નવી દિલ્હી: ભીમા કોરેગાવ હિંસા મામલે 5 લોકોની ધરપકડ થયા બાદ એક આરોપી સુરેન્દ્ર ગાડલિંગ જે નાગપુરમાં ઈન્ડિયન એસોસિએશન ઓફ પીપલ્સ લોયર્સ (IAPL)માં વકીલ છે તેને ગુરુવારે સવારે પુણેની એક કોર્ટમાં રિમાન્ડ માટે રજુ કરવામાં આવ્યો. જ્યારે ચાર અન્ય આરોપીઓ (સુધીર ધાવલે, રોના વિલ્સન, સોમા સેન અને મહેશ રાઉત)ને ગુરુવારે બપોરે 3.00 વાગે શિવાજી નગર કોર્ટમાં રિમાન્ડ માટે રજુ કરવામાં આવ્યાં. કોર્ટે તમામ આરોપીઓને 14 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. આ આરોપીઓમાંથી એકના લેપટોપમાંથી એક એવો પત્ર (ઈમેઈલ) મળ્યો જેનાથી હડકંપ મચી ગયો. આ પત્રમાં રાજીવગાંધી હત્યાકાંડને ફરીથી દોહરાવવાની વાત કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટમાં રજુ કરાયો નક્સલીનો પત્ર
પુણેની કોર્ટમાં પેશી દરમિયાન પબ્લિક પ્રોસિક્યુટર ઉજ્જવલા પવારે એક ચોંકાવનારો ખુલાસો કર્યો. તેમણે કોર્ટને જણાવ્યું કે તપાસ એજન્સીઓએ ધરપકડ કરેલા એક આરોપીના લેપટોપમાંથી આ પત્ર મળી આવ્યો છે. આ પત્ર એક કોમરેડ દ્વારા બીજા કોમરેડને લખવામાં આવ્યો છે. સરકારી વકીલે આ પત્રનો એક ભાગ કોર્ટમાં વાંચીને સંભળાવ્યો. જેમાં રાજીવ ગાંધી જેવા હત્યાકાંડને અંજામ આપવાના કાવતરાનો ઉલ્લેખ છે. આ સાથે જ  કેટલાક હથિયારો ઉપલબ્ધ હોવાનો પણ લેટરમાં ઉલ્લેખ કરાયો છે. જો કે આ લેટરની અન્ય કોઈ જાણકારી હજુ સુધી સામે આવી નથી. પરંતુ સરકારી વકીલે આ લેટરની એક કોપીને કોન્ફિડેન્શિયલ ગણાવતા કોર્ટમાં સબમિટ કરી.



પત્રમાં રાજીવ ગાંધી જેવા હત્યાકાંડને અંજામ આપવાનો ઉલ્લેખ
સૂત્રોના જણાવ્યાં મુજબ પત્રમાં ક્યાંય પણ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ નથી લખવામાં આવ્યું પરંતુ તપાસ એજન્સીઓને શક છે કે માઓવાદીઓ રાજીવ ગાંધી જેવા હત્યાકાંડને અંજામ આપવાની ફિરાકમાં હતાં. તેનો અર્થ એ થયો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના કેટલાક મોટા નેતાઓ તેમના હિટલિસ્ટમાં હતાં. આ પત્રની કોપી ઝી મીડિયા પાસે પણ છે.


રોના વિલ્સનના લેપટોમાંથી મળ્યો નક્સલી પત્ર
પુણે પોલીસને બુધવારે મુંબઈના ગોવંડી વિસ્તારના સુધીર ઢવલે, નાગપુરના વકીલ સુરેન્દ્ર ગડલિંગ, મહેશ રાઉત, અને પ્રો.સોમા સેન ઉપરાંત દિલ્હીથી રોના વિલ્સનની ધરપકડ કરી હતી. કદમે કહ્યું કે રોના વિલ્સનના દિલ્હી સ્થિત તેના ફ્લેટમાંથી પેન ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક, અને કેટલાક આપત્તિજનક દસ્તાવેજો મળ્યા છે. વિલ્સનના કોમ્પ્યુટરમાં પોલીસને એક પત્ર મળ્યો છે જેને ફરાર નક્સલી નેતા મિલિન્દ તલતુંબડેએ લખ્યો છે. આ પત્ર જાન્યુઆરીમાં મોકલાયો હતો. પત્રમાં કોંગ્રેસના કેટલાક નેતાઓ અને ભારત રત્ન ડો.ભીમરાવ આંબેડકરના પૌત્ર ભારિપ બહુજન મહાસંઘના અધ્યક્ષ પ્રકાશ આંબેડકરના નામનો ઉલ્લેખ છે.



પોલીસે કહ્યું-તપાસ ચાલુ છે
આ પત્ર અંગે ગુરુવારે પુણેમાં થયેલી પોલીસની પ્રેસ કોન્ફરન્સમાં પુણેના જોઈન્ટ પોલીસ કમિશનર રવીન્દ્ર કદમે કહ્યું હતું કે બુધવારે અરેસ્ટ કરાયેલા તમામ લોકો સીપીઆઈ(એમ)ના સભ્ય છે. ભીમા-કોરેગાંવ હિંસા સાથે શું સંબંધ છે તે હજુ જાણવા મળ્યું નથી. આ તમામના નક્સલીઓ  સાથે સંબંધ છે. એક ગુપ્ત લેટર હાથ લાગ્યો છે જેની તપાસ ચાલી રહી છે. આ લેટર દિલ્હીથી અરેસ્ટ કરાયેલા રોના વિલ્સનના લેપટોપમાંથી મળ્યો છે. જે જાન્યુઆરીનો છે. લેટર મિલિન્દ તેલતુંબડેએ રોના વિલ્સનને લખ્યો છે. પત્રમાં પ્રકાશ આંબેડકર અને કોંગ્રેસના નેતાઓના નામ છે. પોલીસ હવે આ લેટરની તપાસ કરશે.


ભીમા કોરેગાંવ હિંસામાં નક્સલીઓના રૂપિયાનો ઉપયોગ
પુણેમાં ભીમા-કોરેગાંવ હિંસામાં નક્સલીઓના રૂપિયાનો ઉપયોગ થયો હતો. દરોડા દરમિયાન જપ્ત કરાયેલા દસ્તાવેજો તેનો પુરાવો છે. આ પુરાવાના આધારે પાંચ લોકોની ધરપકડ કરાઈ હતી. ગુરુવારે પુણેના જોઈન્ટ પોલીસ કમિશનર રવિન્દ્ર કદમે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે 1 જાન્યુઆરી 2018ના રોજ ભીમા કોરેગાંવમાં થયેલી જાતિય હિંસા એલગાર પરિષદના પ્રમુખ આયોજક સુધીર ઢવલે સહિત ધરપકડ કરાયેલા પાંચેય આરોપીઓના નક્સલીઓ સાથે સંબંધ છે. પરંતુ આ કાર્યક્રમમાં સામેલ થયેલા અન્ય 250 સંગઠનોના નક્સલીઓ સાથે કોઈ સંબંધ સામે આવ્યાં નથી.


શું છે મામલો?
ગત 31 ડિસેમ્બરના રોજ પુણેના શનિવાર વાડામાં બ્રિટિશ સેના અને પેશવા બાજીરાવ દ્વિતીય વચ્ચે થયેલા ઐતિહાસિક યુદ્ધની 200મી વર્ષગાઠ પર એલગાર પરિષદ આયોજિત કરાઈ હતી. આ દિવસે દલિત નેતા બ્રિટિશ સેનાની જીતનો જશ્ન મનાવે છે. તેમનું માનવું છે કે બ્રિટિશ સેનામાં મહાર ટુકડીએ આ જીત મેળવી હતી. આ પરિષદ બાદ થયેલી ઝડપમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ત્યારબાદ સમગ્ર મહારાષ્ટ્ર જાતિય હિંસાની ચપેટમાં આવી ગયું હતું.