આચારસંહિતા લાગુ થતા જ રક્ષા મંત્રી નિર્મલા સીતારમને છોડી સ્પેશિયલ ફ્લાઈટ
રક્ષા મંત્રી નિર્મલા સીતારમને રવિવારે નવી દિલ્હી જવા માટે ખાસ વિમાનની જગ્યાએ કોમર્શિયલ ફ્લાઈટની પસંદગી કરી. કારણ કે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતા જ ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ જાય છે.
નવી દિલ્હી: રક્ષા મંત્રી નિર્મલા સીતારમને રવિવારે નવી દિલ્હી જવા માટે ખાસ વિમાનની જગ્યાએ કોમર્શિયલ ફ્લાઈટની પસંદગી કરી. કારણ કે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતા જ ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ જાય છે. સીતારમને અહીં એક કાર્યક્રમમાં ભાગ લીધો અને તે દરમિયાન તેમણે સરકારી કાર અને એસ્કોર્ટ વાહનોનો પણ ઉપયોગ ન કર્યો. તેઓ ભાજપના જ એક નેતાની કારથી એરપોર્ટ પહોંચ્યા હતાં. આ જાણકારી પાર્ટીએ આપી. મંત્રી એક ખાસ વિમાનથી રવાના થયા હતાં પરંતુ તેમના જતા પહેલા જ ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી જેના કારણએ આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ.
ભાજપે એક પ્રેસ વિજ્ઞપ્તિ જારી કરીને જણાવ્યું કે સીતારમન એક ખાનગી કંપનીના વિમાનથી રાતે 8.40 કલાકે દિલ્હી જવા રવાના થયાં. એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું કે તેમણએ અધિકારીઓને કહ્યું કે તેઓ તેમને છોડવા માટે ટર્મિનલ ન આવે. ચૂંટણી પંચ દ્વારા રવિવારે 17મી લોકસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થઈ અને આ સાથે જ દેશમાં 11 એપ્રિલથી શરૂ થનારી ચૂંટણીના પરિણામો 23 મેના રોજ જાહેર કરાશે.