લોકસભા ચૂંટણી 2024ના 4 જૂન મંગળવારે પરિણામ આવી ગયા અને તે ચોંકાવનારા રહ્યા કારણ કે 400 પારના નારા સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરેલા એનડીએએ 292 સીટો પર સમેટાઈ જવું પડ્યું અને તેમાં સૌથી વધુ જો નુકસાન થયું હોય તો તે ભાજપને થયું કારણ કે આ વખતે ભાજપ જે અત્યાર સુધી પોતાના દમ પર બહુમત લઈને સરકાર બનાવતા હતા તે હવે એનડીએના સાથી પક્ષોની રહમ પર આવી ગયા. એટલે કે ભાજપને આ વખતે 240 સીટો જ મળી. બહુમતથી 32 સીટ ઓછી. જો કે એનડીએને સ્પષ્ટ બહુમત મળી જતા સરકાર તો એનડીએની જ બનશે. આ વખતે યુપીમાં જબરદસ્ત ખેલ થઈ ગયો જ્યાં એનડીએને માત્ર 34 બેઠકો જ મળી. આ બધા વચ્ચે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ વખતે ચૂંટણીમાં પંજાબ પ્રભારી બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પંજાબમાં ભાજપ વિરુદ્ધ ખેડૂતોમાં ગુસ્સો હતો અને સરકાર સામે ખેડૂત આંદોલન પણ ચાલુ છે. એટલે પંજાબમાં તો ભાજપ માટે જીતવું મુશ્કેલ હતું. કેટલાક ગામડાઓમાં ભાજપના નેતાઓને ખેડૂતો પ્રવેશવા જ નહતા દેતા જેના કારણે સીટો નથી મળી. નોંધનીય છે કે પંજાબમાં કુલ 13 સીટો છે જેમાંથી ભાજપને તો એકેય નથી મળી જ્યારે સૌથી વધુ કોંગ્રેસને 7 બેઠકો અને AAP ને 3 બેઠકો મળી છે. જો કે વોટશેર ભાજપનો વધ્યો છે.  આ બધુ તો ઠીક પણ યુપીમાં જે રીતે ખેલ પડ્યો તે ભાજપ માટે આઘાતજનક રહ્યું. રૂપાણીએ યુપી ઉપર પણ નિવેદન આપ્યું અને નેતાઓને અપાયેલી લીડ અંગે પણ શું કહ્યું તે જાણવા જેવું છે. 


યુપીમાં શું થશે?
જે યુપી ભાજપને જંગી મતો આપીને બહુમતી પાર લઈ જતું હતું તે જ યુપીમાં આ વખતે જબરદસ્ત ખેલ થઈ ગયો અને ભાજપ બહુમતીથી છેટે રહી ગયું. અયોધ્યામાં રામ મંદિર બન્યું તે જ સીટ પર ભાજપ હાર્યું. યુપીમાં એનડીએને માત્ર 36 બેઠકો અને સૌથી વધુ ઈન્ડિયા ગઠબંધન અને એમા પણ સમાજવાદી પાર્ટી 32 સીટોના વધારા સાથે કુલ 37 સીટો લઈ ગઈ. સમાજવાદી પાર્ટી આ વખતે ચૂંટણીમાં દેશભરમાં ભાજપ, કોંગ્રેસ બાદ ત્રીજી સૌથી વધુ સીટો જીતનારી પાર્ટી બની છે. આ કારમા પરાજય પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં પક્ષ માટે કોઈ મોટી સમસ્યા છે, પરંતુ હાલ કશું કહી શકાય નહીં, થોડા દિવસોમાં તે જાણી શકાશે. 


400 પારની વાતો, પણ બહુમતી ય નહીં!
ભાજપ ચૂંટણી પ્રચારમાં 400 પારના નારા સાથે ઉતર્યું હતું. પરંતુ સાચી વાત એ છે કે ભાજપ 240માં સમેટાઈ જતા બહુમતી પણ ન મળી. રૂપાણીએ આ મુદ્દે કહ્યું કે દિલ્હીમાં તો ભાજપને સાતેય બેઠક મળી ગઈ પણ મુંબઈમાં માત્ર એક જ સીટ મળી, યુપીમાં મોટું નુકસાન થયું. ગુજરાતમાં પણ ક્લીન સ્વીપ કરવાની જગ્યાએ એક બેઠક ભાજપે ગુમાવી દીધી. એકંદરે પરિણામો ભાજપ માટે આશ્ચર્યજનક છે. કોઈએ આવું ધાર્યું નહતું. 400 પારનો નારો ચૂંટણી અગાઉ મોવડી મંડળે આપેલો છે. 


ગુજરાતમાં લીડનો લક્ષ્યાંક નડ્યો?
ગુજરાતમાં જે પાંચ લાખની લીડનો નેતાઓને લક્ષ્યાંક અપાયો હતો તેના પર રૂપાણીએ કહ્યું કે ભાજપ  પ્રદેશ પ્રમુખે પાંચ લાખની લીડનો લક્ષ્યાંક પક્ષ કાર્યકરોને આપ્યો હતો પરંતુ આવો લક્ષ્યાંક આપવાની તો કોઈ જરૂર જ નહતી કારણ કે વધુ ઊંચો લક્ષ્યાંક  અપાય તો તેની સાથે વાસ્તવિક પરિણામની સરખામણી થતી હોય છે. અત્રે જણાવવાનુંકે ગજુરાતમાં પાંચ લાખની  લીડનું સપનું તો પૂરું ન થયું ઉલ્ટું સૌરાષ્ટ્ર-કચ્છની જે આઠ બેઠકો છે તેમાં તો એક પણ બેઠક પર પાંચ લાખની લીડ મળી નથી.