નવી દિલ્હીઃ તમારો ઈરાદો છોકરી સાથે સેક્યુઅલસ રિલેશનનો ના હોય અને તેનો હાથ પકડી એને પ્રપોઝ કરવી એ જાતિય સતામણી નથી. બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં સગીર કન્યાનો હાથ પકડી પોતાની પસંદ વ્યક્ત કરવાના કેસમાં રિક્ષા ડ્રાઇવરને આગોતરા જામીન આપ્યા છે. સિંગલ જજ ભારતી ડાંગરેએ જણાવ્યું હતું કે, આરોપી ધનરાજ કન્યા સાથે સેક્સ્યુઅલ ઇરાદો ધરાવતો ન હતો. તેણે કન્યા સાથે છેડછાડ કે જાતીય સતામણીનો પણ પ્રયાસ કર્યો ન હતો. એ ફક્ત છોકરી સામે પોતાના પ્રેમને વ્યક્ત કરી રહ્યો હતો. એનો ઈરાદો આ મામલે ખરાબ નહોતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઇકોર્ટે ૧૦ ફેબ્રુઆરીના આદેશમાં જણાવ્યું હતું કે, પહેલી નજરે જાતીય સતામણીનો કોઈ કેસ બનતો નથી.. બેન્ચે જણાવ્યું હતું કે, “જે આરોપો મુકાયા છે તેની ચકાસણી કરતા પહેલી નજરે જાતીય સતામણીનો કોઈ કેસ જણાતી નથી. એક ક્ષણ માટે માની લઈએ કે રિક્ષાચાલકે સગીરા સામે પ્રેમ વ્યક્ત કર્યો હતો પણ સગીરના નિવેદન પરથી એ સ્પષ્ટ થાય છે કે તેનો કોઈ જાતિય ઈરાદો નહોતો. પહેલી નજરે વ્યક્તિની ધરપકડ સામે સુરક્ષા આપવી અતિ જરૂરી છે. કારણ કે અત્યારે આ કેસમાં રિક્ષા ચાલકની કસ્ટડીનો કોઈ હેતું જણાતો નથી.  પીડિત કન્યાના પિતાએ 1 નવેમ્બર 2022ના રોજ ફરિયાદ કર્યા બાદ આ કેસ પ્રકાશમાં આવ્યો હતો. 


પોલિસ ફરિયાદમાં પિતાએ આરોપ મુકાયો હતો કે, આરોપી ધનરાજ બાબુસિંધ રાઠોડે તેની ૧૭ વર્ષની કન્યાની જાતીય સતામણી કરી હતી. ઉપરાંત, હાથ પકડી તેની છેડછાડ કરી હતી. પિતાના જણાવ્યા અનુસાર આરોપી વ્યક્તિ કન્યાની નજીકમાં રહેતો હોવાથી તેને અને તેના પરિવારને જાણતો હતો. તે રિક્ષા ચલાવતો હતો અને સગીરા શાળા અને ટ્યુશન પર જવા માટે ઘણી વખત રિક્ષામાં બેસતી પણ હતી. જોકે, કન્યાએ રિક્ષામાં જવાનું બંધ કર્યું હતું. તેને ઘટનાના દિવસે ધનરાજે કન્યાને રોકીને રિક્ષામાં મુસાફરીની ફરજ પાડી હતી, પણ કન્યાએ ઇનકાર કર્યો હતો. ત્યાર પછી ધનરાજે કન્યાનો હાથ પકડી પ્રેમનો એકરાર કર્યો હતો અને રિક્ષામાં બેસવાનો આગ્રહ કર્યો હતો.


જોકે, કન્યા ત્યાંથી ભાગી છૂટી હતી અને પિતાને ઘટના જણાવી હતી. પિતાએ ધનરાજ સામે FIR કરી હતી. સમગ્ર કેસની વિગતો ધ્યાને લેતાં જસ્ટિશ ડાંગરેએ અરજદારની આગોતરા જામીન અરજી મંજૂર કરી હતી. આ સાથે આરોપીને ચેતવણી આપી હતી કે ભવિષ્યમાં આ પ્રકારની હરકતોથી દૂર રહેશે. આ મામલે ફરિયાદ આવી તો આગોતરા જામીન રદ કરી દેવામાં આવશે. આ કેસ એ એક તરફી પ્રેમપ્રકરણનો હોવાનું મનાય છે. જેમાં રીક્ષાચાલકે પ્રેમ વ્યક્ત કરવા માટે છોકરીને ઉભી રાખવા માટે હાથ પકડ્યો હતો પણ રીક્ષા ચાલકના ઇરાદા પહેલાંથી જાણી ગયેલી સગીરાએ તેને મચક ન આપી ભાગી છૂટી હતી.