72ની ઉંમરે સન્યાસ છોડી પાછા ફરેલા દિગ્વિજય સિંહ ભાજપના ગઢના કાંકરા ખેરવી શકશે?
મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે કપરી સીટ ગણાતી ભોપાલથી ચૂંટણી લડવા માટે ટિકિટ અપાઈ છે. મુખ્યમંત્રી કમલનાથની રણનીતિ કારગર નીવડતી જોવા મળી રહી છે.
ભોપાલ: મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે કપરી સીટ ગણાતી ભોપાલથી ચૂંટણી લડવા માટે ટિકિટ અપાઈ છે. મુખ્યમંત્રી કમલનાથની રણનીતિ કારગર નીવડતી જોવા મળી રહી છે. હવે કોંગ્રેસની અંદર જ એવો અવાજ ઉઠવા લાગ્યો છે કે કપરી સીટ ફક્ત દિગ્વિજય માટે કે પછી અન્ય બીજા નેતાઓ પણ તેના દાયરામાં આવશે. ભોપાલ સંસદીય ક્ષેત્ર કોંગ્રેસ માટે કપરી સીટ ગણાય છે કારણ કે વર્ષ 1989 પછી એટલે કે છેલ્લા ત્રણ દાયકાથી અહીં કોંગ્રેસને જીત મળી નથી. કોંગ્રેસની કોશિશ રાજ્યની તે કપરી બેઠકો પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવાની છે જ્યાંથી છેલ્લા ત્રણ કે વધુ ચૂંટણીથી કોંગ્રેસને સતત હારનો સામનો કરવો પડી રહ્યો છે. કપરી સીટો પર દમદાર ચહેરાઓને ઉતારવાની કોંગ્રેસે રણનીતિ બનાવી છે. તેના સંકેત પણ હવે મળવા લાગ્યા છે.
મુખ્યમંત્રી અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ કમલનાથે શનિવારે અહીં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને ભોપાલ સંસદીય મતવિસ્તારમાંથી ચૂંટણી લડાવવાની જાહેરાત કરી.
સીએમ કમલનાથે અગાઉથી આપ્યા હતાં સંકેત
મુખ્યમંત્રી કમલનાથે શનિવારે પત્રકારો માટે આયોજિત એક સમારોહમાં કહ્યું કે કેન્દ્રીય ચૂંટણી સમિતિએ નક્કી કર્યું છે કે દિગ્વિજય સિંહ ભોપાલથી ચૂંટણી લડશે. આથી આ નામની હું જાહેરાત કરું છું. સાથે તેમણે કહ્યું કે દિગ્વિજય સિંહને ઈન્દોર, જબલપુર, અથવા ભોપાલથી ચૂંટણી લડવા માટે જણાવાયું હતું અંતે નક્કી થયું કે દિગ્વિજય સિંહ ભોપાલથી ચૂંટણી લડશે.
નોંધનીય છે કે કમલનાથે તાજેતરમાં કહ્યું હતું કે દિગ્વિજય સિંહે અઘરી સીટો પરથી ચૂંટણી લડવી જોઈએ. આથી કમલનાથ દ્વારા કહેવાયેલી વાત પર કેન્દ્રીય ચૂંટણી સમિતિએ પણ મહોર લગાવી દીધી. આ એ જ સીટ છે જ્યાંથી લાંબા સમયથી કોંગ્રેસને જીત મળી નથી.
કપરી બેઠકો પરથી દિગ્ગજોને ઉતારવાની માગણી
કમલનાથને પૂછવમાં આવ્યું કે ભોપાલથી ચૂંટણી લડવાના નિર્ણય પર દિગ્વિજય સિંહ ખુશ છે તો તેમણે કહ્યું કે આ તો તેમને જ પૂછવું જોઈએ. પરંતુ હું તો ખુશ છું. 72 વર્ષના દિગ્વિજય સિંહને ભોપાલથી ચૂંટણી લડાવવાના એલાન બાદ હવે કોંગ્રેસની અંદર એવા સૂર ઉઠવા લાગ્યા છે કે રાજ્યની જબલપુર, ઈન્દોર, વિદિશા વગેરે બેઠકો કે જ્યાં કોંગ્રેસને લાંબા સમયથી જીત મળી નથી ત્યાં પણ શક્તિશાળી નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવશે.
શશિ થરૂરે પ્રિયંકા ગાંધી વિશે આપ્યું એવું નિવેદન, રાહુલને પસંદ કરતા લોકોના ધબકારા વધશે
જ્યોતિરાદિત્યને પણ અઘરી સીટ આપવાની માગ
એક કોંગ્રેસના નેતાએ નામ ન જણાવવાની શરતે કહ્યું કે ભોપાલથી દિગ્વિજય સિંહને ચૂંટણી લડાવવાનો નિર્ણય ઠીક છે, પરંતુ સવાલ એ ઉઠે છે કે કમલનાથને ફક્ત છિંદવાડા અને જ્યોતિરાદિત્યને ગુનાથી જ ચૂંટણી કેમ લડાવવામાં આવે છે. તેમને પણ અઘરી સીટો મળવી જોઈએ. પાર્ટી છિંદવાડા અને ગુનાની જગ્યાએ બંને નેતાઓને બીજી બેઠકોથી ચૂંટણી લડાવે તો કાર્યકર્તાઓ વચ્ચે સારો સંદેશ જશે.
અત્રે જણાવવાનું કે દિગ્વિજય સિંહે રાધોગઢ બેઠક પરથી રાજ્ય વિધાનસભાની છેલ્લી ચૂંટણી વર્ષ 2003માં લડી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી હાર બાદ 10 વર્ષ સુધી કોઈ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી. તેના લીધે તેમણે કોઈ ચૂંટણી લડી નથી. દિગ્જવિજય સિંહ હાલમાં રાજ્યસભા સાંસદ છે. કોંગ્રેસ દોઢ દાયકા બાદ રાજ્યમાં સત્તા પર પાછી ફરી છે અને હવે દિગ્વિજય સિંહ પણ ચૂંટણી લડવા માટે તૈયાર થઈ ગયા છે.
2019ની ચૂંટણીમાં રાહુલની કોંગ્રેસ 'જૂના પત્તા'થી ખેલી રહી છે 'નવી ગેમ', સફળતા મળશે?
ભાજપનો ગઢ છે ભોપાલ
અત્યાર સુધીની ચૂંટણીઓ પર નજર ફેરવીએ તો માલુમ પડશે કે ભોપાલ એ ભાજપનો ગઢ બની ચૂક્યો છે. ભોપાલમાં 1989 બાદથી થયેલી આઠ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો જીત્યા છે. અહીંથી સુશીલચંદ્ર શર્મા, ઉમા ભારતી, પૂર્વ મુખ્યમંત્રી કૈલાશ જોશી, અને આલોક સંજર જીતી ચૂક્યા છે. આ સંસદીય મતવિસ્તારમાંથી કોંગ્રેસના અત્યાર સુધી છ સાંસદો ચૂટાયેલા છે. જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા પ્રમુખ રહ્યાં છે. આ જ રીતે વર્ષ 1967માં જનસંઘ અને વર્ષ 1977ની ચૂંટણીમાં લોકદળમાંથી આરિફ બેગ ચૂંટાઈ આવ્યાં હતાં.
રાજ્યમાં લોકસભાની 29 બેઠકો છે, જેમાં 26 પર ભાજપનો કબ્જો છે. ત્રણ સ્થળો પર કોંગ્રેસના સાંસદ છે. છિંદવાડાથી કમલનાથ, ગુનાથી જ્યોતિરાદિત્ય સિંધ્યા અને રતલામથી કાંતિલાલ ભૂરિયા સાંસદ છે.