યુપી: સપા-બસપા કોંગ્રેસ સાથે નહીં કરે ગઠબંધન, વધુ સીટોની કરી હતી માગણી
સૂત્રોના હવાલે એવી માહિતી મળી રહી છે કે સપા-બસપાના ગઠબંધનમાં કોંગ્રેસ સામેલ થશે નહીં. ગઠબંધનની આ બંને પ્રમુખ પાર્ટીઓએ આ નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે કોંગ્રેસે યુપી-બસપા પાસે વધુ સીટો માંગી હતી.
લખનઉ: લોકસભા ચૂંટણી 2019માં ઉત્તર પ્રદેશની 80 બેઠકો માટે કોંગ્રેસ બાદ હવે આજે સમાજવાદી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી છે. યુપીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી તથા રાષ્ટ્રીય લોકદળ એકસાથે મળીને ચૂંટણીના મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. જો કે સપા બીજી બાજુ એમ પણ કહી રહી છે કે કોંગ્રેસ સાથે તેણે ગઠબંધન માટે ના નથી પાડી કારણ કે દરેક વખતની જેમ આ વખતે પણ પાર્ટીએ અમેઠી અને રાયબરેલી બેઠકો પર ઉમેદવારો નહીં ઉતારવાની જાહેરાત કરી છે. પરંતુ સૂત્રોના હવાલે એવી માહિતી મળી રહી છે કે સપા-બસપાના ગઠબંધનમાં કોંગ્રેસ સામેલ થશે નહીં. ગઠબંધનની આ બંને પ્રમુખ પાર્ટીઓએ આ નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે કોંગ્રેસે યુપી-બસપા પાસે વધુ સીટો માંગી હતી.
અત્રે જણાવવાનું કે યુપીમાં સપા-બસપાની સાથે અજિત સિંહની પાર્ટી રાષ્ટ્રીય લોકદળ (આરએલડી) ગઠબંધનનો ભાગ રહેશે. 5 માર્ચના રોજ આરએલડી અને સમાજવાદી પાર્ટીના નેતાઓ અખિલેશ યાદવ અને જયંત ચૌધરીએ જાહેરાત કરી હતી કે આરએલડી યુપીમાં મથુરા, બાગપત અને મુઝફ્ફરનગર બેઠકથી ચૂંટણી લડશે. જ્યારે અમેઠી અને રાયબરેલીની બેઠકો સપા-બસપા-આરએલડી છોડી દેશે અને ત્યાં સપા-બસા-આરએલડીનો કોઈ ઉમેદવાર ઊભો રહેશે નહીં.
લોકસભા ચૂંટણી: સપાએ 6 ઉમેદવારોના નામની પહેલી યાદી બહાર પાડી, મુલાયમ મૈનપુરીથી લડશે
સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે પહેલી યાદી જાહેર કરી દીધી છે જેમાં 6 ઉમેદવારોના નામ સામેલ છે. યાદીમાં જણાવ્યાં મુજબ સપાના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ મૈનપુરીથી લોકસભા ચૂંટણી લડશે. હાલ તેઓ આઝમગઢથી સાંસદ છે. 2014માં તેઓ બંને બેઠકો પરથી જીત્યા હતાં. પરંતુ ત્યારબાદ તેમણે મૈનપુરી બેઠક છોડી દીધી હતી. મુલાયમ ઉપરાંત બદાયુથી ધર્મેન્દ્ર યાદવ સપાના ઉમેદવાર હશે. અખિલેશ યાદવના નજીકના ગણાતા ધર્મેન્દ્ર યાદવ 2014ની ચૂંટણીમાં મોદી લહેર હોવા છતાં બદાયુથી જીત્યા હતાં. સપાએ ફરી એકવાર તેમને તે જ બેઠક પરથી મેદાને ઉતાર્યા છે.
એ જ રીતે ફિરોઝાબાદથી હાલના સાંસદ અક્ષય યાદવને ફરીથી મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. આ ઉપરાંત બહરાઈચથી શબ્બીર વાલ્મિકી, રોબર્ટગંજથી ભાઈલાલ કોલ અને ઈટાવાથી કમલેશ કઠેરીયાને સપાએ આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યાં છે.
કોંગ્રેસની પણ પહેલી સૂચિ જારી
આ અગાઉ ગુરુવારે કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશ અને ગુજરાતની 15 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી. જેમાં યુપીએના પ્રમુખ સોનિયા ગાંધી અને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીના નામ છે. જે આ વખતે પણ પોતાની પરંપરાગત બેઠકો ક્રમશ રાયબરેલી અને અમેઠીથી ચૂંટણી લડશે.