ભાજપના રાજકોટ સીટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા તેમના એક નિવેદનના પગલે ક્ષત્રિયોના રોષનો ભોગ બની રહ્યા છે. ક્ષત્રિયોની માંગણી છે કે તેમની ટિકિટ કાપવામાં આવે. પરંતુ ભાજપ ટસથી મસ થવાના મૂડમાં દેખાતો નથી. હવે આ બધામાં કોંગ્રેસ આ બેઠકથી પોતાના મજબૂત નેતાને ઉતારીને મોટો દાવ રમવાની તૈયારીમાં છે. ગુજરાત ભાજપનો મજબૂત ગઢ ગણાય છે. દેશમાં ગુજરાત મોડલની ચર્ચા જોરશોરથી થતી હોય છે. આવામાં આ વિવાદ ભાજપને કેટલો નડ્યો તે તો ચૂંટણીના પરિણામ જ જણાવશે પરંતુ અત્યારે તો કોંગ્રેસ ભાજપના ગઢમાં ગાબડું પાડવાની તૈયારી કરી રહી છે. જેના પગલે રાજકોટ બેઠક પર ભાજપના પરશોત્તમ રૂપાલાની સામે પરેશ ધાનાણીને લડાવવાની તૈયારીઓ થઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિવાદ છતાં રાજકોટથી ભાજપ જે રીતે પરશોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાના મૂડમાં નથી તેને જોતા હવે કોંગ્રેસ પણ મક્કમ મને તેમની સામે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવા માટે મન બનાવી ચૂકી છે. કોંગ્રેસ આ રીતે આ બેઠકથી જીતનું સપનું કેમ સેવી રહી છે તે પણ સમજવા જેવું છે. આ માટે પરેશ ધાનાણીની રાજકીય કારકિર્દીના કેટલાક ભૂતકાળના પાસા ફેરવવા જરૂરી છે. હાલ જે પ્રમાણેની સ્થિતિ છે તે મુજબ પરેશ ધાનાણી કોંગ્રેસને યોગ્ય જણાઈ રહ્યા છે એટલું જ નહીં તેમની પાસે ત્રણ દિગ્ગજ ભાજપ નેતાઓને હરાવવાનો અનુભવ પણ છે. આજ સીટથી પીએમ મોદીએ પણ પોતાની ચૂંટણી કારકિર્દી શરૂ કરી હતી અને હવે કોંગ્રેસ પણ શુભ પરિણામ મળવાનું સપનું સેવી બેઠી છે. ગુજરાતમાં ઉમેદવારી નોંધાવવા માટેની પ્રક્રિયા 12 એપ્રિલથી શરૂ થશે. 


પરેશ ધાનાણીએ ભાજપના કયા નેતાઓને હરાવ્યા
હજુ અધિકૃત રીતે કોઈ જાહેરાત થઈ નથી પરંતુ જે રીતે ક્ષત્રિય વિવાદ વકરી રહ્યો છે અને ભાજપ પણ પરશોત્તમ રૂપાલાને નહીં હટાવવાનું મન કરી બેઠો છે તે જોતા હવે રાજકોટ સીટથી રૂપાલા સામે પરેશ ધાનાણી ચૂંટણી લડશે તેવું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. તેનું એક કારણ એ પણ છે કે રૂપાલાની જેમ જ અમરેલીના ધાનાણી પણ મજબૂત પાટીદાર નેતા છે. તેઓ લેઉઆ પટેલ છે. રાજકોટમાં લેઉઆ પટેલોની સંખ્યા વધુ છે. એ રીતે જોતા ધાનાણીને આ પણ એક ફાયદો છે. જ્યારે બીજી બાજુ અગાઉ તેઓ રૂપાલાને હરાવી પણ ચૂક્યા છે. 2002માં અમરેલી વિધાનસભા ચૂંટણીમાં તેમણે પરશોત્તમ રૂપાલાને હારનો સામનો કરાવ્યો હતો. ત્યારબાદ હવે ફરીથી તેઓ રૂપાલા સામે ચૂંટણી લડે તેવી શક્યતા છે. રૂપાલા ઉપરાંત ભાજપના વધુ એક કદાવર નેતા દિલીપ સંઘાણીને પણ તેઓ હરાવી ચૂક્યા છે. 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે હરાવ્યા હતા. આ ઉપરાંત 2017ની વિધાનસભા ચૂંટણીમાં અમરેલી બેઠક પરથી જ તેમણે બાવકુ ઉઘાડને હરાવ્યા હતા. જો કે 2022માં આ બેઠકથી પરેશ ધાનાણી ચૂંટણી હાર્યા હતા અને તેમને ભાજપના કૌશિક વેકરિયાએ હારનો સામનો કરાવ્યો હતો. 


પરંતુ આમ છતાં કોંગ્રેસને આશા છે કે જે રીતની પરિસ્થિતિ છે અને ભાજપના કદાવર નેતા પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોની નારાજગી છે તે જોતા પરેશ ધાનાણી જો  રાજકોટ સીટથી ચૂંટણી લડે તો ભાજપને મજબૂત ટક્કર મળી શકે છે. 


Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો


https://chat.whatsapp.com/HTqpPcp1wdi4exMGDxoX6Q


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube