ભારત બંધ: `સમગ્ર વિપક્ષ મળીને BJPને હટાવવાનું કામ કરશે`- રાહુલ ગાંધી
દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવો પર સરકારને ઘેરવા માટે કોંગ્રેસે આજે ભારત બંધનું આહ્વાન કર્યુ છે.
નવી દિલ્હી: દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવો પર સરકારને ઘેરવા માટે કોંગ્રેસે આજે ભારત બંધનું આહ્વાન કર્યુ છે. કોંગ્રેસના આ બંધને અન્ય પક્ષોનો પણ સાથ મળ્યો છે. વિપક્ષી પાર્ટીઓ એકજૂથ થઈને દેશમાં પેટ્રોલ અને ડીઝલના તથા ગેસના ભાવમાં થયેલા વધારાના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યાં છે. ભારત બંધને લઈને કોંગ્રેસના નેતાઓએ પોતાના કાર્યકર્તાઓને અપીલ કરી છે કે તેઓ શાંતિપૂર્વક પ્રદર્શન કરે અને કોઈ પણ પ્રકારના હિંસક પ્રદર્શનમાં સામેલ ન થાય. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કૂચ બાદ હવે રામલીલા મેદાનમાં સરકાર વિરુદ્ધ ધરણા પર બેસી ગયા છે. તેમની સાથે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ હાજર છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આજે આખો વિપક્ષ અહીં એક સાથે બેઠો છે. અમે બધા મળીને એક સાથે ભાજપને હટાવવાનું કામ કરીશું.
એક સાથે છે આખો વિપક્ષ- રાહુલ ગાંધી
રાહુલે મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ભાજપ જ્યાં પણ જાય છે ત્યાં તોડવાનું કામ કરે છે. મોદી સરકારે યુવાઓને રોજગારી આપી નથી. દેશભરમાં શૌચાલય બનાવડાયા પંરતુ પાણીની વ્યવસ્થા નથી. છેલ્લા 70 વર્ષમાં રૂપિયો આટલો ક્યારેય ગગડ્યો નથી. તેમણે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો પર મોદીજીએ એક શબ્દ કહ્યો નથી. તેઓ તેના પર ચૂપ છે.
મનમોહન સિંહના આકરા પ્રહારો
ધરણા દરમિયાન પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહે કેન્દ્રની ભાજપના નેતૃત્વવાળી સરકાર પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે 'મોદી સરકારે મોટી સંખ્યામાં એવા પગલાં લીધા છે જે દેશહિતમાં નથી. મોદી સરકારને બદલવાનો સમય જલદી આવશે.'
ધરણા પર બેઠેલા રાહુલ ગાંધી સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ હાજર છે. જેમાં ગુલામનબી આઝાદ અને આનંદ શર્મા પણ સામેલ છે. આ સાથે શરદ પવાર પણ સામેલ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ ધરણમાં સામેલ થયા છે. તેમની સાથે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ હાજર છે. તેઓ પણ અન્ય વિપક્ષી પાર્ટીઓના પ્રમુખ નેતાઓ સાથે વિરોધ વ્યક્ત કરશે.
રાજઘાટથી રામલીલા મેદાન સુધી રાહુલ ગાંધીની કૂચ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ પોતાની કૈલાસ માનસરોવાર યાત્રા બાદ દિલ્હી પરત આવી ગયા છે અને તેઓ આજે સવારે રાજઘાટ પહોંચ્યાં. રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીની સમાધિ પર માનસરોવરનું જળ પણ ચઢાવ્યું. ત્યારબાદ તેઓ રાજઘાટથી રામલીલા મેદાન સુધી પગપાળા કૂચ કરી રામલીલા મેદાન પહોંચ્યાં. તેમની સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતા હાજર છે. જેમાં ગુલામ નબી આઝાદ અને આનંદ શર્મા પણ હાજર છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે રામલીલા મેદાનમાં જ ધરણા પર બેસશે. એવું કહેવાય છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ થોડીવારમાં રાજઘાટ પહોંચશે. તેઓ પણ અન્ય વિપક્ષી પાર્ટીઓના પ્રમુખ નેતાઓ સાથે વિરોધ પ્રદર્શન કરશે.
ઓડિશાના સંભલપુરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ એક ટ્રેન રોકીને પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો પર વિરોધ વ્યક્ત કર્યો. આ બાજુ માકપા કાર્યકર્તાઓએ વિશાખાપટ્ટનમમાં પણ વધેલા ભાવો સામે પ્રદર્શન કર્યું. તેલંગણામાં પણ કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધુ.
ટીએમસીએ જાળવ્યું અંતર
કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે કે આ પ્રદર્શનમાં 21 વિપક્ષી દળો સમર્થન કરી રહ્યાં છે. તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં કહેવાયું છે કે તેમની પાર્ટી બંધનું સમર્થન કરે છે પરંતુ મુખ્યમંત્રી મમતા બેનરજી રાજ્યમાં બંધની મંજૂરી આપી શકે નહીં. એનસીપી પ્રમુખ શરદ પવાર, દ્રમુક પ્રમુખ એમ કે સ્ટાલિન અને ડાબેરી નેતાઓએ કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલા આ 'ભારત બંધ'ના એલાનને ખુલ્લેઆમ સમર્થન જાહેર કર્યું છે.
મનસે આપશે સમર્થન
આમ આદમી પાર્ટી તરફથી પણ કહેવામાં આવ્યું છે કે તેઓ બંધમાં સામેલ થશે નહીં. શિવસેનાએ પણ બંધનું સમર્થન કર્યું નથી. જો કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ બંધનું સમર્થન કર્યુ છે. બીજૂ જનતા દળ (બીજેડી)એ પણ બંધનું સમર્થન નહીં કરવાનો ફેસલો લીધો છે. ઉત્તર પ્રદેશમાં સંભવિત ગઠબંધનના સાથી સપા અને બસપાએ પણ ખુલીને બંધનું સમર્થન નથી કર્યું. જો કે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના નિર્દેશ પર સમાજવાદી પાર્ટીએ સમગ્ર પ્રદેશમાં દરેક જનપદના તહસીલ મુખ્યાલયમાં આજે ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
કોંગ્રેસે સાધ્યું નિશાન
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ આરોપ લગાવ્યો કે નરેન્દ્ર મોદી સકારે ગત 52 મહિનાઓમાં દેશના લોકોના 11 લાખ કરોડ રૂપિયા 'લૂટ્યાં' છે. અને ભાજપ સરકાર ચલાવવાની જગ્યાએ 'નફાખોર કંપની' ચલાવી રહી છે. તેમણે કહ્યું કે જે રીતે ગેસ, ડીઝલ અને પેટ્રોલના ભાવો દરરોજ વધી રહ્યાં છે તેનાથી ખેડૂતોને ખુબ નુકસાન થયું છે.
સૂરજેવાલાએ કહ્યું કે અમે માગણી કરીએ છીએ કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે. ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં પેટ્રોલ અને ડીઝલના આગઝરતા ભાવો અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કારણ કે તેમને લોકોના દુ:ખ દર્દ સાથે કોઈ મતલબ નથી.
દ્રમુક પણ મેદાનમાં
દ્રમુકના અધ્યક્ષ સ્ટાલિને કહ્યું કે દ્રમુક પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં જબરદસ્ત ભાવવધારાને લઈને ભાજપ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલી કોંગ્રેસના ભારત બંધના એલાનને સંપૂર્ણ સમર્થન આપશે. બંધના આહ્વાનને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે પાર્ટી કાર્યકર્તાઓને અપીલ કરી છે કે કોઈ હિંસક પ્રદર્શનમાં સામેલ થાય નહીં. આ અગાઉ કોંગ્રેસે કહ્યું કે અનેક ચેમ્બર ઓફ કોમર્સ અને કારોબારી સંગઠનો ઉપરાંત 21 પક્ષોએ આ ભારત બંધનું સમર્થન કર્યુ છે. પાર્ટીની માગણી છે કે પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવામાં આવે. જેનાથી ભાવ 15થી 18 રૂપિયા સુધી ઘટી શકે છે.
બિહારમાં પણ બંધ
પટણામાં આજે સવાર 9થી બપોરે 3 વાગ્યા સુધી વિપક્ષે ભારત બંધનું આયોજન કર્યું છે.બંધને લઈને પટણામાં બે હજાર જવાનો તહેનાત કરવામાં આવ્યાં છે. 94 જગ્યાઓ પર વિશેષ મેજિસ્ટ્રેટ તહેનાત કરાયા છે. બંધની પરેશાનીને લઈને હેલ્પલાઈન જારી કરાઈ છે. ટ્રાન્સપોર્ટ ફેડરેશન પણ વિપક્ષના બંધનું સમર્થન કરી રહ્યું છે. બંધને સફળ બનાવવા માટે બસ અને ઓટો ચાલકો પણ બંધમાં સામેલ થશે.
મુંબઈમાં 88 રૂપિયે પ્રતિ લીટર પેટ્રોલ
અત્રે જણાવવાનું કે આજે પેટ્રોલ ડીઝલના ભાવોમાં રેકોર્ડ સ્તર પર વધારો જોવા મળ્યો. સોમવારે દિલ્હીમાં પેટ્રોલ 0.23 પૈસા પ્રતિ લીટર વધીને 80.73 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું. ડીઝલના ભાવ 0.22 પૈસા પ્રતિ લીટર વધીને 72.83 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો. મુંબઈમાં આજે પેટ્રોલના ભાવ 0.23 પૈસા વધીને 88.12 રૂપિયા પ્રતિ લીટર થયો. ડીઝલના ભાવમાં 0.23 પૈસાનો વધારો થતા 77.32 રૂપિયા પ્રતિ લીટર થયો.