નવી દિલ્હી: દેશમાં બુલેટ ટ્રેનને લઈને ભારત અને જાપાનની સરકાર તરફથી એક ડગલું આગળ વધારવામાં આવ્યું છે. શુક્રવારે જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (જેઆઈસીએ) અને ભારત સરકાર વચ્ચે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે લોનનો પહેલો ઈન્સ્ટોલમેન્ટ જારી કરવા પર સહમતી બની ગઈ છે. એક કરાર હેઠળ જેઆઈસીએ તરપથી ભારત સરકારને મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 5,500 કરોડ રૂપિયાની લોનનો પહેલો હપ્તો આપવાનો રસ્તો સરળ બની ગયો. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ડિસેમ્બર મહિનાથી ટેન્ડર જારી કરવાનું કામ શરૂ થઈ જસે. આગામી વર્ષની શરૂઆતથી કામ પણ શરૂ થઈ જાય તેવી શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દર 6 મહિને મળી શકશે લોનનો હપ્તો
ભારત અને જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (જેઆઈસીએ) સાથે થયેલા કરાર મુજબ ભારત જરૂરિયાત મુજબ દર છ મહિને લોનનો હપ્તો લઈ શકશે. જ્યારે જેઆઈસીએ તરફથી કોલકાતા ઈસ્ટ વેસ્ટ મેટ્રો પ્રોજેક્ટ હેઠળ હાવડા મેદાનથી સોલ્ટ લેક સેક્ટર 5 સુધી મેટ્રો લાઈન બનાવવા માટે પણ 1600 કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે. 


2022 સુધીમાં દોડશે બુલેટ ટ્રેન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે દેશની સ્વતંત્રતાના 75 વર્ષ પૂરા થવા પર 15 ઓગસ્ટ 2022ના રોજ દેશના લોકોને બુલેટ ટ્રેન ભેટમાં મળી શકે. આ માટે આ પ્રોજેક્ટનું કામ ઝડપથી પૂરું કરવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું કામ ડિસેમ્બર સુધીમાં પૂરું થવાની શક્યતા છે. ત્યારબાદ બાકીના કામો માટે ટેન્ડર આપવામાં આવશે. એવા અહેવાલો છે કે ભારત સરકાર જાપાન પાસેથી 18 બુલેટ ટ્રેન ખરીદવાની તૈયારી કરી રહી છે. આ ડીલ 7000 કરોડ રૂપિયાની થઈ શકે છે. આ ડીલ હેઠળ ટેક્નોલોજી ટ્રાન્સફર પણ કરવામાં આવશે જેથી કરીને ભારતમાં બુલેટ ટ્રેન બનાવી શકાય. 


મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડશે પહેલી બુલેટ ટ્રેન
દેશની પહેલી બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડશે. તેના કોરિડોરની લંબાઈ 508 કિમી છે. કોરિડોર પર બુલેટ ટ્રેનની સ્પીડ 350 કિમી પ્રતિ કલાક હોવાની આશા છે. એટલે કે મુંબઈથી અમદાવાદ માત્ર બે કલાકમાં પહોંચી શકાશે. હાલ આ અંતર કાપવા માટે ભારતીય ટ્રેનોને 7 કલાક કે તેથી વધુ અને ફ્લાઈટમાં 1 કલાક લાગે છે. 


દેશમાં બનશે પહેલી બુલેટ ટ્રેન
ભારતીય રેલવેએ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ યોજના હેઠળ દેશમાં બુલેટ ટ્રેન એસેમ્બલિંગ યુનિટની સ્થાપના કરવાનું કામ પ ણ શરૂ કરી દીધુ છે. જાપાની ટ્રેન નિર્માતા કંપનીઓ કાવાસાકી અને હિટાચી ભારતમાં તેના કારખાનાની સ્થાપના કરી શકે છે. મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ ભારતમાં એસેમ્બલિંગ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે ટેન્ડર બહાર પડી શકે છે.