Valentine Special: ચાર-ચાર વાર પ્રેમ થવા છતાં પણ કેમ એકલાં રહ્યા ઉદ્યોગ જગતના બેતાજ બાદશાહ રતન ટાટા
ફેબ્રુઆરી એટલે મિલન, પ્યાર, ઈઝહારનો મહિનો. આ મહિનામાં જેટલી લવ સ્ટોરી સામે આવે છે તેટલી આખા વર્ષમાં ક્યારેય નથી આવતી. રતન ટાટા, એક એવુ નામ છે જેના વિશે કંઈ વધારે કહેવાની જરૂર નથી પડતી. કેટલાક લોકો માટે તેઓ પ્રેરણારૂપ છે. પરંતુ તેમની પર્સનલ લાઈફ વિશે ઘણા ઓછા લોકો જાણે છે. આખરે આટલા સફળ માણસે હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા, ચાલો આજે આપને જણાવીએ.
ઝી બ્યૂરો, અમદાવાદઃ આજે આપને જણાવીશું એક જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાની લવ સ્ટોરી વિશે. જેનો તેમણે પોતે એક ફેસબુક પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે. આ સ્ટોરીની શરૂઆત લોસ એન્જિલસથી થઈ. જ્યારે રતન ટાટા કોલેજ પૂરી કર્યા બાદ એક આર્કિટેક્ચરની કંપનીમાં નોકરી કરતા હતા. ત્યારે તેમની પાસે કાર હતી. આ વાત વર્ષ 1960નાં રોજની છે અને ત્યારે તેમની ઉંમર 25 વર્ષની આસપાસ હતી.
1962ના ભારત-ચીન યુદ્ધના કારણે લગ્ન ન થઈ શક્યા
રતન ટાટાએ જણાવ્યુ કે તેમને પ્રેમ થઈ ગયો હતો અને તેઓ લગ્ન કરવાની તૈયારીમાં જ હતા. પરંતુ અચાનક રતન ટાટાને થોડા સમય માટે સ્વદેશ પરત ફરવુ પડ્યું, કારણકે સાત વર્ષથી બિમારીમાં સપડાયેલા તેમના દાદીની તબિયત ખરાબ હતી. તેમને પોતાની પ્રેમિકા પાસેથી પણ એવી આશા હતી, કે તે પણ તેમની સાથે લગ્ન કરીને ભારત આવશે. પરંતુ 1962માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ છેડાયુ. આવી સ્થિતિમાં પ્રેમિકાના માતા-પિતા રતન ટાટા સાથે તેમની પુત્રીના સંબંધો આગળ વધારવા માગતા ન હતા. જેના કારણે રતન ટાટાનો પહેલો પ્રેમ અધૂરો રહી ગયો.
એકવાર નહીં પરંતુ ચાર-ચાર વાર થયો હતો પ્રેમ
એવુ નથી કે રતન ટાટાને એકવાર જ પ્રેમ થયો. તેઓ પોતાની લાઈફમાં ચાર વખત સીરિયસ રિલેશનશિપમાં રહી ચૂક્યા છે. તમામ રિલેશનને તેઓ લગ્ન સુધી લઈ જવા માગતા હતા. પરંતુ કોઈને કોઈ કારણોસર તેમના રિલેશન તૂટી ગયા. ત્યારબાદ તેમણે પોતાના કામ પર ફોકસ કરવાનું નક્કી કર્યુ. એ વાત બધા જ જાણે છે કે રતન ટાટા આજીવન અપરણિત રહ્યા. આ વાતનો તેમને કોઈ વસવસો પણ નથી. જોકે તેમણે ઘણીવાર નિવેદન પણ આપ્યુ છે કે, ‘સારુ થયુ કે હું સિંગલ રહ્યો. કારણકે જો લગ્ન કરી લીધા હોત, તો કદાચ સ્થિતિ ખૂબ જટિલ બની જાત’.
રતન ટાટાનો જીવન પરિચય
રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ ગુજરાતનાં સુરતમાં એક પારસી પરિવારમાં થયો. તેમના પિતાનું નામ નવલ ટાટા અને માતાનું નામ સોનૂ ટાટા હતુ. તેમના પિતાએ બે લગ્ન કર્યા. તેમની પારકી માતાનું નામ સિમોન ટાટા હતું. નોએલ ટાટા તેમના પારકા ભાઈ છે. કૉર્નેલ ઓ હાર્વર્ડ વિશ્વ વિદ્યાલયમાં અભ્યાસ કર્યા બાદ તેમણે ટાટા ગ્રુપમાં કામ કરવાનું શરૂ કર્યુ. હાલમાં રતન ટાટા ટાટા સન્સ, ટાટા ઈન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને ટાટા કેમિકલ્સના ચેરમેન છે. રતન ટાટા ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા કન્સલટેન્સી, ટાટા પાવર, ટાટા ગ્લોબલ બિવરેજ, ટાટા કેમિકલ, ટાટા ટેલીસર્વિસ અને તાજ ગ્રુપના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યા છે.