Lok Sabha Election 2024 Date Schedule: ચૂંટણી પંચે આજે દેશમાં લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેતા આતુરતાનો હવે અંત આવ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે જણાવ્યું કે દેશમાં લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થશે. જ્યારે મતગણતરી 4 જૂનના રોજ થશે. તેમણે કહ્યું કે ચૂંટણી માટે અમારી ટીમ સંપૂર્ણ રીતે તૈયાર છે. ચૂંટણીમાં 97 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. 10.5 લાખ પોલીંગ સ્ટેશન હશે જ્યારે 55 લાખ ઈવીએમનો ઉપયોગ થશે. ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાની સાથે જ હવે દેશમાં આચારસંહિતા પણ લાગૂ થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી કાર્યક્રમ
વર્તમાન લોકસભા કાર્યકાળ 16 જૂનના રોજ પૂરો થઈ રહ્યો છે અને નવી લોકસભાની રચના તે પહેલા થવાની છે. બીજી બાજુ આંધ્ર પ્રદેશ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને ઓડિશામાં પણ વિધાનસભાઓનો કાર્યકાળ જૂનમાં અલગ અલગ તારીખો પર પૂરો થઈ રહ્યો છે. ત્યારે દેશમાં 7 તબક્કામાં ચૂંટણી થશે. જેમાં  પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે યોજાશે અને મતગણતરી 4 જૂનના રોજ થશે. દેશભરમાં 543 લોકસભા સીટો પર સાત તબક્કામાં મતદાન થશે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો 4 જૂન 2024ના રોજ જાહેર કરવામાં આવશે. ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. મતદાન આ રીતે સાત તબક્કામાં થશે. 


19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન
26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન
7 મે ત્રીજા તબક્કાનું મતદાન
13 મે ચોથા તબક્કાનું મતદાન
20  મે પાંચમ તબક્કાનું મતદાન
15  મે છઠ્ઠા તબક્કાનું મતદાન
1 જૂને સાતમા તબક્કાનું મતદાન


ચૂંટણી માટે ચાર પડકાર
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે ચૂંટણી કરાવવામાં અમારી સામે 4 મોટા પડકાર છે. તેમણે કહ્યું કે બાહુબળ, ધનબળ, ખોટી સૂચના, અને મોડલ કોડ ઓફ કન્ડક્ટનો ભંગ મોટા પડકાર છે. જેને કડકાઈથી પહોંચી વળવામાં આવશે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 3400 કરોડની કેશ પકડાઈ હતી. કેટલાક રાજ્યોમાં ધનબળનો પ્રયોગ વધુ થઈ રહ્યો છે. આ સાથે જ ડિજિટલ પેમેન્ટ ઉપર પણ નજર રાખવામાં આવશે. ચૂંટણીમાં હિંસાને કોઈ અવકાશ નથી. 


ઉમેદવાર લાલચ આપે તો કરી શકો છો ફરિયાદ
ચૂંટણીની તારીખોની જાહેરાત કરતા પહેલા મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે જનતા ચૂંટણીને લઈને પોતાની ફરિયાદ પણ કરી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે જનતાએ બસ Cvigil એપ પર જઈને ફોટો ખેંચીને અપલોડ કરવાનો છે. ત્યારબાદ અમે 100 મિનિટની અંદર તમારી સમસ્યાનું સમાધાન કરી દઈશું. 


વિધાનસભા ચૂંટણીની પણ જાહેરાત
ચૂંટણી પંચે આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરી છે. બિહાર, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર, ત્રિપુરા સહિત વિવિધ રાજ્યોની 26 વિધાનસભા બેઠકો માટે પણ પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. CECએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર (કેન્દ્ર શાસિત પ્રદેશ)માં પણ ચૂંટણી થવાની છે. જોકે, પંચે J&Kમાં ચૂંટણીની જાહેરાત કરી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube