મધ્ય પ્રદેશની સૌથી હોટ લોકસભા સીટ છે જે કોંગ્રેસનો ગઢ છે પરંતુ ભાજપ માટે અત્યાર સુધી એક કોયડો બની બેઠી છે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસનો આ છેલ્લો એવો કિલ્લો છે જે હજુ સુધી સુરક્ષિત છે જેમાં ગાબડા પાડવા માટે ભાજપના ભરચક પ્રયાસ છે. આ વખતની લોકસભા ચૂંટણીમાં શું ભાજપના આ ગૂંચવાયેલા કોકડાનો ઉકેલ આવશે ખરો? ચાલો જાણી આ બેઠક વિશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્ય પ્રદેશની હોટ સીટ
અહીં અમે જે હોટ સીટની વાત કરીએ છીએ તે છે મધ્ય પ્રદેશની છિંદવાડા બેઠક. કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથનો તે ગઢ ગણાય છે. કોંગ્રેસના વર્તમાન સાંસદ નકુલનાથ જે કમલનાથના પુત્ર છે તેઓ આ બેઠકથી ચૂંટણીના મેદાનમાં છે. જ્યારે ભાજપે જિલ્લા અધ્યક્ષ વિવેક બંટી સાહૂને મેદાનમાં ઉતાર્યા છે. વિવેક બંટી સાહૂને પૂર્વ મુખ્યમંત્રીએ 2019ની પેટાચૂંટણી અને 2023ની વિધાનસભા ચૂંટણી એમ બે વાર હરાવ્યા છે. જ્યારે 17 ફેબ્રુઆરીના રોજ કમલનાથ તેમના પુત્ર સાથે દિલ્હી પહોંચ્યા તો એવી અટકળો હતી કે પિતા પુત્ર ભાજપમાં જોડાઈ શકે છે. જો કે એક અઠવાડિયા બાદ કમલનાથે દાવો કર્યો કે તેમણે ભાજપમાં જોડાવવા અંગે કશું કહ્યું નથી. કમનલાથે કહ્યું કે આખુ પ્રકરણ મીડિયા અને ભાજપ દ્વારા ઉછાળવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે શું કોંગ્રેસ છોડવાની વાત તમે ક્યારેય મારા મોઢે સાંભળી હતી. અમે ક્યારેય કોઈ સંકેત આપ્યો નથી. ભાજપના લોકો અફવા ફેલાવી રહ્યા છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે અમારા બંનેમાંથી કોઈ પણ ભાજપમાં જોડાવવાના નથી. 


કોંગ્રેસનો ગઢ
છિંદવાડા સાથે કમલનાથનું જોડાણ 1980થી છે જ્યારે તેમને પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ એક જાહેર કાર્યક્રમમાં પોતાના ત્રીજા પુત્ર તરીકે રજૂ કર્યા હતા. છિંદવાડાથી નવ વખત ચૂંટાઈ આવ્યા બાદ,  કમલનાથની આ વિસ્તાર પર મજબૂત પકડ છે, તેમના પરિવારના સભ્યોએ પણ આ મતવિસ્તારની સેવા કરી છે. ભાજપની ક્યારેક  ક્યારેક જીત છતાં છિંદવાડા છેલ્લા અનેક વર્ષોથી મુખ્યત્વે કોંગ્રેસનો ગઢ બનેલું છે. 


ભાજપ માટે કોયડો
બીજી બાજુ ભાજપ માટે આ બેઠક કબજે કરવી એ જાણે સપનું બનેલું છે કારણ કે અનેક પ્રયાસો છતાં આ બેઠક કબજે કરવામાં સફળતા મળી નથી. હાલમાં થયેલી વિધાનસભા ચૂંટણી જોઈએ તો પણ અહીંની તમામ બેઠકો કોંગ્રેસને મળી  હતી. હાઈ પ્રોફાઈલ અભિયાનો અને નેતૃત્વ અસાઈનમેન્ટ છતાં ભાજપને આ મતવિસ્તારમાં સફળતા માટે સંઘર્ષ કરવો પડ્યો છે. રાજ્ય કોંગ્રેસ નેતૃત્વ છિંદવાડાને જાળવી રાખવા માટે આશવાદી છે અને તેના રણનીતિક મહત્વ પર ભાર મૂકી રહ્યું છે. 2019માં જ્યારે કમલનાથ મુખ્યમંત્રી હતા ત્યારે તેમના પુત્ર નકુલનાથને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. ત્યારે બાકીની 28 બેઠકો ભાજપે જીતી હતી ત્યારે આ એકમાત્ર બેઠક હતી જે કોંગ્રેસને નકુલનાથે અપાવી હતી. તેમણે 37,536 મતના અંતરથી જીત મેળવી હતી. હાલ પાર્ટીએ છિંદવાડાની કમાન મંત્રી કૈલાશ વિજયવર્ગીયને સોંપેલી છે. 


ભાજપના એક માત્ર નેતાને મળી હતી સફળતા
ભાજપને નેતા સુંદર લાલ પટવા એકમાત્ર એવા નેતા છે જેમને છિંદવાડામાં જીત મળી હતી. 1997માં તેઓ છિંદવાડાની પેટાચૂંટણીમાં પહેલીવાર સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા જો કે ત્યારબાદ 1998માં તેઓ ચૂંટણી હારી ગયા હતા અને જે કમલનાથને તેમણે હરાવ્યા હતા તે જ કોંગ્રેસના કમલનાથે તેમને હરાવીને સીટ કબજે કરી હતી. 


જેમ જેમ હવે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ બધાની નજર આ બેઠક પર ટકેલી છે. કોંગ્રેસ માટે અસ્તિત્વને જાળવવાનો પડકાર કારણ કે આ એકમાત્ર બેઠક કોઈ પણ સંજોગોમાં હાથમાંથી ન સરકે તે જોવાનું છે ત્યારે ભાજપ માટે કોયડો  બનેલી આ બેઠકને કબજે કેવી રીતે કરવી તે મોટો પડકાર છે. ચૂંટણીના પરિણામ જ બતાવશે કે જનતા આ વખતે કોના માથે તાજ પહેરાવવાનું નક્કી કરી બેઠી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube