Lok Sabha Election 2024: માત્ર સ્મૃતિ ઈરાની જ નહીં, મોદી સરકારના ચાર મંત્રીઓ ચૂંટણી હારી ગયા, જુઓ લિસ્ટ
લોકસભા ચૂંટણી 2024માં પીએમ મોદીની કેબિનેટમાં સામેલ ચાર મંત્રીઓએ હારનો સામનો કરવો પડ્યો છે. બે મંત્રી યુપીથી, એક બિહારથી અને એક ઝારખંડથી ચૂંટણી લડી રહ્યાં હતા.
Loksabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024માં ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં એનડીએ ગઠબંધને સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે અને નરેન્દ્ર મોદી ત્રીજીવાર પ્રધાનમંત્રી બનવા માટે તૈયાર છે. પરંતુ ભાજપ અને એનડીએના ગઠબંધનનું પ્રદર્શન આશા પ્રમાણે રહ્યું નથી. 400 પારનો ટાર્ગેટ રાખનાર ગઠબંધન 300 સીટ પણ મેળવી શક્યું નથી. પીએમ મોદીની કેબિનેટમાં સામેલ ચાર મંત્રી ચૂંટણી હારી ગયા છે.
ઉત્તર પ્રદેશમાં અમેઠીથી સ્મૃતિ ઈરાની અને ચંદૌલીથી ડો. મહેન્દ્ર નાથ પાંડે, બિહારના આરાથી રાજકુમાર સિંહ અને ઝારખંડમાં ખૂંટીથી અર્જુન મુંડાએ હારનો સામનો કરવો પડ્યો છે. માત્ર ઉત્તર પ્રદેશમાં મોદી સરકારના 7 મંત્રીઓની હાર થઈ છે. ભાજપ હવે ગઠબંધન સરકાર બનાવવા માટે ફાંફા મારી રહ્યું છે.
કિશોરી લાલે સ્મૃતિને હરાવ્યા
2019માં રાહુલ ગાંધીને હરાવીને સાંસદ બનેલી સ્મૃતિ ઈરાની કેન્દ્રીય મંત્રી પણ રહી હતી, પરંતુ 2024માં હારનો સામનો કરવો પડ્યો હતો. સ્મૃતિને કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલે 167196 મતોથી હરાવ્યા હતા. કિશોરી લાલને 539228 મત મળ્યા. જ્યારે સ્મૃતિ ઈરાનીને માત્ર 372032 વોટ મળ્યા હતા. કિશોરી લાલને 54.99 ટકા મત મળ્યા અને સાંસદ તરીકે ચૂંટાયા. જ્યારે સ્મૃતિ ઈરાનીને માત્ર 37.94 ટકા વોટ મળ્યા હતા. બહુજન સમાજ પાર્ટીના નન્હે સિંહ ચૌહાણ 3.52 ટકા મત મેળવીને ત્રીજા સ્થાને છે.
આ પણ વાંચોઃ 7 રાજ્યોમાં ભાજપનું ખાતું નથી ખૂલ્યું, 4 કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ શૂન્ય, જુઓ લિસ્ટ
ડૉ.મહેન્દ્ર નાથ બિરેન્દ્ર સિંહ સામે હારી ગયા
ઉત્તર પ્રદેશની ચંદૌલી લોકસભા બેઠક પર બિરેન્દ્ર સિંહે ડૉ. મહેન્દ્ર નાથ પાંડેને 21565 મતોથી હરાવ્યા. ડૉ.મહેન્દ્ર નાથને 452911 વોટ મળ્યા, જ્યારે બિરેન્દ્ર સિંહને 474476 વોટ મળ્યા. બિરેન્દ્રને 42.5 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ડૉ. મહેન્દ્રનો વોટ શેર 40.57 ટકા હતો. BSPના ઉમેદવાર સત્યેન્દ્ર કુમાર મૌર્યને 159903 મત મળ્યા. તેમનો વોટ શેર 14.32 ટકા હતો.
રાજકુમાર સિંહ પણ હારી ગયા
કમ્યુનિસ્ટ પાર્ટીના સુદામા પ્રસાદે બિહારની અરાહ લોકસભા સીટ પરથી કેન્દ્રીય મંત્રી રાજ કુમાર સિંહને હરાવ્યા હતા. રાજ કુમાર સિંહને 457663 વોટ મળ્યા અને તેમનો વોટ શેર 42.76 ટકા હતો. જ્યારે કોમ્યુનિસ્ટ પાર્ટીના સુદામા પ્રસાદને 517195 વોટ મળ્યા અને તેમનો વોટ શેર 48.32 ટકા હતો. સુદામા 59519 મતોની સરસાઈથી જીત્યા.
આ પણ વાંચોઃ આ બંધારણ બચાવવાની લડાઈ હતી, ચૂંટણી પરિણામ બાદ રાહુલ ગાંધીની પ્રથમ પ્રતિક્રિયા
અર્જુન મુંડા પણ ખુંટીમાંથી હારી ગયા
ભાજપના નેતા અર્જુન મુંડાને પણ ઝારખંડની ખુંટી લોકસભા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમને કોંગ્રેસના કાલી ચરણ મુંડાએ 149675 મતોથી હરાવ્યા હતા. કાલી ચરણને 54.62 ટકા વોટ શેર સાથે કુલ 511647 વોટ મળ્યા. જ્યારે, અર્જુન મુંડા 38.64 ટકા વોટ શેર સાથે માત્ર 361972 વોટ મેળવી શક્યા.