ઇન્દોર : જો મેઘરાજાની મહેર રહી તો આગામી 27-28 જુલાઇએ રાતે પૂર્ણ ચંદ્રગ્રહણનો અદભૂત નજારો જોવા મળશે. સૂર્ય, પૃથ્વી અને ચંદ્રની છુપાછુપાનો નજારો દેશના ઘણા ખરા વિસ્તારોમાં જોવા મળશે. સદીના સૌથી લાંબા પૂર્ણ ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર અંદાજે એક કલાક 43 મિનિટ સુધી પૃથ્વીની પડછાયામાં છુપાયેલો રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉજ્જૈનની પ્રતિષ્ઠિત વેધશાળાના અધિક્ષક ડો. રાજેન્દ્ર પ્રકાશ ગુપ્તએ કહ્યું કે, આગામી પૂર્ણ ચંદ્રગ્રહણ દેશના અધિકાંશ વિસ્તારોમાં જોવા મળશે. જો વરસાદી માહોલમાં આકાશ સ્વચ્છ હશે તો નજારો સ્પષ્ટ દેખાશે. પૂર્ણ ચંદ્રગ્રહણની શરૂઆત ભારતીય સમય અનુસાર 27 જુલાઇએ રાતે 11 કલાક 54 મિનિટ 02 સેકન્ડથી થશે. જ્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્રને ધીરે ધીરે ઢાંકવાનું શરૂ કરશે. 


અંદાજે બસો વર્ષ જૂની વેધશાળાના નિર્દેશકે પોતાની ગણતરીના આધારે જણાવ્યું કે, પૂર્ણ ચંદ્રગ્રહણ રાતે 1 કલાક 51 મિનિટ 08 સેકન્ડે ચરમસીમા પર હશે. જ્યારે પૃથ્વીની છાયાથી ચંદ્ર 161.4 ટકા ઢંકાયેલો દેખાશે. પૂર્ણ ચંદ્રગ્રહણની આ સ્થિતિ આગામી એક કલાક 42 મિનિટ 57 સેકન્ડ સુધી ચાલુ રહશે. ત્યાર બાદ પૃથ્વીની છાયા ચંદ્રથી ધીરે ધીરે હટશે અને 28 જુલાઇની વહેલી સવારે 3 કલાક 49 મિનિટ 03 સેકન્ડે ખતમ થશે. 


જીવાજી વેધશાળાના અધિક્ષક ડો. રાજેન્દ્રપ્રકાશ ગુપ્તે જણાવ્યું કે, પૂર્ણ ચંદ્રગ્રહણનો આ નજારો એશિયાના કેટલાક દેશોની સાથે અંટાર્કટિકા, યૂરોપ, ઓસ્ટ્રેલિયા, રશિયાસ આફ્રિકા અને અમેરિકાના કેટલાક વિસ્તારોમાં પણ જોવા મળશે. પૂર્ણ ચંદ્રગ્રહણ ત્યારે લાગે છે જ્યારે સૂર્ય અને ચંદ્રમા વચ્ચે પૃથ્વી આવે છે અને ચંદ્રમાને પોતાની છાયાથી ઢાંકી લે છે.