નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી-2024 માટે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. ભાજપે વિવિધ રાજ્યોમાં વધુ 111 ઉમેદવારોની જાહેરાત કરી છે. આ લિસ્ટમાં હિમાચલ પ્રદેશની મંડી સીટથી અભિનેત્રી કંગના રનૌતને ટિકિટ મળી છે. તો ઉત્તર પ્રદેશમાંથી રામાયણ સીરિયલમાં રામનું પાત્ર ભજવનાર અરૂણ ગોવિલને ટિકિટ આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપનું પાચમું લિસ્ટ
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં કુલ 111 ઉમેદવારોના નામ છે. ભાજપના આ લિસ્ટમાં વરૂણ ગાંધીને ટિકિટ આપવામાં આવી નથી. તો કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ વીકે સિંહે ચૂંટણી લડવાની ના પાડી હતી. વરૂણ ગાંધીની જગ્યાએ પાર્ટીએ જિતિન પ્રસાદને ટિકિટ આપી છે. 



અરૂણ ગોવિલને મળી ટિકિટ
ભાજપે પોતાની પાંચમી યાદીમાં મેરઠ લોકસભા સીટ પરથી રામાયણમાં રામનું પાત્ર ભજવનાર અભિનેતા અરૂણ ગોવિલને મેદાનમાં ઉતાર્યા છે. તો ભાજપે ઝારખંડના દુમકાથી સીતા સોરેનને ટિકિટ આપી છે. સીતા સોરેન ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના ભાભી છે અને તેમણે તાજેતરમાં ધારાસભ્ય પદ છોડી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ હતું. ત્યારબાદ સીતા સોરેન ભાજપમાં જોડાયા હતા. હવે પાર્ટીએ તેમને લોકસભા ટિકિટ આપી દીધી છે. આ સિવાય ભાજપે હરિયાણાના કુરૂક્ષેત્રથી કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા નવીન જિંદલને ટિકિટ આપી છે. 


ભાજપે રાજમુંદરીથી ડી પુંડેશ્વરી, મુઝફ્ફરપુરથી રાજ ભૂષણ નિષાદ, પાલટીપુત્રથી રામ કૃપાલ યાદવને ટિકિટ આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેની બક્સરથી ટિકિટ કાપવામાં આવી છે. બક્સરથી મિથિલેશ તિવારીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. 


સાસારામથી છેદી પાસવાનને ટિકિટ આપવામાં આવી નથી, તેમની જગ્યાએ શિવેશ રામ ઉમેદવાર હશે. મુઝફ્ફરપુરથી અજય નિષાદની ટિકિટ કાપી દેવામાં આવી છે.


નવાદાથી વિવેક ઠાકુરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સીટ લોજપાના ખાતામાં હતી. આ સિવાય બિહારની બાકી સીટો પર જૂના ચહેરાઓને રિપીટ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે બિહારમાં ભાજપ 17 સીટો પર ચૂંટણી લડશે.


ભાજપે ઉમેદવારોની પાંચમી યાદીમાં આંધ્રપ્રદેશમાંથી 6, બિહારમાંથી 17, ગોવામાંથી 1, ગુજરાતમાંથી 6, હરિયાણામાંથી 4, હિમાચલ પ્રદેશમાંથી 2, ઝારખંડમાંથી 3, કર્ણાટકમાંથી 4, કેરળમાંથી 4, મહારાષ્ટ્રમાંથી 3, મિઝોરમમાંથી 1, ઓડિશામાંથી 18 રાજસ્થાનમાં 7, સિક્કિમમાં 1, તેલંગાણાની 2, ઉત્તર પ્રદેશની 13 અને પશ્ચિમ બંગાળની 19 લોકસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.