નવી દિલ્હી : ICICI બેંકે બુધવારે કહ્યું કે, સ્વતંત્ર તપાસમાં સામે આવ્યું કે, બેંકના પૂર્વ સીઇઓ ચંદા કોચરે બેંકની આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. તપાસ રિપોર્ટનાં આધારે બેંકે કોચરની વિરુદ્ધ કાર્યવાહી કરતા તેના રાજીનામાંને હકાલપટ્ટી માનવામાં આવે છે. જસ્ટિસ (રિટાયર્ડ) બી.એન શ્રીકૃષ્ણએ બુધવારે પોતાનાં તપાસ રિપોર્ટ રજુ કર્યો. જેમાં કોચરને બેંકની આચાર સંહિતા ઉલ્લંઘનના દોષીત સાબિત થાય છે. 

તપાસ રિપોર્ટનાં આધારે આઇસીઆઇસીઆઇ બેંકનાં બોર્ડે નિર્ણય લીધો છે કે બેંકના આંતરિક નીતિની દ્રષ્ટીએ કોચરનાં રાજીનામાને તેમના ખોટા કૃત્ય માટે હકાલપટ્ટી તરીકે લેવામાં આવશે. આ ઉપરાંત તેમનાં બોનસ સહિત તેમને કરવામાં આવતી ચુકવણી પણ અટકાવી દેવામાં આવશે. આ ઉપરાંત તેમના પર કાયદેસર કાર્યવાહી ઉપરાંત ખાતાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.