નવી દિલ્હી : આરજેડી સુપ્રીમો લાલુ યાદવને રાંચી રિમ્સ હોસ્પિટલમાં સોમવારે શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. લાલુ યાદવને રિમ્સ શિફ્ટ કરવા માટે એમ્સ તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવ્યા બાદ હવે તેને રાંચી લઇ જવામાં આવી રહ્યા છે. તેને રિમ્સ હોસ્પિટલ મોકલવા માટે તમામ પ્રક્રિયા પુર્ણ કરી દેવામાં આવી છે. જો કે લાલુ યાદવે એમ્સ હોસ્પિટલ તંત્રને પત્ર લખીને તેને શિફ્ટ નહી કરવા માટે ભલામણ કરી હતી. જો કે હાલ તેમને રિમ્સ ખાતે શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એમ્સ હોસ્પિટલમાંથી ભારે હૈયે નિકળતા સમયે લાલુએ નિવેદન આપ્યું કે જો તેમને કંઇ પણ થશે તો તેનાં માટે જવાબદાર એમ્સ રહેશે. લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, તેને રાજનીતિક દબાણ અને રાજનીતિક ષડયંત્ર હેઠળ રિમ્સ ખાતે ટ્રાન્સફર કરાઇ રહ્યા છે. કાવત્રા માટે મારા સ્વાસ્થય મુદ્દે પણ બેદરકારી દાખવવામાં આવી રહી છે. જો તેવું નથી તો અચાનક તેને એમ્સમાંથી રિમ્સમાં શિફ્ટ શા માટે કરવામાં આવી રહ્યા છે. કાવત્રા હેઠળ મારૂ સ્વાસ્થય બગડે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

લાલુ યાદવને એમ્સથી રેલ્વે સ્ટેશન લઇ જવાયા હતા જ્યાંથી રાજધાની એક્સપ્રેસ દ્વારા તેમને રાંચી મોકલી દેવામાં આવ્યા હતા. રાજધાની એક્સપ્રેસનાં ફર્સ્ટ ક્લાસ કોચમાં રિઝર્વેશન કરવામાં આવ્યું છે. રાંચી પહોંચ્યા બાદ તેમને સીધા રિમ્સ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવશે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સીબીઆઇની માંગ બાદ જ એમ્સ તંત્રએ તેમને રિમ્સ ખાતે શિફ્ટ કરવાની મંજૂરી આપી દીધી છે. 

બીજી તરફ લાલુ પ્રસાદ યાદવે એમ્સને પત્ર લખીને ભલામણ કરી હતી કે તેમને રિમ્સ ખાતે શિફ્ટ ન કરવામાં આવે. તેમણે જણાવ્યું કે, એજન્સીઓનો ઉપયોગ કરીને રાજનીતિક ષડયંત્ર હેઠળ મને રિમ્સ ખાતે ખસેડવાનું કાવત્રુ રચવામાં આવ્યું છે. લાલુએ પોતાની બિમારીઓ ગણાવતા એમ્સનાં ડોક્ટર્સને જણાવ્યું હતું કે, ડોક્ટર્સ પોતાનો ધર્મ નિભાવે અને કોઇ એજન્સીઓ કે રાજનીતિક દબાણમાં આવીને નિર્ણય ન લે.