નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી સીધી દિલ્હી પોલીસ કમિશનરને મોકલવામાં આવી છે. ધમકીભર્યા ઈમેલના પગલે સમગ્ર તંત્ર દોડતું થયું છે. દિલ્હી પોલીસ કમિશનરને ઈમેલ પર એક ધમકીભર્યો સંદેશ મોકલવામાં આવ્યો છે. એક લાઈનના આ મેલમાં 2019નો ઉલ્લેખ કરાયો છે. આ સાથે જ દિવસ અને મહિના અંગે પણ જણાવવામાં આવ્યું છે. પોલીસનું કહેવું છે કે આ મેલ અસમના કોઈ જિલ્લામાંથી મોકલવામાં આવ્યો છે. મેલ મળ્યા બાદ પોલીસ આ અંગે તપાસમાં લાગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવું પહેલીવાર નથી બન્યું કે પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી હોય. આ અગાઉ ભીમા-કોરેગાંવ હિંસાની તપાસ દરમિયાન પણ પીએમ મોદી વિરુદ્ધ જીવલેણ હુમલાના કાવતરાનો ખુલાસો થયો હતો. તપાસમાં લેફ્ટ જૂથો સાથે સંકળાયેલા લોકો વચ્ચેના કેટલાક પત્રો મળી આવ્યાં હતાં. જેમાં પીએમ મોદી વિરુદ્ધ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાધી જેવી વારદાતને અંજામ આપવાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. આ ખુલાસા બાદ કેટલાક કુખ્યાત લોકોની ધરપકડ પણ થઈ હતી. જેનો વ્યાપક સ્તર પર વિરોધ પણ કરવામાં આવ્યો. 


અત્રે જણાવવાનું કે પૂર્વ પીએમ રાજીવ ગાંધીની હત્યાનું પ્લાનિંગ લિબરેશન ટાઈગર્સ ઓફ તલિમ ઈલમ (LTTE)ના નેતા પ્રભારકરને કર્યું હતું. રાજીવ ગાંધીની હત્યા માટે તેણે પોતાના 4 લોકોને જવાબદારી સોંપી હતી અને 21 મે 1991ના રોજ તામિલનાડુના શ્રીપેરામ્બદુરમાં આત્મઘાતી હુમલામાં તેમની હત્યા થઈ હતી. 


આ ઉપરાંત જૂન 2018માં ગાઝિયાબાદમાં રહેતા એક વ્યક્તિએ ફેસબુક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગોળી મારવાની ધમકી આપી હતી. ત્યારબાદ તે યુવક વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાઈ હતી. પીએમ મોદી આતંકીઓના પણ નિશાને છે તેવી સૂચનાઓ આવતી રહે છે.