પટનાઃ આરએલએસપીના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ શુક્રવારે પટનામાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, અમને લોકસભા ચૂંટણીમાં ત્રણથી વધુ સીટ મળવી જોઈએ. અમે હાલ નક્કી કર્યું નથી કે કેટલી સીટ પર માનીશું પરંતુ ત્રણથી વધુ સીટ તો જોઈશે જ. ગત ચૂંટણી કરતાં હવે અમે વધુ મજબૂત બન્યા છીએ અને એટલે અમારી પાર્ટીને વધુ સીટ આપવી જોઈે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉપેન્દ્ર કુશવાહાએ જણાવ્યું કે, અમારું ગઠબંધન ભાજપ અને લોજપા સાથે છે અને હંમેસાં રહેશે. જેડીયુ સાથે અમારે ક્યારેય ગઠબંધન થયું નથી. જેડીયુ પ્રમુખ નીતિશ કુમારે મારા માટે જે શબ્દોનો પ્રયોગ કર્યો છે તેનાથી મને દુઃખ પહોંચ્યું છે. આથી તેઓ પોતાના શબ્દો પાછા ખેંચે એવી અમે માગ કરી છે. 


સીટોની વહેંચણી અંગેના સવાલના જવાબમાં કુશવાહાએ જણાવ્યું કે, અમે સીટ અંગે ખુલીને વાત કરી ચૂક્યા છીએ. ફરી એક વખત કહું છું કે, 2014ની લોકસભા ચૂંટણીમાં અમારી જે તાકાત હતી તેના કરતાં હવે અમે વધુ મજબૂત બન્યા છીએ. આથી તેનું આકલન કરીને અમને સીટ મળવી જોઈએ.


નીતીશ કુમારના મંત્રીમંડળ વિસ્તાર અંગે તેમણે જણાવ્યું કે, બિહારમાં મંત્રીમંડળ વિસ્તારમાં અમે ક્યારેય ભાગ માગ્યો નથી. હું જાણવા માગું છું કે જ્યારે અમને લાભ મળવાનો હતો એ સમયે તેમણે શા માટે અમારી સાથે ભાગીદારી ન કરી. ફાયદો થતો હતો ત્યારે કહ્યું નહીં તો હવે સીટો છોડવા માટે શા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. 


અમીત શાહે વચન આપ્યું હતું કે, સીટોની વહેંચણી અંગે બે-ત્રણ દિવસમાં ચર્ચા કરીને જાહેરાત કરી દઈશું, પરંતુ હજુ સુધી તેમણે આ અંગે કોઈ જાહેરાત કરી નથી.