Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં શુક્રવારે દેશભરની 88 બેઠકો પર મતદાન થયું. લાંબા વીકેન્ડ અને હવામાનની અસર બીજા તબક્કાના મતદાન પર જોવા મળી. આંકડા પર નજર ફેરવીએ તો બીજા તબક્કાના મતદાનમાં નોર્થ ઈસ્ટના રાજ્યોમાં બંપર મતદાન થયું જ્યારે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં મતદાનમાં સુસ્તી જોવા મળી. બીજા તબક્કામાં જ્યાં ઓછું મતદાન થયું અને જ્યાં બંપર મત પડ્યા તેનાથી કોને નુકસાન થયું અને કોને ફાયદો થયો તે તો પરિણામ આવશે ત્યારે ખબર પડશે પરંતુ હાલ તો સત્તાધારી ભાજપ માટે કદાચ મુશ્કેલી જોવા મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પંચ તરફથી બહાર પડેલી પ્રેસ નોટ મુજબ સાંજે 7 વાગ્યા સુધીમાં 13 રાજ્યોની 88 બેઠકો પર સરેરાશ 60.96 ટકા મતદાન નોંધાયુ. નોર્થ ઈસ્ટના રાજ્યોમાં જબરદ્સત 75 ટકાથી વધુ મતદાન  થયું. જ્યારે છત્તીસગઢના બસ્તર સંભાગના 102 ગામમાં પહેલીવાર લોકસભા માટે મતદાન થયું. 


ક્યાં કેટલા પડ્યા મત
બીજા તબક્કામાં નોર્થ ઈસ્ટ રાજ્યો અસમમાં 70.68 ટકા, મણિપુરમાં 77.18 ટકા અને ત્રિપુરામાં 77.97 ટકા મતદાન થયું. જ્યારે મહારાષ્ટ્રમાં 53.71 ટકા અને યુપીમાં 54.85 ટકા મત પડ્યા. આ ઉપરાંત બિહારમાં 54.17 ટકા, છત્તીસગઢમા 72.51 ટકા, જમ્મુ અને કાશ્મીરમાં 67.22 ટકા, કર્ણાટકમાં 64.57 ટકા, કેરળમાં 65.04 ટકા, મધ્ય પ્રદેશમાં 55.32 ટકા, રાજસ્થાનમાં 60.06 ટકા, ત્રિપુરામાં 77.97 ટકા, ઉત્તર પ્રદેશમાં 54.85 ટકા, અને પશ્ચિમ બંગાળમાં 71.84 ટકા મતદાન થયું. 


2019ની સરખામણીમાં ઓછું મતદાન
લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાની જેમ જ શુક્રવારે થયેલા બીજા તબક્કાના મતદાનમાં પણ 2019ની સરખામણીમાં ઓછા મત પડ્યા. બીજા તબક્કામાં 13 રાજ્યોની તમામ 88 બેઠકો પર મતદાન થયું. સાંજે 5 વાગ્યા સુધીમાં ઉપલબ્ધ આંકડા મુજબ ડેટાએ સંકેત આપ્યો કે લોકતંત્રના આ મહાપર્વમાં મતદારોની ભાગીદારીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. ગત લોકસભા ચૂંટણીમાં ભારતમાં સરેરાશ લગભગ 70 ટકા મત પડ્યા હતા. પરંતુ આ વર્ષે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સાંજે 5 વાગ્યા સુધીમાં ફક્ત 60 ટકા મતદાન નોંધાયુ.