કોચિનઃ લોકસભા ચૂંટણી 2019ની તારીખો જાહેર થવાની સાથે જ હવે રાજકીય પક્ષોએ ગઠબંધનની ગતિવિધિઓ અને ઉમેદવારોની યાદી જાહેર કરવાની ગતિવિધિઓ શરૂ કરી દીધી છે. બુધવારે કેરળના કોચિનમાં કર્ણાટક રાજ્ય માટે કોંગ્રેસ અને જનતા દળ(એસ) વચ્ચે સીટોની વહેંચણી અંગે ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ હતી. જેમાં કર્ણાટકની કુલ 28 લોકસભા બેઠકમાંથી કોંગ્રેસ 20 બેઠક પર ચૂંટણી લડશે, જ્યારે 8 બેઠક પર જનતા દળ(એસ) તેના ઉમેદવાર ઊભા રાખશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એચ.ડી. દેવેગૌડાની પાર્ટીના ઉમેદવારો ઉત્તરા કન્નડા, ચિકમાગલુરુ, શિમોગા, તુમકુર, હાસન, માંડ્યા, બેંગલુરુ ઉત્તર અને વિજયપુરા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. જનતા દળ(એસ) તેની પસંદગીની કેટલીક બેઠકો મેળવવામાં સફળ થયું છે, જેમાં શિમોગા, તુમકુર, હાસન, માંડ્યા અને ઉત્તર બેંગલુરુનો સમાવેશ થાય છે. 


કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારે કેરળના કોચિનમાં જનતા દળ(એસ)ના જનરલ સેક્રેટરિ દાનિશ અલીને મળ્યા હતા અને આ બેઠકમાં કર્ણાટકની લોકસભા બેઠકો પર અંતિમ નિર્ણય લેવાયો હતો. 


પીએમ મોદીએ લોકસભા ચૂંટણીને લઇ રાહુલ ગાંધીને કરી આ અપીલ, સંપૂર્ણ વાંચો


કોંગ્રેસે 2014માં જીતેલી તુમકુર બેઠક જનતા દળ (એસ)ને આપી હતી, આ સિવાય તેણે ગત લોકસભા ચૂંટણીમાં જીતેલી તમામ બેઠકો પોતાની પાસે રાખી હતી. કોંગ્રેસે મૈસૂર સીટ પોતાની પાસે રાખી છે. ઉલ્લેખનીય છે કે મૈસૂર બેઠક પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈય્યાની ગૃહમથક છે. 


સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, જેડી(એસ) દ્વારા કોંગ્રેસ પાસે 12 બેઠકોની માગણી કરાઈ હતી. જોકે, કોંગ્રેસ જેડી(એસ)ને 6થી વધુ સીટ આપવાના મૂડમાં ન હતી. આખરે 8 બેઠકો પર સમાધાન થયું હતું. બંને પક્ષો વચ્ચે સીટોની વહેંચણી અંગે સમાધાન થઈ ગયા બાદ કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસામી રાહુલ ગાંધીને મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અત્યારે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડી(એસ) ગઠબંધનની સરકાર સત્તામાં છે. 


‘લોકશાહી બચાવો’ના સૂત્રોચાર સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ અધ્યક્ષ કચેરી બહાર કર્યા ધરણાં


2014ની લોકસભા ચૂંટણીમાં કર્ણાટકમાં ભાજપે લોકસભાની 17 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે 9 અને જેડી(એસ)એ બે બેઠકો જીતી હતી. ભાજપને કુલ 43 ટકા વોટ મળ્યા હતા, જ્યારે કોંગ્રેસ-જેડી(એસ)ને સંયુક્ત રીતે 52 ટકા વોટ મળ્યા હતા. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....