વિંગ કમાન્ડર અભિનંદનની આજે વતન વાપસી, વાઘા બોર્ડર પર થશે સ્વાગત
પાકિસ્તાની સેના દ્વારા બુધવારે પકડી લેવાયા બાદ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર પાઈલટ અભિનંદન વર્ધમાનની આજે વતન વાપસી થશે. તેમને વાઘા બોર્ડર દ્વારા પાકિસ્તાન ભારતને સોંપશે. આ માટે વાઘા બોર્ડર પર તેમના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ થઈ રહી છે.
નવી દિલ્હી: પાકિસ્તાની સેના દ્વારા બુધવારે પકડી લેવાયા બાદ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર પાઈલટ અભિનંદન વર્ધમાનની આજે વતન વાપસી થશે. તેમને વાઘા બોર્ડર દ્વારા પાકિસ્તાન ભારતને સોંપશે. આ માટે વાઘા બોર્ડર પર તેમના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ થઈ રહી છે.
વાયુસેનાનું એક પ્રતિનિધિમંડળ આજે વિંગ કમાન્ડર અભિનંદનને લેવા માટે વાઘા બોર્ડર જશે. પાકિસ્તાન સાથે હવાઈ સંઘર્ષ દરમિયાન તેઓ ભૂલથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઉતરણ કરી ગયા હતાં. હજુ જો કે એ સ્પષ્ટ નથી કે અભિનંદનને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસને સોંપશે કે પછી ભારતીય અધિકારીઓને.
અભિનંદનનું મિગ 21 વિમાન બુધવારે સવારે પાકિસ્તાનના હુમલાને રોકવા માટે પીછો કરી રહ્યું હતું અને તેમણે પાકિસ્તાનના ફાઈટર જેટ એફ 16ને તોડી પણ પાડ્યું હતું. આ દરમિયાન તેમનું પણ વિમાન ક્રેશ થતા તેઓ પીઓકે પહોંચી ગયા હતાં. ત્યારથી તેઓ પાકિસ્તાનમાં છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ગુરુવારે સંસદમાં જાહેરાત કરી કે અભિનંદનને સદભાવના તરીકે શુક્રવારે છોડી મૂકવામાં આવશે.
અત્રે જણાવવાનું કે ભારતે ગુરુવારે ખુબ જ કડક વલણ અપનાવ્યું હતું અને કહ્યું હતું કે અભિનંદનને છોડી દે પાકિસ્તાન, નહીં તો ભારત કડક કાર્યવાહી કરશે. ભારતે પાકિસ્તાન સાથે આ અંગે કોઈ પણ ડીલ કરવાની પણ ના પાડી દીધી હતી. કોઈ પણ શરત વગર અભિનંદનને છોડી મૂકવા જણાવ્યું હતું. ત્યારબાદ પાકિસ્તાને અભિનંદનને શાંતિની પહેલ ગણાવીને છોડવાની વાત કરી.
આ બાજુ નવી દિલ્હીમાં આર્મી, નેવી અને એરફોર્સની સેનાઓના ટોચના અધિકારીઓ દ્વારા સાંજે એક જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી જેમાં કહેવામાં આવ્યું કે સુરક્ષા સામેના કોઈ પણ પડકારને પહોંચી વળવા માટે સેનાઓ હાઈ એલર્ટ પર છે. જો કે ભારત પાકિસ્તાન સાથે કોઈ પણ વાત કરવાના મૂડમાં જરાય દેખાતું નથી.
ભારતે કહ્યું કે તે ઈચ્છે છે કે પાકિસ્તાન આતંકવાદ પર કાર્યવાહી કરે. ભારતે સ્પષ્ટ કહ્યું હતું કે અભિનંદન પર કોઈ જ ડીલ નહીં થાય. તેમને કોઈ પણ શરત વગર ભારત પાછો મોકલવો જ પડશે. ભારતીય વાયુસેનાએ પણ ગઈ કાલે કહ્યું કે તેમને ખુશી છે કે પાકિસ્તાન દ્વારા પકડાયેલા વિંગ કમાન્ડર અભિનંદન ઘરે પાછા ફરશે. જો કે પાકિસ્તાનના સદભાવના સંદેશ તરીકે છોડી મૂકવાની પહેલને તેમણે ફગાવી હતી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આ છૂટકારો જીનિવા સંધિ હેઠળ થયો છે.
અભિનંદને તોડી પાડ્યું હતું પાકિસ્તાનનું એફ 16
બુધવારે ભારતીય વાયુસેના અને પાકિસ્તાની વાયુસેનાના ફાઈટર વિમાનો વચ્ચે ઝડપ દરમિયાન ભારતનું મિગ 21 વિમાન પીઓકેમાં ક્રેશ થયું હતું અને અભિનંદન પીઓકેમાં ઉતરણ કરી ગયા હતાં. જો કે તેમનું વિમાન ક્રેશ થયું તે પહેલા તેમણે પાકિસ્તાનના ફાઈટર વિમાન એફ 16ને તોડી પાડ્યું હતું. આ બાજુ તેના એક દિવસ પહેલા જ ભારતે મોટી કાર્યવાહી કરતા પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના આતંકી તાલિમ કેમ્પ પર બોમ્બ વરસાવ્યાં હતાં.