Lok Sabha Election 2024: યુસુફ પઠાણ બંગાળથી જીતીને ગુજરાતમાં 35 વર્ષ જૂનો રેકોર્ડ તોડવામાં સફળ થશે?
Yusuf Pathan: રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે શું મમતા બેનર્જીના નેતૃત્વવાળી ટીએમસીએ ગુજરાતના મુસ્લિમોને એક લિડરશીપ આપવાની કોશિશ કરી છે. જો યુસુફ પઠાણ જીતશે તો 35 વર્ષ જૂનો રેકોર્ડ તૂટશે.
તૃણમૂલ કોંગ્રેસે ગુજરાતના ક્રિકેટર યુસુફ પઠાણને પશ્ચિમ બંગાળમાં લોકસભાની ટિકિટ આપીને બધાને ચોંકાવી દીધા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે શું મમતા બેનર્જીના નેતૃત્વવાળી ટીએમસીએ ગુજરાતના મુસ્લિમોને એક લિડરશીપ આપવાની કોશિશ કરી છે. જો યુસુફ પઠાણ જીતશે તો 35 વર્ષ જૂનો રેકોર્ડ તૂટશે.
તૃણમૂલ કોંગ્રેસ તરફથી ગુજરાતના ક્રિકેટર યુસુફ પઠાણને બહરામપુરથી ટિકિટ આપ્યાનો મુદ્દો ગુજરાતમાં પણ ગરમાયો છે. ચૂંટણી દંગલમાં પઠાણ જીતે છે કે નહીં પરંતુ તેમની હાર કે જીત બંનેમાં ટીએમસીને તો ફાયદો જ દેખાઈ રહ્યો છે. જો યુસુફ પઠાણ બહરામપુરથી લોકસભા ચૂંટણી જીતીને લોકસભા પહોંચે તો 35 વર્ષ બાદ એવું બનશે જ્યારે કોઈ ગુજરાતમાં રહેતો મુસ્લિમ લોકસભા પહોંચશે. 1984માં ગુજરાતથી છેલ્લે કોંગ્રેસના નેતા અહેમદ પટેલ મુસ્લિમ તરીકે ચૂંટણી જીત્યા હતા અને 1989 સુધી સાંસદ રહ્યા હતા. ત્યારબાદ ગુજરાતથી કોઈ પણ મુસ્લિમ નેતા લોકસભા પહોંચ્યા નથી. ગુજરાતના પહેલા મુસ્લિમ સાંસદ તરીકે જોહરા ચાવડાનું નામ નોંધાયેલું છે. તેઓ બનાસકાંઠાથી 1962માં ચૂંટાઈ આવ્યા હતા. જો યુસુફ પઠાણ બહરામપુરમાં કોંગ્રેસનો કિલ્લો ભેદશે તો તેઓ આ દુકાળ ખતમ કરશે. એટલું જ નહીં પશ્ચિમ બંગાળમાં પણ પહેલીવાર બહરામપુર સીટ પર તૃણમૂલનો કબજો થઈ શકશે. કારણ કે અત્યાર સુધી આ સીટ કોંગ્રેસના કબજામાં રહી છે.
મુસ્લિમો પાસે કોઈ નેતા નહીં
ક્રિકેટ બાદ કોમેન્ટ્રીની દુનિયામાં સક્રીય યુસુફ પઠાણે ટિકિટની જાહેરાત થયા બાદ ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી સાથે વિક્ટ્રી સાઈન સાથે ફોટો પડાવ્યો. ગુજરાતથી 1977માં સૌથી વધુ 3 મુસ્લિમો સંસદ પહોંચ્યા હતા. ગુજરાતમાં મુસ્લિમ મતદારોની સૌથી વધુ સંખ્યા ભરૂચ લોકસભા બેઠક પર છે. સ્થાનિક કોંગ્રેસી નેતાઓ તરફથી અહેમદ પટેલની આ સીટ પરથી તેમની પુત્રીને ટિકિટ આપવાની માંગણી થઈ રહી હતી. પરંતુ જ્યારે ઈન્ડિયા ગઠબંધનની આ સીટ આમ આદમી પાર્ટીના ફાળે ગઈ તો અહેમદ પટેલના પુત્રી મુમતાઝ અને પુત્ર ફૈસલે નારાજ હોવાની વાતો પણ સામે આવી. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ભરૂચ પહોંચી તો મુમતાઝ પટેલ કે ફૈસલ પટેલ કોઈ ત્યાં પહોંચ્યું નહીં. જો કે યાત્રા ભરૂચથી પસાર થયા બાદ મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કેટલીક પોસ્ટ ચોક્કસ કરી અને તેમાં રાહુલ ગાંધીના ભાષણના વખાણ પણ કર્યા. એવું માનવામાં આવી રહ્યું છે કે અહેમદ પટેલના પરિવારમાં હજુ પણ નારાજગી યથાવત છે.
મુમતાઝ માટે કરી હતી ટિકિટની માંગણી
ભરૂચની સીટ આમ આદમી પાર્ટીને ગયા બાદ અહેમદ પટેલના સમર્થકો તરફથી મુમતાઝ પટેલને પશ્ચિમ બંગાળ અને યુપીની મુસ્લિમ બહુમતીવાળી બેઠકો પરથી ઉતારવાની માંગણી સામે આવી છે પરંતુ તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતથી મુસ્લિમ ચહેરા તરીકે યુસુફ પઠાણને પસંદ કર્યો. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી અને પાર્ટીના મહાસચિવ અભિષેક બેનર્જીએ એક મોટો સંદેશ આપવાની કોશિશ કરી છે. પાર્ટીએ એ દર્શાવવાની કોશિશ કરી છે કે જો યુસુફ પઠાણ ચૂંટણીના દંગલમાં જીત મેળવશે તો તેની અસર ગુજરાત સુધી જોવા મળશે. ગુજરાતની 182 સભ્યોવાળી વિધાનસભામાં ઈમરાન ખેડાવાલા જ એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય છે. તેઓ અમદાવાદની જમાલપુર વિધાનસભા બેઠકથી કોંગ્રેસની ટિકિટ પર જીતેલા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube