લગ્ન વિના લિવ-ઈનના નામે સાથે રહેતા કપલિયા ખાસ વાંચે, કોર્ટનો આ મહત્ત્વનો ચૂકાદો
Live in Relationship: કેરળ હાઈકોર્ટે લિવ ઈનમાં રહેતા કપલ્સના કેસમાં એક મહત્ત્વનો ચૂકાદો આપ્યો છે. આ કેસમાં કોર્ટે જણાવ્યું છેકે, ‘સમજૂતીના આધારે એકસાથે રહેનાર બે વ્યક્તિ લગ્નનો દાવો ન કરી શકે’ કાયદો ‘લિવ-ઇન રિલેશન’ને લગ્ન તરીકે માન્યતા આપતો નથી.
Live in Relationship/કોચીઃ બદલાતા સમય સાથે કાયદો પણ બદલાઈ રહ્યો છે. એવા સમયે સમાજ વ્યવસ્થા અને સંબંધોની પરિભાષા પણ બદલાઈ રહી છે. વર્તમાન સમયમાં લગ્ન કર્યા વિના જ પોતાની મરજી મુજબના પાત્ર સાથે રહેવામાં ઘણાં લોકોને ખુબ રસ પડે છે. એમાં લોકોને સ્વતંત્રતા લાગે છે. પોતે આઝાદ હોવાના અહેસાસની વાતો પણ ઘણાં કરતા હોય છે. જોકે, કોર્ટ આ મામલાને અલગ રીતે જોવે છે. હાલમાં એક કિસ્સામાં એવું સામે આવ્યું. કેરળ હાઈકોર્ટે એક ચુકાદામાં જણાવ્યું છેકે, કાયદો લિવ-ઈન રિલેશનને લગ્ન તરીકેની માન્યતા આપતો નથી. કેરળ હાઈકોર્ટે જણાવ્યું છે કે, આવા સંબંધને છૂટાછેડાના હેતુ માટે પણ માન્યતા આપવામાં આવતી નથી. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, માત્ર પર્સનલ લો’ અથવા ધર્મનિરપેક્ષ કાયદા અનુસાર થનારા લગ્નોને જ કાયદાકીય માન્યતા મળે છે.
કેરળ હાઈકોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે, "કોઈ સમજૂતીના આધારે એક્સાથે રહેનાર બે વ્યક્તિ લગ્નનો દાવો ન કરી શકે અને તેના આધારે છૂટાછેડાની માંગણી પણ ન કરી શકે. અરજદારોના વકીલે દલીલ કરી હતી કે, “બંને પક્ષો તેમનો સંબંધ એક ડિક્લેરેશન દ્વારા લગ્ન તરીકે સ્વીકાર્યો છે ત્યારે કોર્ટ તે કાનૂની રીતે લગ્નમાં બંધાયેલા છે કે નહીં તેનો નિર્ણય કરી શકે નહીં." જસ્ટિસ એ મોહમ્મદ અને સોફી થોમસની બેન્ચે કેસની સુનાવણી કરી હતી.
હિંદુ અને ખ્રિસ્તી ધર્મની બે વ્યક્તિના કેસમાં કોર્ટે આવી ટિપ્પણી કરી હતી. તેમણે એક ફેમિલી કોર્ટના ચુકાદા વિરુદ્ધ કેરળ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. ફેમિલી કોર્ટે તેમની છૂટાછેડાની અરજી ફગાવતા જણાવ્યું હતું કે, “બંનેના લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ થયા નથી.” બંને વ્યક્તિ રજિસ્ટર્ડ સંમતિ દ્વારા ર૦૦૬થી એક સાથે રહેતા હતા. તેમને ૧૬ વર્ષનું સંતાન છે. જોકે, હવે બંને અલગ થવા માંગતા હોવાથી તેમણે ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી.
કેરળ હાઈકોર્ટે જણાવ્યું હતું કે, “કાયદાએ હજુ સુધી લિવ-ઈન રિલેશનશિપને લગ્ન તરીકે માન્યતા આપતી નથી. કાયદો લગ્નને ત્યારે જ માન્યતા આપે છે જ્યારે તે પર્સનલ લો અથવા સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ થયા હોય. પક્ષકાર કોઈ સંમતિના આધારે એક સાથે રહેવાનો નિર્ણય કરે ત્યારે તે વિવાહ કે છૂટાછેડાની માંગણી માટે યોગ્ય ઠરતા નથી.” હાઇકોર્ટે એવું પણ જણાવ્યું હતું કે, “વર્તમાન કેસમાં છૂટાછેડાના આવા કેસ પર વિચારણા ફેમિલી કોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવતી નથી. તેમણે જોડીને વિચાર યોગ્ય નહીં હોવાનું જણાવી અરજી ફગાવી દેવી જોઈતી હતી.