બેંગલુરૂઃ પીએમ નરેન્દ્ર મોદીની ફિટનેસ ચેલેન્જ પર કર્ણાટકના મુખ્યપ્રધાન કુમારસ્વામીએ પણ જવાબ આપ્યો છે. કુમારસ્વામીએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતા વ્યક્ત કરવા માટે પીએમ મોદીનો આભાર માનતા કટાક્ષ કર્યો છે કે, તેમને રાજ્યના ફિટનેસની વધુ ચિંતા છે. કુમારસ્વામીએ રાજ્યની ફિટનેસ સુધારવા માટે પીએમ મોદી પાસે સમર્થન માંગ્યું છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે, બુધવારે પીએમ મોદીએ પોતાના ટ્વીટર હેન્ડલથી કસરતનો એક વીડિયો પોસ્ટ કર્યો. તેમાં પીએમ યોગ સિવાય અલગ-અલગ એક્સરસાઇઝ કરતા દેખાયા હતા. ત્યારબાદ બીજા ટ્વીટમાં મોદીએ કર્ણાટકના સીએમ કુમારસ્વામી, ટેબલ ટેનિસ ખેલાડી મોનિકા બત્રા અને 40થી વધુ ઉંમરના આઈપીએસ ઓફિસરોને ફિટનેસ ચેલેન્જ આપી. 



તેની પ્રતિક્રિયામાં કુમારસ્વામીએ પણ કર્ણાટકના સીએમના ટ્વીટર હેન્ડલ પરથી જવાબ આપ્યો. કુમારસ્વામીએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતા લખ્યું, મારા સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતા વ્યક્ત કરવા માટે તમારો આભાર માનું છું. કર્ણાટકના સીએમે લખ્યું, હું માનું છું કે ફિઝિકલ ફિટનેસ બધા માટે મહત્વપૂર્ણ છે અને તેનું સમર્થન કરૂ છું. યોગ-ટ્રેડમિલ મારા રોજના વર્કઆઉટનો ભાગ છે. તેમ છતાં હું મારા રાજ્યની ફિટનેસ પ્રત્યે વધુ ચિંતિત છું અને તે માટે તમારૂ સમર્થન ઈચ્છું છું. 



ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડે ટ્વીટર પર ફિટનેસ ચેલેન્જની શરૂઆત કરી હતી. ત્યારબાદ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પીએમ મોદીને ફિટનેસ ચેલેન્જ આપી હતી. તે સમયે પીએમે કહ્યું હતું કે, તેઓ જલદી એક વીડિયો પોસ્ટ કરશે. બુધવારે પીએમે વીડિયો પોસ્ટ કરતા કુમારસ્વામીને ચેલેન્જ આપી. ત્યારબાદ કર્ણાટકના સીએમનો આ જવાબ સામે આવ્યો હતો.