત માનવા માટે તૈયાર ન હતો. ત્યારે મા લક્ષ્મીને એક યુક્તિ સૂઝી. તેમણે કહ્યું કે, આવતીકાલે તેરસના દિવસે તુ તારા ઘરની સારી રીતે સાફસફાઈ કર, તેના બાદ સાંજે ઘીનો દીવો પ્રગટાવીને મારી પૂજા કરજે. તાંબાના એક કળશમાં સિક્કા ભરીને મારા માટે રાખજે. તે જ કળશમાં હુ નિવાસ કરીશ. આવું કરવાથી હું એક વર્ષ સુધી તારા ઘરે નિવાસ કરીશ. 


મા લક્ષ્મીએ જેમ સૂચવ્યું હતું, ખેડૂતે બસ એવું જ કર્યું. ખેડૂતના ઘરમાં ધન-ધાન્ય ફરીથી વસ્યું. તે દર વર્ષે તેરસે આવી રીતે પૂજા કરવા લાગ્યો, અને તેના ઘરમાં લક્ષ્મીનો વાસ થયો. તેના બાદ દર વર્ષે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની તેરસે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે.