લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આવી ગયા છે અને એક્ઝિટ પોલથી ઘણા દૂર જોવા મળ્યા છે. ભાજપ એકલા હાથે સરકાર બનાવવાની સ્થિતિમાં નથી જો કે એનડીએને સ્પષ્ટ બહુમત મળી ગયું છે. એનડીએ ગઠબંધન 292 બેઠક પર પહોંચ્યું છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન 234 બેઠક મેળવી ગયું છે. અધર્સના ફાળે 17 બેઠકો ગઈ છે. બિહારમાં આજે પણ એક વાત સાચી પડતી જોવા મળી રહી છે કે નીતિશકુમાર જે પક્ષમાં હોય તેનું પલડું ભારે પડતું હોય છે. જો ઈન્ડિયા ગઠબંધને તેમને સંભાળી લીધા હોત તો કદાચ આજે કેન્દ્રમાં તેમની સરકાર બને તેવી સ્થિતિ હોત. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વાત 23 જૂન 2023ની છે જ્યારે પટણામાં ઈન્ડિયા ગઠબંધનની પહેલી બેઠક થવાની હતી. બિહારના મુખ્યમંત્રી અને જેડીયુ અધ્યક્ષ નીતિશકુમાર વિપક્ષી ગઠબંધનની આ મીટિંગના સૂત્રધાર હતા. તેમણે વિવિધ રાજ્યોમાં ફરીને વિપક્ષના અનેક નેતાઓને એકજૂથ કર્યા હતા. ત્યારે એવું લાગતું હતું કે નીતિશકુમારના નેતૃત્વમાં જ વિરોધી પક્ષો ભેગા થઈને નરેન્દ્ર મોદીને પડકારશે. પરંતુ એવું તે શું થયું કે ઈન્ડિયા ગઠબંધન તેમને સંભાળી શકી નહીં અને અચાનક નીતિશકુમાર ઈન્ડિયા ગઠબંધન છોડીને એનડીએમાં જતા રહ્યા. એવું કહેવાય છે કે નીતિશકુમાર રાહુલ ગાંધીના વલણથી નારાજ થયા હતા. 


17-18 જુલાઈ 2023ના રોજ બેંગ્લુરુમાં અને પછી 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર વચ્ચે મુંબઈમાં ઈન્ડિયા ગઠબંધનની બેઠક થઈ હતી. આ દરમિયાન અનેક મુદ્દાઓ પર મનોમંથન થયું પરંતુ કોઈ નક્કર પરિણામ નીકળ્યું નહીં. નીતિશકુમાર ગઠબંધનની આ સુસ્ત ચાલથી નારાજ હતા. તેમનું કહેવું હતું કે જો સમયસર તમામ મુદ્દાઓ પર સકારાત્મક વાતચીત થશે તો જો આપણે જનતા વચ્ચે આપણા એજન્ડા લઈને જઈ શકીશું. નીતિશકુમાર તે સમયે પણ હુંકાર ભરી રહ્યા હતા કે જો આપણે યોગ્ય રીતે ચૂંટણી લડીએ તો ભાજપ 200 સીટનો આંકડો પણ પાર કરી શકશે નહીં. 


નીતિશે અનેક પાર્ટીઓને એકજૂથ કરી
ઓડિશામાં બીજેડીના નવીન પટનાયક અને તેલંગણામાં બીઆરએસના ચંદ્રશેખરને બાદ  કરતા લગભગ તમામ પક્ષો કે જેમની સાથે નીતિશકુમારે વાતચીત કરી તેઓ ઈન્ડિયા ગઠબંધનમાં જોડાઈ ગયા. તે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી હોય કે અરવિંદ કેજરીવાલ કે જેમની પાર્ટી આપ પહેલા યુપીએ ગઠબંધનમાં પણ સામેલ થવા માંગતી નહતી તેઓ ઈન્ડિયામાં જોડાઈ ગયા. નીતિશે બધાને એકસૂત્રમાં પરોવ્યા. પરંતુ કોંગ્રેસ લીડ અલાયન્સ તેમને પોતાની સાથે બાંધીને રાખી શકી નહીં. કેટલાક નિર્ણયો કોંગ્રેસના વલણના કારણે સમયસર લેવાયા નહીં જે તેનું કારણ બન્યા. 


ઈન્ડિયા અલાયન્સની બે-ત્રણ તબક્કાની બેઠક બાદ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા. ત્રણેય રાજ્યોમાં એકલે હાથે લડી રહેલી કોંગ્રેસે આ દરમિયાન ઈન્ડિયા ગઠબંધનની કોઈ પણ પાર્ટીનો સાથ લીધો નહીં. એટલે સુધી કે સપાએ એમપીમાં ગઠબંધનની રજૂઆત કરી તો તે પણ કોંગ્રેસે ફગાવી દીધી. કોંગ્રેસને તે વખતે લાગતું હતું કે આ ત્રણ રાજ્યોમાં તેને કોઈની જરૂર નથી અને પોતે એકલા હાથે સરકાર બનાવી શકશે. કોંગ્રેસને એમ પણ લાગ્યું કે આ પ્રદેશોમાં જીત બાદ ઈન્ડિયા ગઠબંધન પર તેમનું વર્ચસ્વ વધી જશે અને તેઓ પોતાની રીતે અલાયન્સમાં નિર્ણય લઈ શકશે. કોંગ્રેસના આ વલણથી નીતિશકુમાર નારાજ થઈ ગયા અને ઈન્ડિયા ગઠબંધનને ટાટા બાયબાય કરી દીધુ. જેડીયુના સૂત્રોનું કહેવું હતું કે ગઠબંધનના તમામ નિર્ણયો રાહુલ ગાંધી જ લેતા હતા અને તેમના આ વલણના કારણે જ બેઠકમાં અનેક મુદ્દાઓ પર સહમતિ બની શકતી નહતી. 


નારાજ થયા નીતિશ
ચૂંટણીની બરાબર પહેલા નીતિશ કુમારે ઈન્ડિયા ગઠબંધનનો સાથ  છોડ્યો અને એનડીએમાં જોડાઈ ગયા. તે સમયે તેમના આ નિર્ણયની ખુબ ટીકા થઈ રહી હતી. એવું પણ કહેવાયું કે જેણે બધા પક્ષોને જોડ્યા, જેમણે સત્તા અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ હુંકાર ભર્યો, આજે તેઓ જ એનડીએની ગોદમાં જઈને બેસી ગયા. આવામાં બિહારમાં અનેકવાર ગઠબંધન બદલ્યા બાદ નીતિશકુમારનું લોકસભા ચૂંટણી પહેલા જ ભાજપ સાથે જવું નીતિશકુમારની શાખ સાથે જોડાવવા લાગ્યું હતું. 


એવું કહેવાય છે કે નીતિશકુમાર રાજકારણમાં ક્યારેય ગોથું ખાતા નથી. કદાચ આ જ કારણ છે કે છેલ્લા 19 વર્ષથી નીતિશકુમાર બિહારના મુખ્યમંત્રી છે. નીતિશકુમાર ઘણા અનુભવી નેતા છે, લાંબા રાજકીય જીવનમાં તેમણે અનેક ઉલટફેર જોયા છે. આવામાં તેઓ સમજે છે કે ક્યારે, કેવી રીતે અને ક્યાં કઈ બાજી રમવાની છે. 


નીતિશ હોત તો બનત સરકાર
ચૂંટણી પહેલા ભાજપે જેડીયુનો સંપર્ક કર્યો કે જેડીયુએ ભાજપ સાથે...એ વાત તો ભૂતકાળ થઈ પરંતુ આજની વાત એ છે કે નીતિશકુમારે ફરીથી એકવાર સાબિત કરી દીધુ કે બિહારમાં કોઈ હોય તો તે છે નિતિશકુમાર. બિહારમાં આજે પણ એ વાત સાચી પડતી જોઈ શકાય છે કે નીતિશકુમાર જે પક્ષમાં હોય તેનું પલડું ભારે થઈ જાય છે. જો ઈન્ડિયા ગઠબંધને તેમને સંભાળી લીધુ હોત તો કદાચ આજે તેઓ કેન્દ્રમાં સરકાર બનાવવાની સ્થિતિમાં હોત.  કોંગ્રેસ અને રાહુલ ગાંધીને પણ હવે આ વાત સમજમાં આવતી હશે.