નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કાનું મતદાન આજે એટલે કે 18 એપ્રિલના રોજ યોજાયું છે. નિર્ધારિત સમય મુજબ મતદાન શરૂ થઈ ગયું છે.  દેશના 12 રાજ્યની 95 લોકસભા બેઠક પર 15 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચ દ્વારા અગાઉ જાહેર કરાયા મુજબ બીજા તબક્કામાં 13 રાજ્યની 97 સીટ પર મતદાન થવાનું હતું, પરંતુ તમિલનાડુની વેલ્લોર સીટનું મતદાન રદ્દ કરાયું છે, જ્યારે ત્રિપુરા લોકસભાની ત્રિપુરા પૂર્વ સીટનું 18 એપ્રિલના મતદાનની તારીખ બદલી નાખવામાં આવી છે. આ કારણે, હવે 12 રાજ્યની 95 સીટ પર મતદાન યોજાઈ રહ્યું છે.  ઉત્તર પ્રદેશની મથુરા લોકસભા બેઠકના બૂથ નંબર 46 પર ઈવીએમ ખરાબ થવાના કારણએ મતદાન અટકાવવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીરની  બે લોકસભા બેઠકો શ્રીનગર અને ઉધમપુરમાં પણ આજે મતદાન ચાલુ છે. સુરક્ષા કારણોસર શ્રીનગર સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રના બીડ લોકસભા મતવિસ્તાર હેઠળ આવતી પાંચ જગ્યાઓ પર ઈવીએમ અને વીવીપેટ મશીનોમાં ગડબડીની ફરિયાદો સામે આવી છે. જેમાં ગેવરઈ, મજલગાંવ, કેઝ, અષ્ટી અને પરાલી સામેલ છે. જો કે આ મશીનો તરત બદલી દેવાયા છે. ત્યારબાદ મતદાન સુચારુ રીતે ચાલુ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર પ્રદેશના એક ગામે કર્યો મતદાનનો બહિષ્કાર
ઉત્તર પ્રદેશના ફતેહપુર સિકરીના એક ગામના લોકોએ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. તેમનું કહેવું છે કે ગામમાં સુચારુ રીતે સિંચાઈ વ્યવસ્થા નથી. તેમને તેનાથી પરેશાની ભોગવવી પડે છે. ગામના પોલીંગ બૂથ સંખ્યા 41ના મતદાનકર્મીઓનું કહેવું છે કે અત્યાર સુધી આ મથકે એક પણ વ્યક્તિ મતદાન કરવા આવી નથી. 


બપોરે 1 વાગ્યા સુધીમાં ક્યાં કેટલું મતદાન
બપોરે એક વાગ્યા સુધીમાં છત્તીસગઢની 3 બેઠકો માટે 41.83 ટકા, યુપીની 8 બેઠકો પર 37.41 ટકા, ઓડિશામાં 29.90 ટકા, તામિલનાડુમાં 30.63 ટકા, જમ્મુ અને કાશ્મીરમાં 25.85 ટકા, બિહારમાં 38.48 ટકા, કર્ણાટકમાં 32.16 ટકા, મહારાષ્ટ્રમાં 29.64 ટકા, મણિપુરમાં 47.78 ટકા અને પશ્ચિમ બંગાળમાં 44.23 ટકા તથા પુડ્ડુચેરીમાં 41.29ટકા મતદાન નોંધાયું છે. 


છત્તીસગઢમાં આઈઈડી બ્લાસ્ટ
છત્તીસગઢના રાજનાંદગાવ વિસ્તારમાં નક્સલીઓએ મતદાન દરમિયાન અશાંતિ ફેલાવવા માટે સવારે 11 વાગે આઈઈડી વિસ્ફોટ કર્યો. કોરચા અને માનપુર વચ્ચે નક્સલીઓએ ઈન્ડો તિબ્બતન બોર્ડર  પોલીસની રોડ ઓપનિંગ પાર્ટીને નિશાન બનાવી. જેમાં આઈટીબીપી કોન્સ્ટેબલ માન સિંહ ઘાયલ થયા. વિસ્તારમાં જો કે મતદાન ચાલુ જ છે. 


દેશના વધુ સમચાારો વાંચવા માટે કરો ક્લિક...