લોકસભા ચૂંટણી 2019: હવે ઉમા ભારતીએ પ્રિયંકા ગાંધીને `ચોરની પત્ની` કહી
હિતેશ શર્મા/ નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં રાજકીય પારો ચઢવાની સાથે-સાથે નેતાઓના નિવેદનોમાં પણ ગરમી જોવા મળી રહી છે. નેતાઓ દ્વારા કરવામાં આવતા વિવાદિત નિવેદનોની યાદીમાં હવે ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીનું નામ પણ જોડાઈ ગયું છે. એક સમયે ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ગણાતા ઉમા ભારતીએ પ્રિયંકા ગાંધી વાડ્રાને 'ચોરની પત્ની' જણાવીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે.
ભાજપના નેતા ઉમા ભારતી દુર્ગ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિજય બઘેલના સમર્થનમાં પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન ઉમા ભારતીએ પ્રિયંકા ગાંધી વાડ્રા દ્વારા ચૂંટણી લડવા અને સક્રિય રાજકારણમાં આવવા અંગે પણ જોરદાર પ્રહાર કર્યા હતા.
પ્રિયંકાને કહી 'ચોરની પત્ની'
ઉમાર ભારતીએ પ્રિયંકા ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, "જેનો પતિ (રોબર્ટ વાડ્રા) ચોરીના આરોપમાં હોય તેને લોકો કેવી નજરથી જોશે. ચોરની પત્નીને કેવી નજરે જોવામાં આવે છે. હિન્દુસ્તાન એવી જ નજરે તેમને જોશે." તેમણે કહ્યું કે, પ્રિયંકા ગાંધીના રાજકારણમાં પ્રવેશથી ભાજપને કોઈ અસર થવાની નથી.
ચૂંટણીથી બરાબર પહેલા DMKના નેતા અને સાંસદ કનિમોઝીના ઘરે ITના દરોડા
આઝમ ખાને દેશની મહિલાઓનું અપમાન કર્યું છે
ઉમા ભારતીએ આઝમ ખાન પર પ્રહાર કરતા કહ્યું કે, ચૂંટણી પંચે જે રીતે યોગી આદિત્યનાથ અને આઝમખાન પર એક પ્રકારની જ કાર્યવાહી કરી છે તે યોગ્ય નથી. આઝમ ખાને વિવાદિત નિવેદન કરીને દેશની મહિલાઓનું અપમાન કર્યું છે.
વેલ્લોર બેઠકની ચૂંટણી રદ્દઃ DML ઉમેદવારની ઓફિસમાંથી મોટા પ્રમાણમાં રોકડ પકડાઈ હતી
રાહુલ ગાંધી અમેઠીમાંથી હારી રહ્યા છે- ઉમા ભારતી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા બે લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા અંગે ઉમા ભારતીએ કહ્યું કે, તેઓ પોતાની પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને ગમે ત્યાંથી ચૂંટણી લડી શકે છે. અમેઠીમાંથી જે રિપોર્ટ મળ્યા છે તેના આધારે જ રાહુલે બે બેઠક પરથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. તેમણે અમેઠીમાં પોતાના પરાજયનો પહેલાથી જ સ્વીકાર કરી લીધો છે.