Loksabha Election: બેઠકોની વહેંચણીમાં ફસાયું વિપક્ષી ગઠબંધન, દિલ્લીમાં યોજાઈ વધુ એક બેઠક
લોકસભાની આ ચૂંટણીમાં યુપીના પરિણામો એકવાર ફરી ચોંકાવનારા હોઈ શકે છે. ત્યારે જોવું એ રહેશે કે યુપીમાં વિપક્ષમાં કોના ફાળે કેટલી બેઠકો આવે છે. કેમ કે લોકસભાનો રસ્તો યુપી થઈને જ પસાર થાયછે..
નવી દિલ્હીઃ ભાજપે જ્યાં લોકસભાની ચૂંટણી માટે પ્રચારની રણનીતિ તૈયાર કરી લીધી છે, ત્યાં વિપક્ષના ગઠબંધનમાં હજુ બેઠકોની વહેંચણી અંગે પેચ ફસાયેલો છે. જે તે રાજ્યોમાં મોટું સ્થાન ધરાવતા પક્ષો અન્ય પક્ષોને વધુ બેઠકો આપવા તૈયાર નથી. મંગળવારે બેઠકોની વહેંચણી માટે જ દિલ્લીમાં વિપક્ષની બેઠક યોજાઈ હતી. જેમાં દાવો કરાયો છે કે તમામ મડાગાંઠ ઉકેલાઈ ગઈ છે..
વિપક્ષે ગઠબંધન તો બનાવી લીધું છે, પણ વાત જ્યારે ચૂંટણી લડવાની આવી છે, ત્યારે ગઠબંધનમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે. તમામ વિપક્ષો એક સાથે હોવાનો દાવો તો કરે છે, પણ વાત જ્યારે બેઠકોની વહેંચણીની આવે છે, ત્યારે ખેંચતાણ શરૂ થઈ જાય છે. કોઈ પક્ષ નથી ઈચ્છતો કે તેને ઓછી બેઠક મળે. આ જ કારણસર પશ્વિમ બંગાળ અને યુપીમાં વિપક્ષ માટે સૌથી કપરી સ્થિતિ સર્જાઈ છે..
મંગળવારે દિલ્લીમાં વિપક્ષના નેતાઓની વધુ એક બેઠક યોજાઈ હતી. આ બેઠકનું પરિણામ સત્તાવાર રીતે તો સામે નથી આવ્યું, પણ બેઠકમાં સામેલ શિવસેના સાંસદ સંજય રાઉતનું દાવો છે કે બધું બરાબર છે. વિપક્ષમાં બેઠકોની વહેંચણી માટે કોઈ વિખવાદ નથી.
આ પણ વાંચોઃ માલદીવને સીધુ દોર કરવા લક્ષદ્વીપ માટે શું છે સરકારનો પ્લાન? લાગશે 440 વોટનો ઝટકો
વિપક્ષમાં બેઠકોની વહેંચણીના વિવાદની શરૂઆત કોંગ્રેસ અને ટીએમસી વચ્ચેના વિખવાદથી થઈ છે. ટીએમસી પશ્વિમ બંગાળમાં કોંગ્રેસને ફક્ત બે બેઠકો આપવા તૈયાર હોવાથી કોંગ્રેસના પગ તળેથી જમીન ખસી ગઈ છે. વિપક્ષની એકતાની ખરી પરીક્ષા બંગાળમાં થશે.
વિપક્ષનું ઈન્ડિ ગઠબંધન હજુ પોતાના કન્વીનરની પસંદગી પણ નથી કરી શક્યું. આ માટે નીતિશકુમારનું નામ સૌથી આગળ છે. જો કે સત્તાવાર જાહેરાત વિના તમામ બાબતો અટકળો છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા જયરામ રમેશનું નામ પણ ગઠબંધનના સંયોજક તરીકે સામે આવી રહ્યું છે, જો કે આ પણ હજુ અટકળો જ છે..
એક તરફ જ્યાં વિપક્ષમાં બેઠકોની વહેંચણીને લઈને પેચ ફસાયો છે, ત્યાં બીજી તરફ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણ માટેના આમંત્રણનો મુદ્દો પણ ચર્ચામાં છે. કોઈને આમંત્રણ મળ્યું છે તો કોઈને નથી મળ્યું. કોઈને આમંત્રણ મળવા છતા વાંધો છે, તો કોઈને મંદિર નિર્માણ માટે ક્રેડિટ ન મળતા માઠું લાગ્યું છે.
આ પણ વાંચોઃ રામ મંદિરમાં લગાવવામાં આવી રહ્યાં છે સોનાના 14 દરવાજા, પ્રથમ તસવીર આવી સામે
વિપક્ષના જે નેતાઓ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ સ્વીકારી રહ્યા છે, કે પછી મંદર નિર્માણની પ્રશંસા કરી રહ્યા છે, તેમને ભાજપ તરફથી આવકાર મળી રહ્યો છે..
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બદલ મુખ્યમંત્રી યોગીએ જ્યાં રામોત્સવ મનાવવાનું આહ્વાહન કર્યું છે. સમગ્ર તંત્ર પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓમાં જોડાયેલું છે, ત્યારે રાજ્યના પૂર્વ સીએમ અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવનો દાવો છે કે યોગી સરકારે લોકો માટે કંઈ નથી કર્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube