લોકસભા ચૂંટણીના કાઉન્ટિંગના બરાબર એક દિવસ પહેલા સોમવારે ઈલેક્શન કમિશને દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવકુમારે સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ, વોટિંગનો રેકોર્ડ, લોકતંત્રની તાકાત, ચૂંટણી બાદ થનારી હિંસા અને આદર્શ આચાર સંહિતા લાગૂ સહિત અનેક મુદ્દાઓ પર ખુલીને વાત કરી. આ દરમિયાન રાજીવકુમારને સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા તે અંગે પણ સવાલ પૂછવામાં આવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું કહ્યું સુરત બેઠક વિશે?
પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે સુરતમાં ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવવા બદલ સવાલ પૂછવામાં આવ્યો તો મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે કહ્યું કે અમારી કોશિશ એ રહી કે દરેક સીટ પર ચૂંટણી થવી જોઈએ. એટલે કે દરેક સીટ માટે મતદાન થવું જોઈએ. ચૂંટણી લ ડીને જીતવામાં જે પ્રતિષ્ઠા છે તે બિનહરીફ ચૂંટાઈ આવવામાં નથી. જો નામાંકન પ્રક્રિયા ખતમ થયા બાદ ઉમેદવાર પોતે પોતાનું નામ પાછું ખેંચે તો અમે શું કરી શકીએ. જ્યાં એક જ ઉમેદવાર હોય તો ત્યાં મતદાન કરાવવું યોગ્ય ન રહે. અમારી એન્ટ્રી ત્યારે થાત જ્યારે કોઈ ઉમેદવાર પર દબાણ સર્જીને કે કોઈ અન્ય રીતે નામ પાછું ખેંચવા માટે મજબૂર કરવામાં આવ્યો હોય. 


સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ
અત્રે જણાવવાનું કે ગુજરાતની સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ચૂંટણી થતા પહેલા જ જીતી ગયા. કારણ કે તેમના વિરુદ્ધ કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું અને બાકી અપક્ષ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેંચ્યુ હતું. ત્યારબાદ તેમને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. આ મામલાની ચર્ચા સમગ્ર દેશમાં થઈ. કોંગ્રેસે તેના પર સવાલ પણ ઉઠાવ્યા હતા અને ભાજપ પર લોકતંત્રની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. 


પહેલીવાર આ રીતે પ્રેસ કોન્ફરન્સ
ભારતીય રાજકારણના ઈતિહાસમાં પહેલીવાર ચૂંટણી પંચે મતદાન પ્રક્રિયા પૂરી થયા બાદ અને પરિણામ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી. 1951-52માં પહેલીવાર થયેલી લોકસભા ચૂંટણીથી લઈને અત્યાર સુધી ક્યારેય મતગણતરી પહેલા ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરી નહતી. આ અગાઉ ચૂંટણી પંચે 16 માર્ચના રોજ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ત્યારે લોકસભા અને 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોની તારીખોની જાહેરાત કરી હતી.