જ્યારે માથા ઉપર વિજળી થતી હોય ત્યારે આ કામ બિલકુલ ન કરો, આવી રીતે કરો તમારો બચાવ
આકાશમાંથી વિજળી પડવાથી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાનમાં 75થી વધારે લોકોના મૃત્યુ થયા છે. દર વર્ષે દેશના અનેક રાજ્યમાં હજારો લોકોના મૃત્યુ થઈ જાય છે.
જયેશ જોશી, અમદાવાદઃ 11 જુલાઈ 2021. રવિવારના આ દિવસે રાત્રે ધોધમાર વરસાદની સાથે ભારતના પાંચ રાજ્યોમાં ગડગડાટ સાથે આકાશમાંથી વીજળી ત્રાટકી. આ વીજળી એટલી ઝડપી ગતિએ ધરતી પર આવી કે પોતાની સાથે 70થી વધારે લોકોના જીવ લઈને ગઈ. જ્યારે અનેક લોકોને ઈજાગ્રસ્ત કરી દીધા. ત્યારે આ વીજળી કેમ પડે છે. અને તેનાથી લોકોના મૃત્યુ કેમ થઈ રહ્યા છે. તેના વિશે તમને વિગતવાર સમજાવીશું.
શું કહે છે NDMAનો રિપોર્ટ:
આ રિપોર્ટ પ્રમાણે ભારતમાં દર વર્ષે વીજળી પડવાથી સરેરાશ 2500 લોકોના મૃત્યુ થાય છે. 1967થી 2012 સુધી જેટલી પણ પ્રાકૃતિક આપદાઓ ભારતમાં આવી. તેનાથી મૃત્યુ પામનારમાં 39 ટકા લોકો વીજળી પડવાથી મૃત્યુ પામ્યા. સૌથી વધારે વીજળી પડવાની ઘટનાઓ ઝારખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, ઉત્તરાખંડ અને પશ્વિમ બંગાળમાં જોવા મળે છે.
છેલ્લાં 5 વર્ષમાં કેટલાં લોકોના મૃત્યુ થયા:
છેલ્લાં 5 વર્ષમાં વીજળી પડવાથી કુલ 8291 લોકોના મૃત્યુ થયા છે. વર્ષ 2016માં 1489, 2017માં 2057, 2018માં 2028, 2019માં 1771 અને 2020માં 946 મૃત્યુ થયા. મોટાભાગે આકાશમાંથી વીજળી માર્ચથી જૂન મહિનામાં પડે છે. પરંતુ તે સ્થાનિક હવામાન અને જમીનના ચાર્જિંગ પર પણ નિર્ભર કરે છે કે વીજળી કેટલી અને ક્યાં સુધી પડશે.
વીજળીથી બચવા શું કરશો:
વરસાદની મજા દરેક વ્યક્તિ લેવા માગે છે. એવામાં આકાશમાંથી વીજળીની ઝપેટમાં આવવાની આશંકા વધી જાય છે.
1. જો તમે આકાશી વીજળીથી બચવા માગો છો તો ક્યારેય પણ ખેતર, વૃક્ષો, તળાવથી દૂર રહો. કેમ કે તેમની આસપાસ તમારા પર વીજળી પડવાની આશંકા વધી જાય છે.
2. જો તમે ઘરની અંદર છો અને બહાર વીજળી પડી રહી છે તો તમારે વીજળીથી સંચાલિત ઉપકરણોથી દૂર રહેવું જોઈએ.
3. તારવાળા ટેલિફોનનો ઉપયોગ ન કરો.
4. બારીઓ અને દરવાજા બંધ કરી દો.
5. તમારા ઘરની છત પર ન જશો.
6. કોઈપણ એવી વસ્તુની આસપાસ ન રહો, જે વીજળીનો સુવાહક હોય
7. ધાતુ, નળ, ફૂવારો વગેરેથી દૂર રહો.
8. વીજળી ચમકતી હોય ત્યારે ઝાડ નીચે ઉભા રહેશો નહીં
9. ઓછી ઉંચાઈવાળી બિલ્ડિંગમાં આશ્રય લો.
10. મજબૂત છતવાળી ગાડીમાં રહો.
11. બહાર ધાતુથી બનેલી કોઈ વસ્તુની આજુબાજુ ઉભા રહેશો નહીં.
12. બાઈક, વીજળી, ટેલિફોનના થાંભલા, તાર કે મશીનની આજુબાજુ ન રહેશો.
કઈ રીતે ખબર પડશે કે તમે વીજળીની ઝપેટમાં આવશો:
લોકોને સમજણ પડતી નથી કે તેમને વીજળી પોતાની ઝપેટમાં કેવી રીતે લેશે. તેનો સરળ રસ્તો એ છે કે જ્યારે તમે આવી સિઝનમાં બહાર કે ઘરની અંદર હોય અને તમારા વાળ ઉભા થઈ જાય. ચામડીમાં ઝણઝણાટ થવા લાગે તો સમજી લેજો કે તમે વીજળીની ઝપેટમાં આવી શકો છો. જો આવું થાય તો તાત્કાલિક ઝૂકીને બંને હાથથી પોતાના કાન બંધ કરી લો. પોતાના પંજાના બળ પર બેસી જાઓ. ઘૂંટણની ઉપર કોણી હોવી જોઈએ. આ વાતનું ધ્યાન રાખો કે તમારા શરીરનો જેટલો ભાગ જમીનના સંપર્કમાં રહેશે, તેટલા બચવાના ચાન્સ વધારે રહેશે.
જો કોઈ વીજળીથી ઈજાગ્રસ્ત થાય તો શું કરશો:
જો કોઈ વ્યક્તિના પર વીજળી પડી હોય અને તે ઈજાગ્રસ્ત થાય તો તેને તાત્કાલિક સીપીઆર આપવો જોઈએ. કૃત્રિમ શ્વાસ આપવો જોઈએ. પ્રયત્ન કરવો જોઈએ કે તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળે અને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવે. આ વાતનું ધ્યાન રાખો કે વીજળી હંમેશા ધરતી પર રહેલી સૌથી ઉંચી વસ્તુ સાથે ટકરાય છે. આથી ક્યારેય પણ આવી સિઝનમાં ઉંચી બિલ્ડિંગ, વૃક્ષ કે થાંભલાની નીચે ઉભા ન રહેશો.
હવામાન વિભાગ પાસે શું વ્યવસ્થા છે:
ભારતીય હવામાન વિભાગની પાસે દેશમાં લગભગ 30 રડાર છે. જે દર 10 મિનિટમાં હવામાનનું અપડેટ પ્રદાન કરે છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના ઉપગ્રહ ઈન્સેટ-3 DRથી દર 15 મિનિટે આવા વાદળોની જાણકારી મળતી રહે છે. જે વીજળી ઉત્પન્ન કરે છે. દેશ હવે સંબંધિત ખતરા વિશે લોકોને સચેત કરવા માટે દર 5 મિનિટમાં વીજળી વિશે રિયલ ટાઈમ જાણકારી અપડેટ કરવામાં સક્ષમ છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર પશ્વિમી અને મધ્ય ભારતમાં વીજળી પડવાનો પ્રકોપ વધારે છે. વિભાગે ભારતમાં 12 એવા રાજ્યોની ઓળખ કરી છે. જ્યાં સૌથી વધારે આકાશમાંથી વીજળી પડે છે. તેમાં મધ્ય પ્રદેશ પહેલા નંબરે છે. તેના પછી મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્વિમ બંગાળ, ઝારખંડ, છત્તસીગઢ અને ઓડિશા છે.