Janmashtmi Special: કૃષ્ણને કોણે અને કેમ આપ્યું હતું સુદર્શન ચક્ર? જાણવા જેવી છે આ રોચક કથા
ભગવાન શ્રી કૃષ્ણ પાસે સુદર્શન ચક્ર હતું એ તો સૌ જાણે છે. પરંતુ શું તમે એ જાણો છો કે, જગતના નાથ પાસે આ ચક્ર ક્યાંથી આવ્યું હતું? વાંચો તેની પાછળની રસપ્રદ કથા.
નવી દિલ્લીઃ શ્રી કૃષ્ણ એટલે જગતનો નાથ. અને જગતના નાથનું હથિયાર એટલે સુદર્શન ચક્ર. એ વાત તો સર્વ વિદિત છે કે, સુદર્શન ચક્ર જગતનું સૌથી વિનાશક હથિયાર છે. ધાર્મિક ગ્રંથોમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. સુદર્શન ચક્ર સાથે જોડાયેલી અનેક કહાનીઓનો પણ પુરાણોમાં ઉલ્લેખ છે. પરંતુ આ ચક્ર કૃષ્ણ પાસે કેવી રીતે આવ્યું તેની ખાસ કહાની છે. આવો જાણીએ.
ભગવાન શ્રી કૃષ્ણને વિષ્ણુનો આઠમો અવતા માનવામાં આવે છે. અને આ અવતારને વિષ્ણુ ભગવાન પાસેથી જ સુદર્શન ચક્ર મળ્યું હતું. કહેવામાં આવે છે કે, સુદર્શન ચક્રનું નિર્માણ ભગવાન વિષ્ણુએ નહીં પરંતુ ભગવાન શિવે કર્યું હતું. જે બાદ આ ચક્ર શિવે ભગવાન વિષ્ણુને સોંપી દીધું હતું. ભગવાન શ્રી કૃષ્ણ ક્રોધિત થતા ત્યારે દુર્જનોનો સંહાર કરવા માટે સુદર્શન ચક્રનો ઉપયોગ કરતા હતા. અને તે કોઈ પણ વસ્તુને શોધવા માટે સક્ષમ હતું.
જ્યારે દૈત્યોનો અત્યાચાર વધી ગયો ત્યારે તમામ દેવી-દેવતાઓ પરેશાન હતા. તમામ મળીને ભગવાન વિષ્ણુ પાસે ગયા. જે બાદ ભગવાન વિષ્ણુ કૈલાશ પર્વત પર ભગવાન શિવની આરાધના કરવા લાગ્યા. વિષ્ણુ ભગવાને તેમના હજાર નામની સ્તુતિ કરતા અને એક કમળનું ફૂલ ચડાવતા. ભગવાન શિવે વિષ્ણુ ભગવાનની પરીક્ષા માટે એક કમળ છુપાવી દીધું. જ્યારે તેમને ન મળ્યું તો તેમણે પોતાની આંખ કાંઢીને ભગવાન શિવને અર્પણ કરી દીધી. તેમની ભક્તિ જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે વિષ્ણુએ દૈત્યને સમાપ્ત કરવા વાળું અજેય શસ્ત્ર માંગ્યું. જે સુદર્શન ચક્ર તરીકે ઓળખાય છે.