નવી દિલ્હી: ઘાસચારા કૌભાંડના ડોરંડા કેસમાં પણ લાલુ પ્રસાદ યાદવ દોષિત ઠર્યા છે. આ મામલો ડોરંડા કોષાગારમાંથી 139 કરોડ રૂપિયાના ગેરકાયદેસર ઉપાડ સંલગ્ન છે. ચારા કૌભાંડના સૌથી મોટા કેસ આરસી-47 એ/96 માં આજે રાંચી સ્થિત સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે લાલુ પ્રસાદ યાદવને દોષિત ઠેરવ્યા. કોર્ટે લાલુ પ્રસાદ યાદવ સહિત તમામ 99 આરોપીઓને કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતું. હજુ સજાની જાહેરાત થવાની બાકી છે. જો ત્રણ વર્ષથી ઓછી સજા થશે તો અહીંથી લાલુને જામીન મળી જશે. લાલુ સહિત 75 આરોપીઓને દોષિત જાહેર કરાયા છે. જ્યારે 24 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે. 21 તારીખે લાલુ પ્રસાદ યાદવને સજા સંભળાવવામાં આવશે. આ મામલે 38 દોષિતોને 3 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. બાકીના 37 લોકોની સજા પર 21મીએ નિર્ણય આવશે. લાલુ પ્રસાદે તે દિવસે કોર્ટમાં હાજર રહેવું પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે ડોરંડા મામલે પુરાવાના આધારે રાજેન્દ્ર પાંડે, સાકેત લાલ, દીનાનાથ સહાય, રામ સેવક સાહૂ, એનુલ હક, સનાઉલ હક, અનિલકુમારને છોડી મૂક્યા છે. છોડી મૂકવામાં આવેલા આરોપીઓને કોર્ટમાંથી બહાર જવાનો આદેશ અપાયો. આ ઉપરાંત ત્રણ નેતાઓ પીએમ શર્મા, જિતેન્દ્રકુમાર શ્રીવાસ્તવ, અને સુરેન્દ્રકુમાર સિંહને 3 વર્ષની સજા થઈ. 


139 કરોડના કૌભાંડમાં લાલુ દોષિત જાહેર
ઘાસચારા કૌભાંડનો આ કેસ ડોરંડા કોષાગારનો છે. જેમાં 139 કરોડ રૂપિયાના ગેરકાયદેસર ઉપાડની વાત સામે આવી હતી. ઘાસચારા કૌભાંડના સૌથી મોટા આરસી-47 એ/96 નો આ કેસ 1990થી 1995 વચ્ચેનો છે. જેના પર સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી ચાલુ હતી. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ આ કેસમાં મુખ્ય આરોપી છે. પૂર્વમાં ચારા કૌભાંડના અલગ અલગ કેસમાં હાલ લાલુને હાઈકોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે. 


ડોરંડા કોષાગાર કેસમાં 99 આરોપીઓ
ડોરંડા કોષાગાર સંલગ્ન કૌભાંડમાં શરૂઆતમાં 170 આરોપીઓ હતા. જેમાંથી 55 આરોપીઓના મોત થઈ ચૂક્યા છે. દીપેશ ચાંડક અને આર કે દાસ સહિત સાત આરોપીઓને સીબીઆઈએ સાક્ષી બનાવ્યા. જ્યારે સુશીલા ઝા અને પી કે જયસ્વાલે કોર્ટના ચુકાદા પહેલા જ પોતાને દોષિત માની લીધા હતા. જ્યારે કેસમાં 6 આરોપીઓ ફરાર છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube