24 કલાકમાં ખતમ કરી દઈશની ધમકી આપનારની ફાટી પડી, પપ્પુ યાદવે કહ્યું મને સુરક્ષા આપો...
લોરેન્સ બિશ્નોઈના ગુર્ગાએ પપ્પુ યાદવને ધમકાવ્યો કે તને પ્રેમથી સલાહ આપી હતી કે ભાઈ સાથે વાત કરી લે. ભાઈએ જેલનું જામર બંધ કરાવીને તને ફોન કર્યો અને તે ફોન ઉપાડ્યો નહીં. હવે તારી ફરી એ હરકતો શરૂ થઈ ગઈ છે. મામલો પતવા આવ્યો હતો પણ તારી અકડ જઈ રહી નથી.
લોરેન્સ બિશ્નોઈ ગેંગે બિહારના પૂર્ણિયાથી અપક્ષ સાંસદ પપ્પુ યાદવને મારી નાખવાની ધમકી આપી છે. આ ધમકીભર્યો કોલ કરનાર કોલરનો દાવો છે કે તે પપ્પુ યાદવના ઘણા લોકેશન્સની રેકી કરી રહ્યો છે અને તેને જાનથી મારી નાખશે.
આ ધમકીભર્યા ઓડિયોમાં સાંભળી શકાય છે કે પપ્પુ યાદવને અપશબ્દોનો ઉપયોગ કરીને ધમકી આપવામાં આવી રહી છે. પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવતો ગુર્ગો ધમકીભર્યા સ્વરમાં કહે છે, ધ્યાનથી સાંભળ, ભાઈએ (લોરેન્સ બિશ્નોઈ) જેલનું જામર સ્વીચ ઓફ કરી તને કોન્ફરન્સમાંથી ફોન કર્યો હતો, પણ તે ફોન ઉપાડ્યો નહી... હવે ઉલટી ગણતરી શરૂ કરી દે, એક તારું ઘર દુપલ્લીના હાઉસ પાર્કમાં છે, બીજું અનંતપુરની હાઉસિંગ સોસાયટીમાં છે, ત્રીજું ગુરદાસ મુથૈયાનું એપાર્ટમેન્ટ બિલ્ડિંગ છે, ચોથું પટનાનું ઘર છે જ્યાં તું નજરકેદ હતો. છઠ્ઠું ઘર જન અધિકાર લોક સેવાનું પાર્ટી કાર્યાલય છે. સાતમું ઘર રાઈટીંગ રોડ પર અરણ્ય ભવન પાસે અને નવમું ઘર આરા ગુપ્તા જનરલ સ્ટોર પાસે. બારતંડામાં પરમાનપુરનું ઘર અને પૂર્ણિયામાં વિધાનસભા ક્ષેત્રમાં તમારું ઘર, હવે ફર ક્યાં ક્યાં જઈશ?
બિશ્નોઈના ગુર્ગાએ પપ્પુ યાદવને ધમકાવ્યો અને કહ્યું કે હવે સાંભળ ભાઈનો મેસેજ સાંભળ... તને કાચો ચાવી જઈશ... તારી પાસે ત્રણ કલાકનો સમય છે, તારી પાછળ વાહનો ના આવે તો મને કહેજે...
લોરેન્સ બિશ્નોઈના ટપોરીએ કહ્યું કે ભૂલ તારી અને ઉપરથી તું એ દેખાડી રહ્યો છે કે તારી કોઈ ભૂલ નથી. તને ખબર છે કે એક મીનિટ જેલમાં જામર બંધ કરવાના એક લાખ રૂપિયા થાય છે. મજાક સમજે છે તું? અમે તને મોટો ભાઈ બનાવી દીધો અને મોટાભાઈએ કોઈ જવાબ ન આપ્યો. હવે શરમ આવે છે. અમે તારી પાસે કંઈ માગ્યું હતું, ઉપરથી તને છોડી દીધો, ભાઈને ફક્ત એટલું કહી દેતો કે ન્યૂઝવાળાએ સમાચાર ફેરવી દીધા, બને એટલો જલદી મામલો સુલટાવી દે...
ગુર્ગાએ કહ્યું કે તેણે એક વીડિયો જોયો છે... તે એકવાર કહ્યું હતું કે તારી જેટલી ઉંમર છે, હું તેના કરતાં વધુ વખત ચૂંટણી જીત્યો છું. મને તમારી આ લાઈન ગમી ગઈ હતી. જ્યારે તું એકલો અને ફ્રી હો ત્યારે ફોન પર વાત કરો...
તમને જણાવી દઈએ કે મુંબઈમાં NCP નેતા અને પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા બાદ પપ્પુ યાદવે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ખુલ્લી ચેલેન્જ આપી હતી. તેણે કહ્યું હતું કે જો કાયદો પરવાનગી આપશે તો તે 24 કલાકમાં લોરેન્સ બિશ્નોઈ જેવા ગુનેગારના સમગ્ર નેટવર્કને ખતમ કરી દેશે.
પપ્પુ યાદવે બાબા સિદ્દીકીની હત્યાને શરમજનક ગણાવી હતી. જો કે આ પછી પપ્પુ યાદવે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. આ દરમિયાન જ્યારે પત્રકારોએ તેમને લોરેન્સ બિશ્નોઈ વિશે પ્રશ્નો પૂછ્યા તો તેઓ ગુસ્સે થઈ ગયા. તેમણે પત્રકારોને કહ્યું કે મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે આ બધા નકામા પ્રશ્નો અહીં ન પૂછો. પ્રેસ કોન્ફરન્સમાં પપ્પુ યાદવનો આ વીડિયો પણ વાયરલ થયો હતો.
લોરેન્સ બિશ્નોઈ ગેંગે હત્યાની જવાબદારી લીધી
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરની રાત્રે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જીશાન સિદ્દીકીની ઓફિસ પાસે ત્રણ લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસે અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરી છે. તેમની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. બિશ્નોઈ ગેંગે સલમાન ખાન અને દાઉદ ગેંગના નજીકના લોકોને પણ ધમકી આપી હતી. તેમણે કહ્યું કે આવા લોકોએ પોતાનો હિસાબ રાખવો જોઈએ. બાબા સિદ્દીકીને રાજનીતિની સાથે-સાથે બોલિવૂડના લોકો સાથે પણ ગાઢ સંબંધ હતો. તેમની ઈફ્તાર પાર્ટીઓમાં મોટી-મોટી હસ્તીઓ જતી હતી. તેઓ તાજેતરમાં કોંગ્રેસ પાર્ટી છોડીને NCP (અજિત પવાર)માં જોડાયા હતા.