LIVE: સંકટમાં કર્ણાટક સરકાર, રાજ્યપાલે સ્પીકરને આગ્રહપુર્વક વિશ્વાસ મત પ્રક્રિયા કરવા જણાવ્યું
કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર ઉપર છેલ્લા કેટલાય દિવસોથી સંકટના વાદળો છવાયેલા છે. આજે વિધાનસભામાં એચડી કુમારસ્વામીની સરકાર ફ્લોર ટેસ્ટની અગ્નિપરીક્ષા આપશે.
નવી દિલ્હી: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર ઉપર છેલ્લા કેટલાય દિવસોથી સંકટના વાદળો છવાયેલા છે. આજે વિધાનસભામાં એચડી કુમારસ્વામીની સરકાર ફ્લોર ટેસ્ટની અગ્નિપરીક્ષા આપી રહી છે. વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો છે. આજે નક્કી થઈ જશે કે કુમારસ્વામીની સરકાર રહેશે કે જશે. કર્ણાટક ભાજપના અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર આજે પડી જશે. યેદિયુરપ્પાએ વધુમાં કહ્યું કે મુખ્યમંત્રી કુમારસ્વામીની સરકાર વિધાનસભામાં બહુમત મેળવી શકશે નહીં. તેમણે કહ્યું કે 'મને 101 ટકા ખાતરી છે કે તેમનું સંખ્યાબળ 100થી નીચે છે, અમે 105 છીએ. તેઓ વિશ્વાસમત જીતી શકશે નહીં. એવું કહેવાય છે કે ધારાસભ્ય રામલિંગા કોંગ્રેસ પક્ષમાં મતદાન કરશે. જ્યારે બળવાખોર ધારાસભ્યો મતદાનમાં ભાગ લેશે નહીં.'
લાઈવ અપડેટ્સ..
- વિશ્વાસ મત પર ચર્ચા દરમિયાન હોબાળો મચ્યો. ત્યારબાદ કર્ણાટક વિધાનસભા બપોરે 3 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.
- કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે જ્યાં સુધી અમને સુપ્રીમ કોર્ટના ગત આદેશ પર સ્પષ્ટીકરણ ન મળી જાય ત્યાં સુધી આ સત્રમાં ફ્લોર ટેસ્ટ કરાવવો યોગ્ય નથી. બંધારણની વિરુદ્ધ છે. જો અમે વિશ્વાસ મતની સાથે આગળ વધીએ, જો વ્હિપ માન્ય હોય અને બળવાખોર ધારાસભ્યો સુપ્રીમ કોર્ટના આદેશના કારણે વિધાનસભામાં ન આવે તો તે ગઠબંધન સરકાર માટે મોટું નુકસાન હશે.
- અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતા ડી કે શિવકુમારે કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી તરીકે, વિપક્ષના નેતા તરીકે બીએસ યેદિયુરપ્પા દેશ અને કોર્ટને ગુમરાહ કરી રહ્યાં છે.
- આ સદન સુપ્રીમ કોર્ટનું સૌથી વધુ સન્માન કરે છે. હું કોંગ્રેસના નેતાઓને સ્પષ્ટ કરવા માંગુ છું કે આ ઓફિસ તમને તમારા અધિકારીઓનો ઉપયોગ કરતા રોકતી નથી. તેમાં મારી કોઈ ભૂમિકા નથી. કર્ણાટક સ્પીકર
- અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કુમારસ્વામીએ કહ્યું કે મારું આત્મસન્માન છે અને મારા મંત્રીઓનું પણ. મારે કેટલીક સ્પષ્ટતા કરવી છે. સરકાર અસ્થિર કરવા માટે કોણ જવાબદાર?
- કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય શ્રીમંત પાટીલ ગત રાતે મુંબઈ પહોંચ્યાં. તેઓ બેંગ્લુરુમાં બીજા ધારાસભ્યો સાથે રિસોર્ટમાં રોકાયા હતાં. પાટીલ હાલ છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ છે. જેના કારણે સદનમાં ગેરહાજર છે.
- કર્ણાટક વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન હોબાળો મચ્યો. કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે ઉગ્ર ચર્ચા ચાલી રહી છે.
- કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે અહીં એવા ધારાસભ્યો પણ છે જે એક દિવસમાં 3-3 પાર્ટીઓ બદલી રહ્યાં છે. દેશનો રાજકીય માહોલ દૂષિત થઈ ગયો છે.
- સીએમ એચડી કુમારસ્વામીએ કહ્યું કે તમામ મુદ્દાઓ પર ચર્ચા અને પડકારો માટે હું તૈયાર છું. ભાજપ સરકારને અસ્થિર કરવામાં લાગ્યો છે. લોકશાહીથી ચૂંટાયેલી સરકાર વિરુદ્ધ નાટક થઈ રહ્યું છે. આયારામ-ગયારામ ધારાસભ્યોનો સિલસિલો ચાલુ છે. આપણે કડક કાયદા લાવવાની જરૂર છે જેથી કરીને પક્ષપલટાને રોકી શકાય.
- બીએસપી ધારાસભ્ય એન મહેશ વિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન સદનમાં હાજર નથી.
- મુખ્યમંત્રીએ કહ્યું કે સ્પીકરની ભૂમિકા ખરાબ કરવાની કોશિશ થઈ રહી છે. આપણે કર્ણાટકના વિકાસ માટે કામ કરવું જોઈએ.
- કુમારસ્વામીએ કહ્યું કે આખરે બીએસ યેદિયુરપ્પા આટલી ઉતાવળમાં કેમ છે? હું પૂછવા માંગુ છું કે અમારી સરકારને અસ્થિર કરવા પાછળ કોણ છે?
- કુમારસ્વામીએ પ્રસ્તાવ પર ચર્ચા માટે સ્પીકર પાસે સમય માંગ્યો છે. યેદિયુરપ્પાએ કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે સરકાર વિશ્વાસ મત હારશે.
- કર્ણાટક વિધાનસભામાં મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ વિશ્વાસમત પ્રસ્તાવ રજુ કર્યો. તેમણે કહ્યું કે યેદિયુરપ્પા ખુબ હડબડીમાં છે.
જુઓ LIVE