ભાજપની એ રણનીતિ...જેના લીધે અત્યાર સુધીમાં 100 જેટલા સાંસદોના કપાયા છે પત્તા, હજુ ઉમેરો થશે
એવું માનવામાં આવી રહ્યું છે કે કોને ટિકિટ આપવી અને કાપવી તે માટે ત્રણ પોઈન્ટની રણનીતિ છે. આ અગાઉ 2019માં પણ ભાજપની એ રણનીતિ જોવા મળી હતી અને 99 સાંસદોને ફરીથી તક મળી નહતી. પરંતુ આ વખતે એવું લાગે છે કે આવા સાંસદોની સંખ્યા વધી શકે છે.
લોકસભા ચૂંટણી ઢૂંકડી છે અને ભાજપે અત્યાર સુધીમાં 405 ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે. આમ જોઈએ તો ભાજપે 90 ટકા જેટલા ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે નજરે ચડે છે કે આમાંથી લગભગ 100 જેટલા સાંસદોના પત્તા કપાઈ ચૂક્યા છે. આ અગાઉ 2019માં પણ ભાજપની એ રણનીતિ જોવા મળી હતી અને 99 સાંસદોને ફરીથી તક મળી નહતી. પરંતુ આ વખતે એવું લાગે છે કે આવા સાંસદોની સંખ્યા વધી શકે છે. યાદી જોઈએ તો અત્યાર સુધીમાં વરુણ ગાંધી, વી કે સિંહ, અનંતકુમાર હેગડે, મીનાક્ષી લેખી, સદાનંદ ગૌડા, સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, રમેશ બીધૂડી, હર્ષવર્ધન, ગૌતમ ગંભીર સહિત અનેક દિગ્ગજોના નામ કપાઈ ચૂક્યા છે.
આ સાંસદોના પણ કપાઈ શકે પત્તા
એવું માનવામાં આવી રહ્યું છે કે કોને ટિકિટ આપવી અને કાપવી તે માટે ત્રણ પોઈન્ટની રણનીતિ છે જે હેઠળ ઉમેદવાર નહીં પરંતુ પીએમ મોદી, તેમની યોજનાઓ અને ભાજપના ચૂંટણી ચિન્હ કમળ પર ફોકસ કરવાનું છે. અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ પોતે ભાજપના કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે આપણા ઉમેદવાર ફક્ત કમળ છે. તમામ કાર્યકરોએ મળીને કમળને જીતાડવા માટે કામ કરવાનું છે. જેનાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે ભાજપનું નેતૃત્વ આ વખતે કોઈને પણ બદલી શકે છે અને કોઈને પણ ગમે ત્યાંથી ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે. એવી પણ ચર્ચાઓ છે કે અલાહાબાદથી રીતા બહુગુણા જોશીને તક મળી શકે તેમ નથી. આ ઉપરાંત કૈસરગંજ લોકસભા સીટથી બૃજભૂષણ શરણ સિંહને પણ હટાવવામાં આવી શકે છે.
નવા ચહેરા બન્યા ઉમેદવાર
આ રણનીતિ હેઠળ ભાજપે જ્યાં એક બાજુ બંગાળના સંદેશખાલીની પીડિતાને ઉમેદવાર બનાવી છે તો બીજી બાજુ મેરઠથી રામાયણના રામ એટલેકે અરુણ ગોવિલ અને હિમાચલ પ્રદેશના મંડીથી બોલીવુડ અભિનેત્રી ચૂંટણીના મેદાનમાં છે. એક સમયે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી તરીકે ડંકો વગાડનારા શિવરાજ ચૌહાણ પણ આ વખતે વિદિશાથી લોકસભા લડી રહ્યા છે. હરિયાણામાં પૂર્વ મંત્રી મનોહરલાલ ખટ્ટર પણ કરનાલ સીટથી મેદાને છે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે પાર્ટી એન્ટી ઈન્કમ્બરન્સીથી બચવા માટે ઉમેદવાર બદલવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કેમ્પેઈનનું સંપૂર્ણ ફોકસ પીએમ મોદી, તેમની સરકાર દ્વારા બનાવવામાં આવેલી યોજનાઓ અને કમળ ચિન્હ પર છે.
પક્ષપલટુઓને તક!
આ ઉપરાંત ભાજપ અનેક એવા રાજ્યો જ્યાં પડકારભરી સ્થિતિ છે ત્યાં મંત્રીઓને મેદાનમાં ઉતારી રહી છે જે અત્યાર સુધી રાજ્યસભાના સભ્યો હતા. જેમ કે રાજીવ ચંદ્રશેખર, ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ. મોટા નેતાઓના લોકસભા લડવાથી એકબાજુ જ્યાં પાર્ટીનો માહોલ બનશે તો બીજી બાજુ કપરી બેઠકો પર જીતની શક્યતા પણ રહેશે. એક રણનીતિ એ પણ છે કે જ્યાં સંભાવના થોડી નબળી છે ત્યાં બીજા પક્ષોના નેતાઓને ઉતારવામાં આવે. જેમ કે નવીન જિંદાલ, અશોક તંવર, જિતિન પ્રસાદ વગેરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube