Loksabha Election Survey: લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ રચી શકે છે ભાજપ, કોંગ્રેસને સૌથી ઓછી સીટ, સર્વેમાં દાવો
Loksabha Chunav Survey News: લોકસભા ચૂંટણીને લઈને સામે આવેલા લેટેસ્ટ સર્વેમાં ભારતીય જનતા પાર્ટી ફરી સત્તામાં આવી શકે છે. કોંગ્રેસના નેતૃત્વવાળા ઈંડી ગઠબંધનને કારમો પરાજય મળશે. તમે પણ જાણો ઓપિનિયન પોલની મોટી વાતો..
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024માં ભારતીય જનતા પાર્ટી સહિત વિવિધ પક્ષોને કેટલી સીટો મળશે, તેને લઈને અનુમાનો વ્યક્ત કરવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે ઓપિનિયન પોલ્સનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે. મંગળવારે વધુ એક ઓપિનિયન પોલ આવ્યો છે, જેમાં ભારતીય જનતા પાર્ટી આગામી ચૂંટણીમાં ઈતિહાસ રચતી જોવા મળી રહી છે. તો કોંગ્રેસને સૌથી ઓછી સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ઈન્ડિયા ટીવી-સીએનએક્સ ઓપિનિયન પોલ પ્રમાણે જો આજે ચૂંટણી થાય તો પીએમ મોદીના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનને 543માંથી 378 સીટો મળશે. જો માત્ર ભાજપની વાત કરીએ તો ઓપિનિયન પોલમાં 335 સીટો આપવામાં આવી છે. તે પ્રમાણે વર્ષ 2019ના મુકાબલે ભાજપને 32 સીટનો ફાયદો થઈ રહ્યો છે. તો કોંગ્રેસને માત્ર 37 સીટો મળવાનું અનુમાન છે. 2019ના મુકાબલે કોંગ્રેસને 15 સીટનું નુકસાન થઈ શકે છે. 2019માં કોંગ્રેસને 52 સીટો મળી હતી.
ઈન્ડિયા ગઠબંધનને કેટલી સીટો
ઈન્ડિયા ટીવી-સીએનએક્સ ઓપિનિયન પોલમાં ઈન્ડિયા ગઠબંધનને 98 સીટો મળવાની વાત કહેવામાં આવી છે. તેમાં ટીએમસીની સીટો સામેલ છે. ટીએમસી, વાઈએસઆરસીપી, ટીડીપી, બીજેડી અને અપક્ષ સહિત અન્યને 67 સીટો મળવાનું અનુમાન છે. આ પોલ માટે 5થી 23 ફેબ્રુઆરી વચ્ચે 1,61,900 લોકોના મત લેવામાં આવ્યા હતા. તેમાં 84,350 પુરૂષ અને 78,550 મહિલાઓ સામેલ હતી.
આ પણ વાંચોઃ મને રામાયણ અને રામ પર વિશ્વાસ નથી, જય શ્રી રામનો નારો ઘૃણાસ્પદ, નેતાએ મર્યાદા વટાવી
આ પ્રદેશોમાં ક્લીન સ્વીપનું અનુમાન
ઓપિનિયન પોલ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી પોતાના દમ પર 335 સીટો જીતી શકે છે. ઉલ્લેખનીય છે કે ભાજપે 370 સીટો જીતવાનો દાવો કર્યો છે. જો રાજ્યવાર આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં ભાજપ તમામ 26 સીટો, મધ્ય પ્રદેશની તમામ 29, રાજસ્થાનની તમામ 25, હરિયાણાની તમામ 10, ગિલ્હીની 7, ઉત્તરાખંડની તમામ 5 અને હિમાચલની ચારેય સીટો પર જીત મેળવશે.
ઉત્તર પ્રદેશની શું સ્થિતિ
લેટેસ્ટ ઓપિનિયન પોલ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં ભાજપ સૌથી વધુ સીટ જદીતી શકે છે. અહીં 74 સીટ જીતવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ભાજપના સહયોગી દળ આરએલડી અને અપના દલ બે-બે સીટો જીતી શકે છે. અહીં સપાને બે સીટ, જ્યારે કોંગ્રેસ અને બીએસપીનું ખાતું પણ ખુલશે નહીં. અન્ય રાજ્યની વાત કરવામાં આવે તો બિહારમાં 40માંથી 17, ઝારખંડમાં 14માંથી 12, કર્ણાટકમાં 28માંથી 22, મહારાષ્ટ્રમાં 48માંથી 25, ઓડિશામાં 10, અસમમાં 14માંથી 10, પશ્ચિમ બંગાળમાં 42માંથી 20 સીટ જીતી શકે છે. તમિલનાડુમાં ડીએમકે 20, આંધ્ર પ્રદેશમાં વાઈએસઆરસીપી 15 અને ટીડીપી 10 સીટ જીતી શકે છે. ઓડિશામાં બીજેડી આગળ રહી શકે છે.