ગણેશ ચતુર્થી બાદ દસ દિવસ સુધી સતત ગણેશોત્સવની ધૂમ જોવા મળે છે. આજે અનંત ચૌદશના દિવસે ગણપતિ  બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરાય છે. ગણેશ મૂર્તિ વિસર્જનનું ધાર્મિક મહત્વ તમે જાણો છો? તેનો રાષ્ટ્રવાદી હેતુ તમને ખબર છે ખરા? આવો આપણે જાણીએ કે 10 દિવસ સુધી ખુબ માનપાન અને સત્કાર કર્યા બાદ બાપ્પાની મૂર્તિનું વિસર્જન આખરે કેમ કરાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગણેશોત્સવની પાછળ બાળ ગંગાધર તિલક
આજથી લગભગ 100 વર્ષ પહેલા લોકમાન્ય બાળ ગંગાધર તિલકે જ ગણેશોત્વસનો પાયો મૂક્યો હતો. આ તહેવારની ઉજવણી પાછળનો હેતુ અંગ્રેજો વિરુદ્ધ ભારતીયોને એકજૂથ કરવાનો હતો. આજે જે ગણેશોત્સવને લોકો ખુબ ધામધૂમથી ઉજવે છે તે પર્વની શરૂઆત કરવામાં લોકમાન્ય બાળ ગંગાધર તિલકે ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. 


1890ના દાયકામાં સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન તિલક મોટાભાગે ચૌપાટી પર સમુદ્ર કિનારે બેસતા અને વિચારમાં ડૂબેલા રહેતા કે આખરે લોકોને ભેગા કેવી રીતે કરવા. અંગ્રેજો વિરુદ્ધ એકતા માટે તેમણે ધાર્મિક માર્ગ પસંદ કર્યો. તિલકે વિચાર્યું કે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે અને સાર્વજનિક સ્થળો પર તેની ઉજવણી થાય. જેથી કરીને દરેક જાતિના લોકો તેમા ભાગ લઈ શકે. 


વિસર્જન શાં માટે કરાય છે? પૌરાણિક કથા
ધાર્મિક ગ્રંથો મુજબ શ્રી વેદ વ્યાસે ગણેશ ચતુર્થીથી મહાભારત કથા શ્રી ગણેશને સતત 10 દિવસ સુધી સંભળાવી જેને બાપ્પાએ અક્ષરશ: લખી હતી. 10 દિવસ બાદ જ્યારે વેદ વ્યાસજીએ આંખો ખોલી તો જોયું કે 10 દિવસની અથાગ મહેનત બાદ ગણેશજીનું તાપમાન ખુબ વધી ગયુ છે. તેમણે તરત ગણેશજીને નજીકના સરોવરમાં જઈને ઠંડા પાણીથી સ્નાન કરાવ્યું. આથી ગણેશ સ્થાપના કરીને ચતુર્દશીના દિવસે તેમને ઠંડા કરવામાં આવે છે. 


આ કથામાં એવું પણ વર્ણન કરવામાં આવ્યું છે કે શ્રી ગણપતિજીના શરીરનું તાપમાન ન વધે એટલે વેદ વ્યાસજીએ તેમના શરીર પર સુગંધિત સૌંધી માટીનો લેપ કર્યો હતો. આ લેપ સુકાતા ગણેશજીનું શરીર અકડાઈ ગયું હતું. માટી ઝરવા લાગી ત્યારે તેમણે તેમને શીતલ સરોવરમાં જઈને પાણીમાં ઉતાર્યાં. આ બધા વચ્ચે વેદવ્યાસજીએ 10 દિવસ સુધી શ્રી ગણેશને મનપસંદ ભોજન સમર્પિત કર્યા હતાં અને ત્યારથી પ્રતિકાત્મક રીતે શ્રી ગણેશની પ્રતિમાનું સ્થાપન અને વિસર્જન કરવામાં આવે છે અને 10 દિવસ સુધી તેમને સ્વાદિષ્ટ આહાર પ્રસાદમાં ચઢાવવાની પણ પ્રથા છે. 


બીજી માન્યતા
બીજી માન્યતા એવી પણ છે કે ગણપતિ ઉત્સવ દરમિયાન લોકો પોતાની જે ઈચ્છા પૂરી કરાવવા માંગતા હોય તે ભગવાન ગણપતિના કાનમાં કહી દે છે. ગણેશ સ્થાપના  બાદ 10 દિવસો સુધી ભગવાન ગણપતિ લોકોની ઈચ્છાઓ સાંભળી સાંભળીને એટલા ગરમ થઈ જાય છે કે ચતુર્દશીના દિવસે તેમને વહેતા પાણીમાં વિસર્જિત કરીને ઠંડા કરાય છે. 


ગણપતિ બાપ્પા સાથે મોરિયા નામ જોડાયાની પાછળ ગણપતિજીના મયુરેશ્વર સ્વરૂપને મનાય છે. ગણેશ પુરાણ મુજબ સિંધુ નામના દાનવના અત્યાચારથી બચવા માટે દેવગણોએ ગણપતિજીનું આહ્વાન કર્યું. સિંધુનો સંહાર કરવા માટે ગણેશજીએ મયુરને વાહન તરીકે પસંદ કર્યાં અને છ ભૂજાઓનો અવતાર ધારણ કર્યો. આ અવતારની પૂજા ભક્ત ગણપતિ બાપ્પા મોરિયાના જય જયકાર સાથે કરે છે.