નવી દિલ્હી: સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશના મુદ્દે થઈ રહેલો હોબાળો શાંત થવાનું નામ લેતો નથી. સુપ્રીમ કોર્ટે મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશની મંજૂરી આપી હોવા છતાં પ્રદર્શનકારીઓ શુક્રવારથી પ્રતિબંધિત ઉંમરની મહિલાઓની મંદિરમાં પ્રવેશવા દેતા નથી. આ બધા વચ્ચે એક મહિલા પત્રકાર સહિત બે મહિલાઓ એન્ટ્રી પોઈન્ટ પર પહોંચ્યા બાદ તણાવની સ્થિતિ સર્જાઈ ગઈ છે. જો કે ત્યાંની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા હવે આ મહિલાઓ મંદિરના પ્રવશદ્વાર પરથી પાછી ફરી રહી છે. કેરળના આઈજીએ કહ્યું કે 'અમે મહિલા શ્રદ્ધાળુઓને સ્થિતિ અંગે જણાવ્યું. હવે તેઓ પાછા ફરી રહ્યાં છે. તેમણે પોતે પાછા ફરવાનું નક્કી કર્યું છે. ' અત્રે જણાવવાનું કે એક વિદેશી મીડિયા સંસ્થાન માટે કામ કરી રહેલી હૈદરાબાદની મહિલા પત્રકાર અને સામાજિક કાર્યકર્તાએ મંદિરમાં દર્શન કરવામાં નિષ્ફળ રહ્યાંના એક દિવસ બાદ અન્ય એક મહિલાએ ચઢાણ શરૂ કર્યુ હતું. સતત વધતી બબાલને જોતા રાજ્ય પ્રશાસને પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવાની અપીલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


લગભગ 250 પોલીસ જવાનો બંને મહિલાઓને પોતાની સુરક્ષામાં લઈને મંદિર તરફ આગળ વધી રહ્યાં હતાં. પ્રશાસને ગુરુવારથી જ ઈલાવુંગલ અને સન્નાદાનમાં કરફ્યુ લગાવી દીધો જે શુક્રવાર એટલે કે આજ સુધી લાગુ રહેશે. પઠાનમથિટ્ટા જિલ્લાના કલેક્ટર પીબી નૂહે કહ્યું કે પ્રશાસન દ્વારા સબરીમાલા જતા શ્રદ્ધાળુઓને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.  


આ અગાઉ ગુરુવારે એક મહિલા પત્રકારને જ્યારે તે પોતાના પુરુષ સહયોગી સાથે પંબાથી બે કલાકની પગપાળા યાત્રા કરીને સબરીમાલા જઈ રહી હતી ત્યારે મંદિર જવાથી રોકવામાં આવી હતી. પોલીસની સુરક્ષા હોવા છતા મહિલાઓના મંદિરમાં પ્રવેશ કરવાના વિરોધમાં ઊભેલા લોકો સામે મહિલા પત્રકારે પાછા ફરી જવું પડ્યું. 



અત્રે જણાવવાનું કે કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા મહિલાઓના પ્રવેશને મંજૂરી અપાયા બાદ પહેલીવાર મંદિરના કપાટ ખોલવામાં આવ્યાં. મંદિરના કપાટ ખુલતા પહેલા અને ત્યારબાદ ખુબ હોબાળો મચ્યો. સેંકડોની સંખ્યામાં મંદિરમાં પ્રવેશ કરવાની કોશિશ કરાઈ અને ત્યાં હાજર લોકોએ તેમને રોકવાની કોશિશ કરી. આ દરમિયાન ખુબ મારપીટ અને હિંસા પણ થઈ. 



શ્રદ્ધાળુઓની દલીલ છે કે મંદિરમાં મહિલાઓને પ્રવેશની અનુમતિ આપવાથી ભગવાનનો બ્રહ્મચર્ય ભંગ થશે. આ જ કારણ છે કે તેઓ 10 વર્ષથી લઈને 50 વર્ષ સુધીની ઉંમરની મહિલાઓનો મંદિરમાં પ્રવેશનો વિરોધ કરી રહ્યાં છે.