Bharuch Seat: કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની આલાકમાન તરફથી લોકસભા ચૂંટણી માટે સીટ શેરિંગનો જે ફોર્મ્યૂલા તૈયાર થઈ રહ્યો છે તે બધા વચ્ચે હવે ટિકિટ માટે માથાકૂટ પણ સામે આવી રહી છે. કોંગ્રેસના દિવંગત નેતા અહમદ પટેલના પુત્ર ફૈસલ અહમદ પટેલે ભરૂચ સીટને લઈને આમ આદમી પાર્ટીને ચેતવણી સુદ્ધા આપી દીધી છે. ફૈસલે કહ્યું કે જો ભરૂચ સીટ આમ આદમી પાર્ટીને અપાઈ તો કોંગ્રેસના કાર્યકરો અને તેમનો પરિવાર તેનો વિરોધ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નહીં કરીએ સમર્થન- ફૈસલ પટેલ
અસલમાં તેમણે કહ્યું કે ભરૂચ સીટ કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને અહીંથી હંમેશાથી પાર્ટીનો જ ઉમેદવાર ચૂંટણી જીતતો રહ્યો છે. જો આ સીટ આપને આપવામાં આવી તો કોંગ્રેસના કાર્યકરો અને મારા પરિવારનો તેની સામે આકરો વિરોધ રહેશે. અત્રે જણાવવાનું કે ભરૂચ સીટથી અહમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ પણ પોતાની દાવેદારી કરી રહ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીની પણ તેના પર નજર છે. 



'કોંગ્રેસ માટે જીતવું સરળ'
ફૈસલ અહમદ પટેલે કહ્યું કે, કોંગ્રેસ એક લોકતાંત્રિક પાર્ટી છે. ઈન્ડિયા બ્લોક આપણા દેશ માટે મહત્વપૂર્ણ છે. જો કોંગ્રેસને ઉમેદવારી મળે તો તેનાથી કોંગ્રેસ અને ઈન્ડિયા બ્લોકને જ ફાયદો  થશે. કોંગ્રેસ માટે ભરૂચ જિલ્લો જીતવો ખુબ સરળ હશે. AAP ની તાકાત ફક્ત એક વિધાનસભા બેઠક પર છે. 2022માં AAP નો ગ્રાફ પડ્યો છે. મારું માનવું છે કે ભરૂચ સીટ કોંગ્રેસને મળવી જોઈએ. નહીં તો હું આ ગઠબંધનનું સમર્થન કરીશ નહીં. 



કોંગ્રેસને AAP દાવેદાર મંજૂર નથી?
વાત જાણે એમ છે કે ગુજરાતમાં ભરૂચ સીટ પર લડાઈ તેજ થઈ છે. આ સીટ પરથી આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. AAP એ આ સીટથી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ચૂંટણી લડાવવાની જાહેરાત કરી છે. જો કે સ્થાનિક કોંગ્રેસી નેતાઓને આ પ્રસ્તાવ મંજૂર નથી એવું લાગે છે. 


હાલ જો કે હજુ બંને પાર્ટીના સત્તાવાર નિવેદન આવવા બાકી છે. આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે કહ્યું હતું કે ગઠબંધન પર વાતચીતમાં વિલંબ થઈ  રહ્યો છે. તેમણે આગામી એક કે બે દિવસમાં તાજા ઘટનાક્રમનો પણ સંકેત આપ્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે જલદી સીટ શેરિંગને લઈને બધુ થાળે પડી જશે.