Analysis: ત્રીજા તબક્કામાં આ રાજ્યોમાં ઓછા મતદાને ચિંતા વધારી, ગુજરાતની સ્થિતિ જાણીને વિશ્વાસ નહીં કરી શકો
Lok Sabha Election 2024: અડધા કરતા વધુ બેઠકો પર મતદાન પૂરું થયા બાદ હવે રાજકીય જાણકારો એ વાતની સમીક્ષા કરી રહ્યા છે કે દેશનો મૂડ શું છે? પહેલા બે તબક્કાની જેમ અત્યાર સુધીના આંકડા જોતા ત્રીજા તબક્કામાં પણ મતદાનની ટકાવારીમાં ઘટાડો જોવા મળ્યો છે.
લોકસભા ચૂંટણી 2024 માટે ત્રીજા તબક્કાનું મતદાન આજે પૂરું થયું. 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 93 બેઠકો પર મતદાનની સાથે હવે દેશમાં કુલ 283 બેઠકો માટે મતદાન પૂરું થઈ ગયું છે. જ્યારે એક સીટ સૂરતની બિનહરીફ જાહેર થઈ છે જે ભાજપને ફાળે ગઈ છે. પહેલા તબક્કામાં 102 બેઠકો માટે અને બીજા તબક્કામાં 87 બેઠકો માટે મતદાન થયું હતું. આવામાં અડધા કરતા વધુ બેઠકો પર મતદાન પૂરું થયા બાદ હવે રાજકીય જાણકારો એ વાતની સમીક્ષા કરી રહ્યા છે કે દેશનો મૂડ શું છે? પહેલા બે તબક્કાની જેમ અત્યાર સુધીના આંકડા જોતા ત્રીજા તબક્કામાં પણ મતદાનની ટકાવારીમાં ઘટાડો જોવા મળ્યો છે.
આ રાજ્યોમાં સૌથી વધુ ઘટાડો
ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રોવિઝનલ ડેટા મુજબ મતોની ટકાવારી જોઈએ તો ત્રીજા તબક્કામાં જે બેઠકો પર મતદાન થયું તેની સરેરાશ મતદાન ટકાવારી અંદાજિત 61.45 ટકા છે. સૌથી વધુ ઘટાડો દાદર અને નગર હવેલીમાં 11 ટકા જોવા મળ્યો છે. જ્યારે મહારાષ્ટ્ર અને અસમમાં પણ ટકાવારી ઘટી છે. ગુજરાતમાં હાલ મળતી માહિતી મુજબ અંદાજે 7 ટકા જેટલા મતો ઘટ્યા છે.
ત્રીજા તબક્કાના મતદાનની ટકાવારી | ||||
રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશ | સીટોની સંખ્યા | 2019 ત્રીજો ફેઝ | 2024 ત્રીજો ફેઝ (પ્રોવિઝનલ) | ફેરફાર (પ્રોવિઝનલ) |
ઓલ ઓવર ઈન્ડિયા | 93 | 66.9 | 61.45 | -5.45 |
અસમ | 4/14 | 85.2 | 75.26 | -9.94 |
બિહાર | 5/40 | 61.3 | 56.55 | -4.75 |
છત્તીસગઢ | 7/11 | 70.9 | 66.99 | -3.91 |
દાદરા નગર હવેલી & દમણ દીવ | 2 | 77.1 | 65.23 | -11.87 |
ગોવા | 2 | 75.1 | 74.27 | -0.83 |
ગુજરાત | 25/26 | 64.5 | 56.76 | -7.74 |
કર્ણાટક | 14/26 | 68.7 | 67.76 | -0.94 |
મધ્ય પ્રદેશ | 9/29 | 66.7 | 63.09 | -3.61 |
મહારાષ્ટ્ર | 11/48 | 63.9 | 54.77 | -9.13 |
ઉત્તર પ્રદેશ | 10/80 | 60 | 57.34 | -2.66 |
પશ્ચિમ બંગાળ | 4/42 | 81.7 | 73.93 | -7.77 |
યુપી, બિહાર અને કર્ણાટકમાં મતોની ટકાવારીમાં ગત તબક્કાઓ દરમિયાન થોડો સુધારો થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. પ્રોવિઝનલ ડેટા મુજબ યુપીમાં લગભગ 4 ટકા, બિહારમાં લગભગ 5 ટકા, અને કર્ણાટકમાં લગભગ 2.5 ટકા ઓછો છે જે અંતિમ ડેટા સામે આવશે ત્યારે આશા વ્યક્ત કરાઈ રહી છે કે મતોની ટકાવારી ગત ચૂંટણીની આજુબાજુ રહી શકે છે.
મતદારોમાં ઉત્સાહની કમી?
ભાજપ માટે ચિંતા બની શકે છે કારણ કે રાષ્ટ્રીય રાજકારણમાં મોદી યુગના ઉદય બાદ મતોની ટકાવારી સતત વધતી જોવા મળી હતી. 2014 અને 2019માં મતોની ટકાવારી સારી હતી. ત્રીજા તબક્કામાં જે બેઠકો માટે ચૂંટણી થઈ તેમાં 80 ટકાથી વધુ બેઠકો પર ભાજપનો કબજો હતો. જો કે મતોમાં ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને એવા રાજ્યો અને બેઠકો જ્યાં ભાજપ ગત ચૂંટણીમાં મોટા અંતરથી જીતવામાં સફળ રહ્યો હતો.
ઓછા મતદાનનું શું કારણ
પહેલા બે તબક્કામાં જ્યાં મતદાની ટકાવારી અંગે દાવા કરાયા હતા કે ભીષણ ગરમીની પણ મતદારો પર અસર પડી અને લોકો ઘરની બહાર ન નીકળ્યા. જો કે આ તબક્કાની ચૂંટણી પહેલા કેટલાક પૂર્વી રાજ્યોમાં વરસાદ પડ્યો અને હવામાન સારું હતું. પૂર્વોત્તર રાજ્યોમાં છેલ્લા 2 દિવસમાં સારો વરસાદ પડ્યો જો કે અસમમાં છતાં મતોની ટકાવારી ખુબ ઘટી. બિહારમાં પણ લોકોને હીટવેવથી રાહત મળેલી છે.
મતદાન ટકાવારીમાં ઘટાડાની શું અસર?
મતદાન ટકાવારીમાં ઘટાડા કે વધારા અંગે જાણકારોનું માનવું છે કે મતદાનમાં કઈક અંશે મતોની ટકાવારીમાં ઘટાડો કે વધારો ચૂંટણી પરિણામો પર બહુ અસર ન પાડે પરંતુ છેલ્લી 12માંથી 5 ચૂંટણીમાં મતદાન ટકાવારીમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે જ્યારે મતદાનની ટકાવારી ઘટી છે ત્યારે 4વાર સરકાર બદલાઈ ગઈ છે. જ્યારે એકવાર સત્તાધારી પક્ષની વાપસી થઈ છે. 1980માં ચૂંટણીમાં મતદાન ટકાવારી ઘટી અને જનતા પાર્ટીની સરકાર સત્તામાંથી હટી. જનતા પાર્ટીની જગ્યાએ કોંગ્રેસની સરકાર બની. જ્યારે 1989માં એકવાર ફરીથી મતોની ટકાવારી ઘટી અને કોંગ્રેસની સરકાર જતી રહી. વિશ્વનાથ પ્રતાપસિંહના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર બની. 1991માં એકવાર ફરીથી મતદાન ઘટ્યું અને કેન્દ્રમાં કોંગ્રેસની વાપસી થઈ. 1999માં મતદાન ઘટ્યું પરંતુ સત્તામાં પરિવર્તન થયું નહીં. જ્યારે એકવાર ફરીથી મતદાન 2004માં ઘટ્યું અને ફાયદો વિપક્ષી દળોને મળ્યો.
ગુજરાતમાં ધરખમ ઘટાડો
આ તબક્કાની ચૂંટણીમાં બધાની નજર ગુજરાતની 25 બેઠકો પર હતી. ગોવાની પણ બંને બેઠકો પર આજે મત પડ્યા. ગોવા અને ગુજરાત એટલા માટે પણ ચર્ચામાં હતા કારણ કે પહેલીવાર આ રાજ્યમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરીને મેદાનમાં છે. પોતાની સ્થાપના બાદથી આપ ગોવામાં સતત મતો મેળવી રહી છે. જો કે આ વખતે તેણે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું છે. આવામાં આ બંને રાજ્યોમાં મતોની ટકાવારીમાં ઘટાડો ચૂંટણી પરિણામ પર શું અસર પાડશે તે રસપ્રદ રહેશે.