કેજરીવાલે ભલે પહેલા કોંગ્રેસને ગાળો ભાંડી હોય. થોડા દિવસ પહેલા ભલે કોંગ્રેસ પણ દારૂકાંડમાં કેજરીવાલને ભ્રષ્ટાચારી ગણતી હોય પરંતુ ચૂંટણીમાં ગઠબંધન અને હવે કેજરીવાલ પર સકંજો કસાતા બંને એક થઈ ગયા છે. ન માત્ર કોંગ્રેસ પરંતુ શરદ પવાર હોય કે પછી ઓમર અબદુલ્લા કે પછી લેફ્ટ પાર્ટી. તમામ વિપક્ષી દળો એકસાથે અરવિંદ કેજરીવાલની પડખે ઉભા છે. ઈડીએ કેજરીવાલની ધરપકડ કરતા જ વિપક્ષના નેતાઓ મોદી સરકાર વિરુદ્ધ આક્રમક બન્યા હતા. એકંદરે તમામ નેતાઓનો એક જ સૂર છે કે, સુરક્ષા એજન્સીઓનો દુરૂપયોગ અને લોકતંત્ર સામે મોટું સંકટ. તેમણે અરવિંદ કેજરીવાલની ધરપકડને ગેરબંધારણીય ગણાવી તો ભાજપને લોકતંત્ર માટે ખતરો... ચૂંટણી પહેલા આ કાર્યવાહીથી સમગ્ર વિપક્ષ એક અવાજમાં મોદી સરકાર સામે ગાજી રહ્યું છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે જે ઈન્ડિયા ગઠબંધન એકજૂથ નહોતું રહેતું હવે કેજરીવાલની ધરપકડ બાદ એક સૂરમાં બોલી રહ્યું છે. સરકારે લોકસભાની ચૂંટણી પહેલાં ગઠબંધનને એક જૂટ થવાનો મોકો આપી દીધો છે. હવે ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે આ જૂથબંધી ભાજપને ભારે પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેજરીવાલની ધરપકડ મુદ્દે વિપક્ષી નેતાઓની પ્રતિક્રિયા પર નજર કરીએ તો,  કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ લખ્યું, દરરોજ જીતનો દંભ ભરતી અહંકારી ભાજપ, વિપક્ષને ચૂંટણી પહેલા દરેક રીતે કમજોર કરવાનો પ્રયાસ કરે છે.  તો રાહુલ ગાંધીએ કહ્યું કે, ડરી ગયેલા તાનાશાહ એક મૃત લોકતંત્ર બનાવવા માગે છે.  જ્યારે કે અખિલેશ યાદવે વિરોધ કરતા કહ્યું કે, કેજરીવાલની ધરપકડ એક નવી જનક્રાંતિને જન્મ આપશે તો તેજસ્વી યાદવ બોલ્યા, રાજકીય-બંધારણીય તથા લોકતાંત્રિક નૈતિકતાને NDA સરકારે તાર-તાર કરીને દેશ પર અઘોષિત કટોકટી લાદી છે.  આ તરફ એમ.કે સ્ટાલિને વાર કરતા કહ્યું કે, એક દશકની નિષ્ફળતા અને હારના ડરથી ફાંસીવાદી ભાજપ સરકારે કેજરીવાલની ધરપકડ કરી છે તો શરદ પવારે મોદી સરકાર પર નિશાન તાકતા લખ્યું કે, આ ધરપકડ દર્શાવે છે કે ભાજપ સત્તા માટે કોઈ પણ હદ પાર કરી શકે છે. આ ગેરબંધારણીય કાર્યવાહી સામે ઈન્ડિયા એકજૂટ છે


એક તરફ વિપક્ષના નેતાઓ એકસાથે મોદી સરકાર પર હુમલાવર બન્યા છે, તો ભાજપે પણ પલટવાર કરતા તમામ પક્ષોને ભ્રષ્ટાચારી સાથીદાર ગણાવ્યા. ભાજપે કહ્યું કે, એક સમયે કેજરીવાલ જ સોનિયા ગાંધીને જેલમાં નાખવાની વાત કરતા હતા, હવે બધા એક થઈ ગયા છે. કેજરીવાલની ધરપકડ સામે જામેલા રાજકીય સંગ્રામ વચ્ચે અન્ના હજારેની પ્રતિક્રિયા પણ આવી છે. જેમની સાથે આંદોલનની શરૂઆત બાદ કેજરીવાલે રાજકારણનો રસ્તો અપનાવ્યો હતો. તે અન્ના હજારેએ પણ કેજરીવાલ સામે સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે મને કાર્યવાહીથી કોઈ દુઃખ નથી. 


કેજરીવાલ જેલની અંદર અને બહાર વિપક્ષી એકતા અને થોડા દિવસ બાદ ચૂંટણીની શરૂઆત. આ તમામ બાબતો વચ્ચે દેશભરમાં રાજકારણનો પારો આસમાને પહોંચ્યો છે.  કેજરીવાલની ધરપકડ બાદ ભલે વિપક્ષી નેતાઓ એકસૂરમાં બોલતા દેખાય... નવી લોકક્રાંતિની વાતો કરે... પરંતુ હકીકતમાં તેનો ફાયદો થશે કે નુકસાન તે સૌથી મોટો પ્રશ્ન છે... વળી ચૂંટણી બાદ પણ કેજરીવાલ પ્રત્યે વર્તમાન સાથી પક્ષોના વિચારો નહીં બદલાય તે પણ કહી શકાય નહીં કારણ કે રાજકારણમાં કંઈ પણ શક્ય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube