Andhra Pradesh: 1 મતથી ચૂંટણી હારી ગયા, છતાં ઉમેદવારે આપેલું વચન પાળ્યું અને ગરીબને ઘર બનાવી આપ્યું
નેતાઓની આ છબીને ખુલ્લો પડકાર ફેંકયો છે આંધ્ર પ્રદેશના એક સરપંચ પદના ઉમેદવારે.
નવી દિલ્હી: નેતાઓ ચૂંટણી ટાણે વચનો આપ્યા કરે છે પણ ચૂંટણી પૂરી થાય કે ભૂલી જાય છે એવી સામાન્ય રીતે લોકોમાં છાપ હોય છે. પછી ભલે તે ગમે તે પાર્ટીના હોય, કોઈ પણ ક્ષેત્રના હોય કે દુનિયાનો કોઈ પણ ખૂણો હોય! ખુરશી મળતા જ 5 વર્ષ માટે નેતાજી ગાયબ મોડમાં આવી જાય છે. નેતાઓની આ છબીને ખુલ્લો પડકાર ફેંકયો છે આંધ્ર પ્રદેશના એક સરપંચ પદના ઉમેદવારે.
The New Indian Express ના એક રિપોર્ટ મુજબ આંધ્ર પ્રદેશના ધવલેપટા ગામના પેદાદા શ્રીરામૂર્તિએ સરપંચ પદની ચૂંટણી લડી. નોંધનીય છે કે શ્રીરામમૂર્તિ ફક્ત 1 જ મતથી ચૂંટણી હારી ગયા. ચૂંટણી પ્રચાર દરમિયાન શ્રીરામમૂર્તિ કાડાગાના રામૂલુના ઘરે પહોંચ્યા. રામૂલુ છેલ્લા 10 વર્ષથી એક કાચા મકાનમાં પત્ની, 4 દીકરીઓ અને એક પૌત્ર સાથે રહેતો હતો. ગરીબીના કારણે રામૂલુ પાકું મકાન બનાવી શક્યો નહીં. જ્યારે શ્રીરામમૂર્તિ રામૂલુને મળવા માટે પહોંચ્યા તો તેણે તેમને એક પાકું મકાન બનાવી આપવાની વાત કરી. રામૂલુની તકલીફ જોઈને શ્રીરામમૂર્તિએ પણ ઘર બનાવી આપવાનું વચન આપી દીધુ.
સરપંચની ચૂંટણી હારવા છતાં શ્રીરામમૂર્તિએ 3 લાખ રૂપિયા ખર્ચો કર્યો અને રામૂલુને ઘર બનાવી આપ્યું. રામૂલુએ કહ્યું કે હું અને મારા પરિવારના સાત સભ્યો છેલ્લા 10 વર્ષથી નાનકડી ઝૂંપડીમાં રહતા હતા. સરકારે ઘર બનાવવા માટે જમીન તો આપી પણ મારી પાસે ઘર બનાવવા માટે પૈસા ન હતા.
રામૂલુને જ્યારે ખબર પડી કે શ્રીરામમૂર્તિ ચૂંટણી હારી ગયા ત્યારે તેમણે પાકા મકાનની આશા છોડી દીધી પરંતુ શ્રીરામમૂર્તિએ પોતાનું વચન પાળી બતાવ્યું અને ઘર બનાવી આપ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube