Model Code of Conduct: ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ જાય છે. જે તમામ રાજકીય પાર્ટીઓ સાથે સાથે સામાન્ય જનતાને પણ આ નિયમો લાગૂ પડે છે. સરકારો અને સરકારી અધિકારીઓ સહિત તમામને આ નિયમો લાગૂ પડે છે. આચારસંહિતાના ઉલ્લંઘન બદલ જેલની સજા પણ થઈ શકે છે. ત્યારે જાણો શું હોય છે ચૂંટણીની આચારસંહિતા અને તે લાગુ થયા બાદ ક્યા કયા કામો કરી શકતા નથી? જાણો વિગતવાર...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું હોય છે આદર્શ આચારસંહિતા?
ચૂંટણીની આદર્શ આચાર સંહિતા (Model Code of Conduct) એ ચૂંટણી પંચની સૂચના છે, જે ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી દરેક પક્ષ અને તેના ઉમેદવાર દ્વારા પાલન કરવામાં આવે છે. જો ઉમેદવાર આ નિયમોનું પાલન નહીં કરે, તો ચૂંટણી પંચ તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે, તેને ચૂંટણી લડતા અટકાવી શકે છે, ઉમેદવાર સામે FIR નોંધાવી શકે છે અને જો તે દોષી સાબિત થાય છે, તો તેને જેલમાં પણ જવું પડે છે.


સોશિયલ મીડિયા પર આચારસંહિતાના શું નિયમો હોય છે?
સોશિયલ મીડિયા પર પ્રચારની જાહેરાતો આપતા પહેલા ચૂંટણીપંચને તેની જાણકારી આપવી જરૂરી હોય છે. ચૂંટણીપંચ પરવાનગી આપે ત્યારબાદ જ આ જાહેરાતોને સોશિયલ મીડિયા પર મૂકી શકાય છે. ઉમેદવારોએ ચૂંટણીપંચને તેના પ્રચારના ખર્ચનો હિસાબ પણ આપવો પડે છે. જો હિસાબમાં ગોટાળો જોવા મળે તો ઉમેદવારને ત્રણ વર્ષ માટે ગેરલાયક પણ ઠેરવી શકાય છે.


આદર્શ આચારસંહિતા લાગુ થયા બાદ શું ન કરી શકાય?


  • કેન્દ્ર કે રાજ્ય સરકાર કોઈ નવી સરકારી યોજનાની જાહેરાત કરી શકતી નથી.

  • ​સરકારી ગાડી, સરકારી વિમાન કે સરકારી બંગલાનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કરી શકાતો નથી.

  • સરકારી ખર્ચે કેન્દ્ર કે રાજ્યમાં સત્તાધારી પાર્ટીઓની ઉપલબ્ધિઓ અંગે લગાવેલા પોસ્ટર્સ હટાવી દેવા જરૂરી છે.

  • કોઈ પણ ધાર્મિક સ્થળનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાતો નથી.

  • સત્તાધારી પાર્ટીને લાભ થાય તેવી કોઈ જાહેરાતો સરકારી ખર્ચે આપી શકાતી નથી.

  • કેન્દ્ર કે રાજ્યના સરકારી કર્મચારીઓ ચૂંટણીપંચના કર્મચારીઓ તરીકે કામ કરે છે અને કોઈ કર્મચારીની બદલી કરી શકતી નથી અને જરૂરી જ હોય તો ચૂંટણીપંચની મંજૂરી બાદ બદલી કરી શકાય છે.

  • સરકારી પૈસા કોઈ એવી યોજનામાં કે પછી એવા આયોજનમાં વાપરી શકાય નહીં જેનાથી કોઈ વિશેષ પાર્ટીને તેનો ફાયદો થતો હોય.

  • ખેડૂતો માટે ચૂંટણીપંચની પૂર્વ સંમતિ બાદ ટેકાના ભાવ નક્કી કરી શકાય છે.

  • ચૂંટણીની જાહેરાત થયા બાદ લોકાર્પણ, ભૂમિપૂજન કે પછી શિલાન્યાસ જેવા કાર્યક્રમો કરી શકાતા નથી.


 


આચારસંહિતાના ભંગ બદલ શું સજા થાય?
કોઈપણ ઉમેદવાર કે પક્ષ કે પછી સમર્થકોએ રેલી કે સભાનું આયોજન કરતાં પહેલાં પોલીસની પરવાનગી લેવી જરૂરી બને છે. ઉમેદવારો પક્ષ, જાતિ, ઘર્મ કે વર્ગના આધારે મત માગી શકતા નથી. જો કોઈ ઉમેદવાર કે પછી પાર્ટી આચારસંહિતાનો ભંગ કરે તો ચૂંટણીપંચ નિયમ અનુસાર કાર્યવાહી કરી શકે છે. તેની સામે ફોજદારી ગુનો પણ દાખલ થઈ શકે છે. તેમને ચૂંટણી લડતા પણ અટકાવી શકાય છે. આચારસંહિતાના ભંગ બદલ જેલની સજા પણ થઈ શકે છે.