મુંબઈઃ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચુકેલા રેસલર નરસિંહ પી. યાદવ વિરુદ્ધ એક એફઆઈઆર નોંધાવવામાં આવી છે. મુંબઈ પોલીસે મુંબઈ ઉત્તર-પશ્ચિમ લોકસભા સીટથી કોંગ્રેસ ઉમેદવાર સંજય નિરૂપમ માટે પ્રચાર કરવાના આરોપમાં મંગળવારે આ એફઆઈઆર નોંધાઈ હતી. નરસિંહ યાદવ મુંબઈ પોલીસમાં એસીપી છે. શિવસેનાએ તેની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, નરસિંહ યાદવ વિરુદ્ધ અંબોલી પોલીસ સ્ટેશનમાં પ્રાથમિક રિપોર્ટ નોંધાવવામાં આવ્ય છે. આરોપ છે કે નરસિંહ યાદવે મુંબઈ ઉત્તર-પશ્ચિમ લોકસભા સીટ અંતર્ગત આવતા યાદવનગર વિસ્તારમાં રવિવારે રાત્રે નિરૂપમ માટે પ્રચાર કર્યો હતો. આ સીટથી શિવસેનાના સાંસદ ગજાનન કિર્તિકર વિરુદ્ધ કોંગ્રેસ ઉમેદવાર સંજય નિરૂપમ ચૂંટણી મેદાનમાં છે. નરસિંહ યાદવ હવે આ મામલામાં વિભાગીય તપાસનો સામનો કરવો પડશે. 


બનારસમાં જન્મેલા નરસિંહ યાદવે 2010માં નવી દિલ્હીમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં 76 કિલો વર્ગની કુશ્તીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેજ વર્ષે એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ કબજે કર્યો હતો. ત્યારબાદ તેણે 2011 મેલબોર્નમાં યોજાયેલી કોમનવેલ્થ રેસલિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર અને 2015માં લાસ વેગાસમાં વિશ્વ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે દોહા અને ઇંચિયોનમાં રમાયેલી એશિયન ગેમ્સમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 


30 વર્ષના નરસિંહ યાદવ પર 2016માં ડોપિંગ મામલામાં ફસાયા બાદ ચાર વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ કારણે તે રિયો ઓલિમ્પિકમાંથી બહાર રહ્યો હતો. નરસિંહ યાદવ સાથી રેસલર સુશીલ કુમારની સાથે વિવાદો માટે પણ ચર્ચામાં રહ્યો હતો.